વેપાર

અમેરિકાની આર્થિક વૃદ્ધિની ચિંતા હળવી થઈ, પરંતુ મધ્ય પૂર્વના દેશોનો તણાવ યથાવત્ રહેતાં સપ્તાહના અંતે સોનામાં સાધારણ પીછેહઠ

કોમોડિટી -રમેશ ગોહિલ

ગત સપ્તાહ દરમિયાન વૈશ્ર્વિક બજારમાં સોનામાં ખાસ કરીને મધ્ય પૂર્વના દેશોમાં રાજકીય-ભૌગોલિક તણાવ વધુ વકરવાની ભીતિ હેઠળ સોનામાં ઝડપી તેજીનું વલણ જોવા મળ્યા બાદ ગત શુક્રવારે મોડી સાંજે અમેરિકાના રોજગારીના ડેટા પ્રોત્સાહક આવતા અમેરિકાની આર્થિક વૃદ્ધિની ચિંતા હળવી થવાથી ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સપ્તાહના અંતે સોનામાં વધ્યા મથાળેથી ઘટાડો આવ્યો હતો, પરંતુ મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વધવાની ભીતિ હેઠળ સોનામાં સલામતી માટેની માગનો ટેકો મળતા ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં વિતેલા સપ્તાહ દરમિયાન વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલો સાથે સોનામાં તેજીનું વલણ જોવા મળ્યું હતું, પરંતુ ઊંચા મથાળેથી માગ રૂંધાઈ ગઈ હતી.

ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંતે અથવા તો ગત ૨૭મી સપ્ટેમ્બરના ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૫,૭૫૦ના બંધ સામે સાધારણ નરમાઈના અન્ડરટોને રૂ. ૭૫,૫૮૪ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં ૭૫,૧૯૭ અને ઉપરમાં રૂ. ૭૬,૦૮૨ની રેન્જમાં અથડાઈને અંતે સાપ્તાહિક ધોરણે રૂ. ૨૧૪ અથવા તો ૦.૨૮ ટકા વધીને રૂ. ૭૫,૯૬૪ના મથાળે બંધ રહ્યા હતા. જોકે, સપ્તાહ દરમિયાન ભાવમાં તેજીનું વલણ રહ્યું હોવાથી એકંદરે રિટેલ સ્તરની માગ એકંદરે પાંખી રહી હતી.

એકંદરે આગામી સપ્તાહના અંતે ૧૨મી ઑક્ટોબરે દશેરાનો તહેવાર હોવાથી રિટેલ માગમાં સુધારો થવાનો આશાવાદ સેવાઈ રહ્યો છે, પરંતુ જો આગામી સપ્તાહ દરમિયાન પણ સોનામાં તેજીનું વલણ જળવાઈ રહે તો માગ પર માઠી અસર પડે તેવી ભીતિ જ્વેલરો સેવી રહ્યા છે. વધુમાં તેજીના માહોલમાં જ્વેલરી ઉત્પાદકોની પણ માગ મર્યાદિત રહેતાં સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ ૨૧ ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આગલા સપ્તાહે ડિસ્કાઉન્ટ ૧૯ ડૉલરની સપાટીએ રહ્યું હતું. તાજેતરની તેજીને પગલે આગામી દશેરા, ધનતેરસ અને દિવાળીના તહેવારોની સંભવિત માગ અંગે જ્વેલરોનો વિશ્ર્વાસ ડગમગી ગયો હોવાથી તેઓ સ્ટોકમાં વૃદ્ધિ પણ અત્યંત ધીમી ગતિએ કરી રહ્યા હોવાનું મુંબઈ સ્થિત એક ડીલરે જણાવ્યું હતું.

વધુમાં ગત સપ્તાહે સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે ગોલ્ડન વીક હોલિડે નિમિત્તે બજાર બંધ રહી હોવા છતાં ઊંચા મથાળેથી રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાના અહેવાલ હતા. તેમ જ ગ્રાહકલક્ષી માગ નિરસ રહેતાં ચીન ખાતે ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ સાતથી ૧૬ ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા. વધુમાં હૉંગકૉંગ અને સિંગાપોર ખાતે ઊંચા મથાળેથી હાજર સોનામાં ખરીદીમાં ખાસ રસ જોવા નથી મળી રહ્યો, એમ વિન્ગ ફંગ પ્રીસિયસ મેટલ્સના ડીલિંગ હેડ પીટર ફંગે જણાવ્યું હતું.

