વેપાર

પ્રમુખપદની ચૂંટણીમાં ડૉનલ્ડ ટ્રમ્પની જીત સાથે વૈશ્ર્વિક સોનામાં પીછેહઠ

સ્થાનિક સોનામાં ₹ ૪૩૦નો અને ચાંદીમાં ₹ ૧૩૬૦નો કડાકો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન પક્ષના ઉમેદવાર ડૉનલ્ડ ટ્રમ્પની જીત થઈ હોવાના અહેવાલો સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સમાં ઉછાળો આવ્યો હોવાથી સોના અને ચાંદીના ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હતું. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૨૮થી ૪૩૦નો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો બાવીસ પૈસા ગબડીને ઐતિહાસિક નીચી ૮૪.૩૦ આસપાસની સપાટીએ રહ્યો હતો. આમ રૂપિયો નબળો પડતાં સોનાની આયાત પડતરોમાં વધારો થવાથી વિશ્ર્વબજારની સરખામણીમાં સોનામાં ભાવઘટાડો મર્યાદિત જોવા મળ્યો હતો. વધુમાં આજે ચાંદીના ભાવમાં પણ કિલોદીઠ રૂ. ૧૩૬૦નો કડાકો બોલાઈ ગયો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ખાસ કરીને ૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં વેરા રહિત ભાવ કિલોદીઠ રૂ. ૧૩૬૦ના ઘટાડા સાથે રૂ. ૯૨,૯૦૧ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નફારૂપી વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ તથા રિટેલ સ્તરની અને જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૨૮ ઘટીને રૂ. ૭૭,૮૨૩ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૩૦ ઘટીને રૂ. ૭૮,૧૩૬ના મથાળે રહ્યા હતા.

અમેરિકા ખાતે ગઈકાલે પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન પક્ષના ઉમેદવાર ડૉનલ્ડ ટ્રમ્પે કમલા હેરિસ સામે સરસાઈ મેળવી હોવાના નિર્દેશો સાથે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ચાર મહિનાની ઊંચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ ડૉલર મજબૂત થતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૧.૫ ટકા ઘટીને ઔંસદીઠ ૨૭૦૩.૯૩ ડૉલર અને વાયદામાં ભાવ ૧.૩ ટકા ઘટીને ૨૭૧૩.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૨.૬ ટકાના કડાકા સાથે ઔંસદીઠ ૩૧.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
વર્તમાન સપ્તાહમાં બજારની વધઘટનો આધાર ૯૫ ટકા અમેરિકાની ચૂંટણી અને પાંચ ટકા આધાર આજથી શરૂ થઈ રહેલી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠકના વ્યાજદરના કપાતના નિર્ણય પર હોવાનું કેપિટલ ડૉટ કૉમના ફાઈનાન્સિયલ માર્કેટ એનાલિસ્ટ ક્યેલ રોડ્ડાએ જણાવતાં ઉમેર્યું હતું કે સોનું એ ડૉનલ્ડ ટ્રમ્પની વેપાર નીતિનું એક પરિબળ છે અને ટ્રમ્પના વિજય સાથે અમેરિકાની વિદેશ નીતિની અનિશ્ર્ચિતતા ઉપરાંત મોટી વેપાર ખાધને ધ્યાનમાં લેતા લાંબા સમયગાળે સોનામાં સુધારાને ટેકો મળતો રહેશે.

વધુમાં અમેરિકી ફેડરલ રિઝર્વ બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે અર્થાત્ આવતીકાલે વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા છે, પરંતુ રોકાણકારોની નજર બેઠકના અંતે ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલ ભવિષ્યમાં નાણાનીતિ અંગે કેવું વલણ અપનાવવામાં આવશે તેના સંકેતો પર મંડાયેલી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker