વેપાર

ડૉલર મજબૂત થતાં વૈશ્ર્વિક સોનામાં પીછેહઠ, રોકાણકારોની નજર અમેરિકાના રોજગારીના ડેટા પર

લંડન: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ ઉપરાંત રોકાણકારોની નજર આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના રોજગારીના ડેટા પર સ્થિર હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. જોકે, આજે ગાંધી જયંતીની જાહેર રજાને કારણે સ્થાનિક ઝવેરી બજાર સત્તાવાર ધોરણે બંધ રહ્યું હતું. વધુમાં આજે ચીન તથા ભારતની બજારો બંધ હોવાને કારણે પણ લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં કામકાજો પાંખાં રહ્યા હતા, જેમાં હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫ ટકા ઘટીને ઔંસદીઠ ૨૬૪૯.૧૭ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૭ ટકા ઘટીને ૨૬૭૦.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૮ ટકા ઘટીને ઔંસદીઠ ૩૧.૧૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. ગઈકાલે ઈરાને ઈઝરાયલ પર હુમલો કર્યા બાદ મધ્ય પૂર્વના દેશોમાં પરિસ્થિતિ વધુ વણસે તેવી ભીતિ હેઠળ ડૉલર ઈન્ડેક્સમાં તીવ્ર ઉછાળો આવતાં સોનાની પડતર વધી આવતા માગ નબળી પડતાં સોનાના ભાવ વધુ દબાણ હેઠળ આવ્યા હતા. તેમ જ ભારત અને ચીનની બજાર બંધ હોવાથી કામકાજો પણ સુસ્ત રહ્યા હતા.

આજે રોકાણકારોની નજર મોડી સાંજે હાજર થનારા અમેરિકાના એડીપી એમ્પ્લોઈમેન્ટ ડેટા અને ફેડરલના અધિકારીઓના વક્તવ્ય પર તથા આ સપ્તાહના અંતે જાહેર થનારા આઈએસએમ અને નોન ફાર્મ પૅ રૉલ ડેટા પર સ્થિર થઈ છે.

જો આઈએસએમ અને નોન ફાર્મ પૅરૉલ ડેટા પ્રોત્સાહક આવે તો ફેડરલ રિઝર્વ દ્વારા હળવી નાણાનીતિમાં આક્રમક વલણ અપનાવે તેવી શક્યતા પાતળી કરતાં સોનાના ભાવમાં વધ્યા મથાળેથી ઘટાડો જોવા મળી શકે છે, એમ સિટી ઈન્ડેક્સના એક વરિષ્ઠ વિશ્ર્લેષક મેટ્ટ સિમ્પસને જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો મધ્ય પૂર્વમાં તણાવમાં નોંધપાત્ર વધારો ન થાય તો સોનાના ભાવ સર્વોચ્ચ સપાટીની અંદર જ રહેશે તેમ છતાં આર્થિક ડેટાની જાહેરાત પશ્ર્ચાત્ સોનાના ભાવમાં વધઘટ અંગેનું વલણ સ્પષ્ટ થશે.

જોકે, અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નવેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજ દરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો ઘટાડો કરે તેવી ૬૫ ટકા અને ૫૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી શક્યતા સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ટ્રેડરો જોઈ રહ્યા છે.

અત્રે નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ઈરાને ઈઝરાયલ પર હુમલો કરતાં ઈઝરાયલના પ્રમુખ બેન્જામિન નેત્યનાહુએ જણાવ્યું હતું કે ઈરાને ઈઝરાયલ પર કરેલા હુમલાની કિંમત ચુકવવી પડશે એમ જણાવ્યું હતું, જ્યારે તહેરાને પણ જો ઈઝરાયલ દ્વારા હુમલો કરવામાં આવે તો તે મોટો વિનાશ નોતરશે, એવી ચીમકી આપતા પરિસ્થિતિ વધુ વણસે તેવી ભીતિ સપાટી પર આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button