દરમિયાન ગત સપ્તાહના અંતે શુક્રવારે અમેરિકા ખાતે રોજગારીનાં ડેટા પ્રોત્સાહક આવતા બેરોજગારીનો દર પણ ઘટીને ૪.૧ ટકાની સપાટીએ રહ્યો હોવાના અહેવાલ સાથે અમેરિકી અર્થતંત્રમાં મંદી જોવા મળે તેવી ભીતિ દૂર થતાં ડૉલર ઈન્ડેક્સ વધીને સાત સપ્તાહની ઊંચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ આર્થિક મંદીની ચિંતા દૂર થતાં ફેડરલ રિઝર્વ આગામી ૬-૭ નવેમ્બરની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં મોટો કાપ મૂકવામાં આવે તેવી શક્યતા વધુ ધૂંધળી બનતા ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં વધ્યા મથાળેથી ઘટાડો આવ્યો હતો. જેમાં હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૨૬૪૯.૬૯ ડૉલર આસપાસના મથાળે રહ્યા હતા, જ્યારે વાયદામાં ભાવ ૦.૪ ટકા ઘટીને ૨૬૬૭.૮૦ ડૉલરના મથાળે રહ્યા હતા.

જોકે, ઈરાન-ઈઝરાયલ વચ્ચે તંગદીલી વધવાની ભીતિ યથાવત્ રહી હોવાથી સોનામાં સલામતી માટેની માગનો ટેકો જળવાઈ રહેતાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. પ્રાપ્ત અહેવાલ અનુસાર સપ્તાહના અંતે અમેરિકાના પૅ રૉલ ડેટાની જાહેરાત પૂર્વે ટ્રેડરો ફેડરલ રિઝર્વ આગામી બેઠકમાં વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી શક્યતા ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા હતા, પરંતુ પૅ રૉલ ડેટાની જાહેરાત પશ્ર્ચાત્ આ શક્યતા શૂન્યના સ્તરે પહોંચી હતી. આગામી સમયગાળામાં મધ્ય પૂર્વનાં દેશોમાં ખાસ કરીને ઈરાન અને ઈઝરાયલ સહિત મધ્ય પૂર્વનાં દેશોમાં પ્રવર્તી રહેલા રાજકીય-ભૌગોલિક તણાવની સ્થિતિની સોનાના ભાવ પર અસર જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરતાં બ્લ્યુ લાઈન ફ્યુચર્સનાં ચીફ માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ ફિલિપ સ્ટ્રેબલને જણાવતાં ઉમેર્યું હતું કે જો રાજકીય-ભૌગોલિક તણાવની સ્થિતિ વધુ વણસે તો સોનાના ભાવ પુન: વધીને વિક્રમ સપાટીએ પહોંચે તેવી શક્યતા નકારી ન શકાય. અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નવેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વધુ ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી શક્યતા વ્યક્ત કરતાં એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍડ્વાઈઝર્સના વિશ્ર્લેષકે ઉમેર્યું હતું કે હાલમાં વૈશ્ર્વિક સોનાના ભાવ પર મુખ્યત્વે ઈરાન-ઈઝરાયલ વચ્ચેનાં તણાવની અસર રહેતાં કૉમૅક્સ વિભાગ પર સોનાના વાયદામાં ભાવ ઔંસદીઠ ૨૬૯૦ ડૉલર આસપાસની સપાટીએ પ્રવર્તી રહ્યા છે અને જો ભાવ ઔંસદીઠ ૨૭૨૦ ડૉલરની પ્રતિકારક સપાટી કુદાવે તો ભાવ વધીને ૨૭૮૦થી ૨૮૨૦ ડૉલર સુધી પહોંચી શકે તેમ છે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ માટે ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૪,૮૦૦ની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને રૂ. ૭૮,૧૦૦ની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button