ખાંડ માટે લાંબાગાળાની સુસંગત નીતિ આવશ્યક: અમિતાભ કાંત
મુંબઈ: ખાંડ ક્ષેત્ર માટે જો લાંબાગાળાની સાતત્યતાભરી અને સુસંગત નીતિ આવશ્યક છે, જે આગામી વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત અર્થતંત્ર બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે, એમ જી૨૦ શેરપા અમિતાભ કાંતે આજે જણાવ્યું હતું.
અત્રે ઑલ ઈન્ડિયા સુગર ટ્રેડ એસોસિયેશન દ્વારા આયોજિત એક પરિસંવાદને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે હું સંપૂર્ણપણે સહમત છું કે ખાંડ ક્ષેત્ર માટે લાંબાગાળાનું ભાવી ભાખી શકાય તેવી લાંબાગાળાની નીતિની આવશ્યકતા છે અન્યથા ખાંડ ક્ષેત્ર માટે કપરાં ચઢાણ રહેશે. વધુમાં તેમણે કહ્યું હતું કે ઉદ્યોગની સરકાર સમક્ષ ખાંડની નિકાસ પરનો પ્રતિબંધ દૂર કરવાની સાથે લઘુતમ વેચાણભાવ પણ શેરડીનાં ભાવની સમકક્ષ રાખવાની માગ છે.
ખાંડ ક્ષેત્રનું મહત્ત્વ દર્શાવતા તેમણે જણાવ્યું હતું કે દેશનાં જીડીપી (ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ)માં ખાંડ ક્ષેત્રનો હિસ્સો ૧.૧ ટકા છે. તેમ જ ક્રૂડતેલની આયાતના બિલ ઘટાડવા, એનર્જી ટ્રાન્ઝિશનમાં, પ્રદૂષણમાં ઘટાડાની સાથે નેટ ઝીરો એમિશનનો લક્ષ્યાંક હાંસલ કરવામાં ખાંડ ક્ષેત્ર મદદરૂપ થાય છે. તે જોતા વર્ષ ૨૦૪૭ સુધીમાં દેશને વિકસિત અર્થતંત્ર બનાવવામાં ખાંડ ઉદ્યોગની ભૂમિકા મહત્ત્વની હોવાનું તેમણે ઉમેર્યું હતું.
વધુમાં તેમણે ઉદ્યોગને ડાઈવર્ઝિફિકેશન માટે ઈથેનોલ ઉપરાંત અન્ય દિશાઓ ખોળવાનો અનુરોધ કરવાની સાથે ઊંચી ઊપજ, પાણીનો ઓછો વપરાશ થાય તેવી શેરડીની વેરાઈટીઓ વિકસાવવા જેવી બાબતોમાં વધુ રોકાણ કરવા પણ આહ્વાન કર્યું હતું.
વધુમાં રાજ્યકક્ષાના અનાજ ખાતાના પ્રધાન નિમુબેન બંભાણીયાએ જણાવ્યું હતું કે ખાંડ ક્ષેત્રમાં સ્વાવલંબન માટે સરકારે ઘણાં પગલાં લીધા છે, જ્યારે શ્રી રેણુકા સુગર્સ લિ.નાં એક્ઝિક્યુટિવ ચેરમેન અતુલ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે ભારતમાં ખાંડની નિકાસ પરનાં પ્રતિબંધને કારણે બ્રાઝિલને ભરપૂર લાભ થયો છે અને હવે જો સરકાર ખાંડની નિકાસ છૂટ આપે તો પણ બહુ મોડું ગણાશે.
આ સિવાય નેશનલ ફેડરેશન ઑફ કૉ-ઑપરેટિવ સુગર ફેક્ટરીઝનાં ચેરમેન હર્ષવર્ધન પાટીલે સરકારને ૨૦ લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપવાનો અનુરોધ કરવાની સાથે ચેતવણી પણ આપી હતી જો છાશવારે નીતિઓમાં બદલાવ થતો રહેશે તો ઉદ્યોગ પડી ભાંગશે. વધુમાં તેમણે કહ્યું હતું કે ફેડરેશન લાંબાગાળાની નીતિ માટે ૧૦ વર્ષનો રોડમેપ તૈયાર કરી રહ્યું છે અને ખાંડ ઉદ્યોગ પાસે ભલામણો પણ મગાવવામાં આવી છે જે આગામી મહિને સરકારને સુપરત કરવામાં આવશે.