વેપાર અને વાણિજ્ય

વિશ્વ બજાર પાછળ સોનામાં 1131નું અને ચાંદીમાં 1995નું ગાબડું

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગત શુક્રવારે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ તેમ જ અમેરિકી ટે્રઝરીની યિલ્ડમાં ઘટાડો થતાં ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં એક ટકા જેટલો કડાકો બોલાઈ ગયો હતો.

જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને ડૉલર ઈન્ડેક્સ અને ટે્રઝરીની યિલ્ડમાં પીછેહઠ નોંધાતા સોના અને ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો આવ્યો હતો. આમ ગત શુક્રવારનાં વિશ્વ બજારનાં નિરુત્સાહી અહેવાલ અને આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં નવ પૈસાનો સુધારો આવ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં પણ ઘટાડો થવાથી સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1127થી 1131નું અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 1995નું ગાબડું પડ્યું હતું.

આજે સ્થાનિકમાં .999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ પાંખી હોવાથી ભાવ કિલોદીઠ રૂ. 1995ના ઘટાડા સાથે રૂ. 88,671ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ ગત શુક્રવારનાં નિરુત્સાહી અહેવાલ અને ડૉલર સામે રૂપિયામાં ઉછાળો આવતાં 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1127 ઘટીને રૂ. 71,328 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1131 ઘટીને રૂ. 71,615ના મથાળે રહ્યા હતા.

જોકે, ઘટતી બજારનાં માહોલમાં સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની નવી લેવાલીનો અભાવ હતો, જ્યારે રિટેલ સ્તરની માગ છૂટીછવાઈ રહી હોવાના અહેવાલ હતા.

આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટે્રઝરીની યિલ્ડમાં ઘટાડાતરફી વલણ રહેતાં હાજરમાં સોનાના ભાવ ગત શુક્રવારના બંધ સામે સાધારણ 0.4 ટકાના સુધારા સાથે આૈંસદીઠ 2330.56 ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધ સામે 0.5 ટકા વધીને 2343.30 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે 0.5 ટકા વધીને આૈંસદીઠ 29.68 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

દરમિયાન આજે બૅન્ક ઑફ અમેરિકાએ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતની શક્યતા, સોનાના એક્સચેન્જ ટે્રડેડ ફંડોમાં રોકાણકારોની લેવાલી તેમ જ કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલીને ટેકે આગામી 12થી 18 મહિનામાં સોનાના વૈશ્વિક ભાવ આૈંસદીઠ 3000 ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરી છે.

તાજેતરમાં અમેરિકાના રોજગારીના ડેટા નબળા આવ્યા હોવા છતાં જૂન મહિનામાં અમેરિકામાં બિઝનૅસ એક્ટિવિટીમ 26 મહિનાની ઊંચી સપાટીએ રહી હોવાના અહેવાલે ગત શુક્રવારે ડૉલર ઈન્ડેક્સ આઠ સપ્તાહની ઊંચી સપાટીએ રહ્યો હોવાથી તેમ જ યિલ્ડમાં મજબૂત વલણ રહેતાં વૈશ્વિક સોનામાં વેચવાલીનું ભારે દબાણ રહેતાં ભાવમાં એક ટકાનો કડાકો બોલાઈ ગયો હોવાનું કેપિટલ ડૉટ કૉમનાં એનાલિસ્ટ ક્યેલ રોડ્ડેએ જણાવ્યું હતું.

જોકે, હવે રોકાણકારોની નજર આગામી શુક્રવારે જાહેર થનારા અમેરિકાનાં પર્સનલ ક્નઝ્મ્પશન એક્સ્પેન્ડિચર પ્રાઈસ ઈન્ડેક્સ પર હોવાથી આજે સોનામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?