વિશ્વ બજાર પાછળ સોનામાં 553નું અને ચાંદીમાં 1858નું ગાબડું
મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાના રોજગારીના ડેટા બજારની અપેક્ષા કરતાં નબળા આવતા આર્થિક વૃદ્ધિની ચિંતા સપાટી પર આવતા ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોના અને ચાંદીના ભાવ દબાણ હેઠળ આવ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ સાંકડી વધઘટે અથજાઈને ટકેલા ધોરણે ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો.
આમ સ્થાનિક ઝવેરી બજારમાં આજે સપ્તાહના અંતના વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 551થી 553નું અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 1858નું ગાબડું પડ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે .999 ટચ ચાંદીમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 1858ના ગાબડાં સાથે રૂ. 81,480ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 551 ઘટીને રૂ. 71,092 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 553 ઘટીને રૂ. 71,378ના મથાળે રહ્યા હતા.
અમેરિકા ખાતે ગત ઑગસ્ટ મહિનામાં બેરોજગારીમાં વધારો બજારની અપેક્ષા કરતાં ઓછો થયો હતો, પરંતુ બેરોજગારીનો દર 4.2 ટકાના સ્તરે રહ્યો હતો જે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં 50 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેટલો પર્યાપ્ત ન હોવાથી ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા. તેમ જ આજે લંડન ખાતે પણ સત્રના આરંભે નરમાઈનો અન્ડરટોન જળવાઈ રહેતાં હાજરમાં ભાવ આગલા બંધ આસપાસની આૈંસદીઠ 2499.06 ડૉલર આસપાસના મથાળે ટકેલા હતા અને વાયદામાં ભાવ ઘટ્યા મથાળેથી 0.1 ટકા વધીને 2527.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ઘટ્યા મથાળેથી 0.8 ટકાના સુધારા સાથે આૈંસદીઠ 28.13 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આગામી 17-18 સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠકના અંતે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કેટલો કાપ મૂકશે તેનો આધાર આગામી બુધવારે જાહેર થનારા અમેરિકાના ઑગસ્ટ મહિનાના ક્નઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ અને ગુરવારે જાહેર થનારા પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ પર અવલંબિત રહે તેમ હોવાથી આજે ટે્રડરોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનું વલણ અપનાવ્યુ હોવાનું કેસીએમ ટે્રડના ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવતા ઉમેર્યું હતું કે જો ક્નઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ અથવા તો ફુગાવામાં અપેક્ષા કરતાં વધુ ઘટાડો જોવા મળે તો સોનામાં મજબૂત વલણ જોવા મળી શકે તેમ છે, પરંતુ ડૉલરની મજબૂતી શક્યત: સોનાની તેજીમાં અંતરાય પણ બની શકે છે.
જોકે, અમારા મતે હાલ સોનામાં આૈંસદીઠ 2470થી 2480 ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
હાલ સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ફેડરલ રિઝર્વ આગામી બેઠકમાં વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી 75 ટકા અને 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી 25 ટકા શક્યતા ટે્રડરો વ્યક્ત કરી રહ્યા છે. જોકે, ગતક શુક્રવારે ફેડ ગવર્નર ક્રિસ્ટોફર વૉલરે જણાવ્યું હતું કે હું ઉપરાછાપરી વ્યાજદરમા કપાત અથવા તો વ્યાજદરમાં મોટી માત્રામાં ઘટાડાને ટેકો આપુ છું.