વેપાર

ડોલર સામે રૂપિયામાં ૮૩.૪૦નું નવુ તળિયું દેખાયું

મુંબઇ: દેશના કરન્સી બજારમાં વિતેલા વર્ષ ૨૦૨૩માં ખાસ્સી ઉછળકુદ જોવા મળી છે. ખાસ કરીને રૂપિયા તથા ડોલરના વિનિમય દરોમાં નોંધપાત્ર વધઘટ દેખાતાં એક તબક્કે ડોલર સામે રૂપિયાના ભાવ તૂટી નવા નીચા તળીયે ઉતરી ગયા હતા એવું બજારના એનાલીસ્ટોએ જણાવ્યું હતું. મુંબઈ કરન્સી બજારમાં વર્ષ દરમિયાન રૂપિયા સામે ડોલરના ભાવ નીચામાં ૮૧.૧૧થી ૮૧.૧૨ સુધી જોવા મળ્યા પછી ઉંચામાં ભાવ રૂ. .૮૩ પાર કરી રૂ. ૮૩.૪૦ સુધી પહોંચતા રૂપિયામાં નવી નીચી સપાટી દેખાઈ હતી. વૈશ્ર્વિક સ્તરે વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઉંચો જતાં તેની અસર ઘરઆંગણાના કરન્સી બજાર પર જોવા મળી હતી.

ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ વર્ષ દરમિયાન નીચામાં એક તબક્કે ૧૦૦ની સપાટીની અંદર ઉતરી ૯૯.૭૮થી ૯૯.૭૯ સુધી જતો રહ્યો હતો, પરંતુ ત્યારબાદ આ ગ્લોબલ ડોલર ઈન્ડેક્સ ફરી ઉછળી ઉંચામાં ૧૦૭ની સપાટી વટાવી ૧૦૭.૦૯થી ૧૦૭.૦૯ સુધી પહોંચી જતાં દેશના કરન્સી બજારોમાં તેના પગલે રૂપિયા પર દબાણ વધતું જોવા મળ્યું હતું.

જોકે માત્ર ભારતનો રૂપિયો જ નહિં પરંતુ વૈશ્ર્વિક સ્તરે એશીયાની બધી કરન્સીઓ ડોલર સામે નીચી ઉતરતી વર્ષ દરમિયાન જોવા મળી હતી. વર્ષના અંત ભાગમાં ડોલરનો વૈશ્ર્વિક ઈન્ડેક્સ ૧૦૨થી ૧૦૩ની વચ્ચે અથડાતો જોવા મળ્યો છે. અમેરિકામાં ૨૦૨૩ના વર્ષમાં ફુગાવાને ક્ધટ્રોલમાં રાખવા ફેડરલ રિઝર્વ દ્વારા તબક્કાવાર વ્યાજના દરમાં વૃધ્ધિ કરાતી રહી હતી અને તેના પગલે વિશ્ર્વબજારમાં ડોલરના ભાવમાં મજબુતાઈ જોવા મળી હતી. જોકે તાજેતરમાં અમેરિકામાં ફુગાવો ક્ધટ્રોલમાં આવતાં અમેરિકામાં વ્યાજ દરમાં વૃધ્ધિના ચક્રને બ્રેક વાગી હતી. આ ઉપરાંત નવા વર્ષમાં વ્યાજના દર હવે વધવાના બદલે ઘટાડા તરફી રહેવાની શક્યતા ચર્ચાતી થઈ છે તથા આના પગલે ડોલરનો વૈશ્ર્વિક ઈન્ડેક્સ આગામી મહિનાઓમાં દબાણ હેઠળ રહેશે, એવી ગણતરી બજારના નિષ્ણાતો બતાવી રહ્યા હતા. આમ થશે તો ઘરઆંગણે ડોલર સામે રૂપિયો ફરી ઉંચકાશે એવી આશા નવા વર્ષ માટે બતાવાતી થઈ છે. દરમિયાન ઘરઆંગણે કરન્સી બજારમાં રિઝર્વ બેન્કની કહેવાતી સુચનાથી વિવિધ સરકારી બેન્કો દ્વારા વધ્યા મથાળે ડોલરનું વેંચાણ વધારવામાં આવ્યાની ચર્ચા પણ સંભળાઈ હતી. ઈન્ટરનેશનલ મોનીટરી ફંડે પણ આ વાત પ્રત્યે લક્ષ દોર્યું હતું. આઈએમએફના જણાવ્યા મુજબ જો ભારતની સરકારી બેન્કો દ્વારા બજારમાં દરમિયાનગીરી કરવામાં ન આવી હોત તો કદાચ ડોલર સામે રૂપિયામાં ઘટાડો વધુ જોવા મળે તે એવી શક્યતા હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button