વેપાર

સોનામાં ₹ ૮૦૪નું અને ચાંદીમાં ₹ ૧૮૯૨નું ગાબડું

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકા ખાતે જાહેર થયેલા જાન્યુઆરી મહિનાના ફુગાવાના ડેટામાં બજારની અપેક્ષા કરતાં વધુ ઘટાડો થવાથી ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં ગત ૪ ડિસેમ્બર પછીનો સૌથી મોટો ૧.૪ ટકાનો કડાકો બોલાઈ ગયો હતો અને ભાવ ઔંસદીઠ ૨૦૦૦ ડૉલરની સપાટીની અંદર ગગડી ગયા હતા. તેમ જ આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સની મજબૂતી સાથે સોનાના હાજર ભાવમાં વધુ ૦.૨ ટકાનો અને ચાંદીના ભાવમાં ૦.૩ ટકાનો ઘટાડો થયો હતો. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો પાંચ મજબૂત થવાથી સોનાની આયાત પડતર ઘટતાં સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૦૦થી ૮૦૪ના કડાકા સાથે રૂ. ૬૨,૦૦૦ની સપાટીની અંદર ઊતરી ગયા હતા. તેમ જ ચાંદીના ભાવ પણ કિલોદીઠ રૂ. ૧૮૯૨ના ગાબડાં સાથે રૂ. ૭૦,૦૦૦ની અંદર ઊતરી ગયા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીનું દબાણ તેમ જ ઘટતી બજારે જ્વેલરી ઉત્પાદકો અને ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી પણ પાંખી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૮૯૨ ઘટીને રૂ. ૬૯,૧૫૦ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ વેચવાલી સામે નવી લેવાલી તેમ જ જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ પણ નિરસ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૦૦ ઘટીને રૂ. ૬૧,૩૪૪ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૮૦૪ ઘટીને રૂ. ૬૧,૫૯૦ના મથાળે રહ્યા હતા. અમેરિકા ખાતે જાન્યુઆરી મહિનામાં ફુગાવાનો દર ૨.૯ ટકા આસપાસની સપાટીએ રહે તેવી બજારની ધારણા સામે ફુગાવો વધીને ૩.૧ ટકાના સ્તરે રહેતાં હવે ફેડરલ રિઝર્વ વર્ષ ૨૦૨૪ના અંત આસપાસ વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતા ઓએનડીએનાં વિશ્ર્લેષક કેલ્વિન વૉંગે વ્યક્ત કરી હતી. આમ ફુગાવો વધી આવતા ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં ગત ૪ ડિસેમ્બર પછીનો સૌથી મોટો ૧.૪ ટકાનો કડાકો બોલાઈ ગયો હતો અને ભાવ ઔંસદીઠ રૂ. ૨૦૦૦ ડૉલરની સપાટીની અંદર ઊતરી ગયા હતા. વધુમાં આજે પણ ભાવઘટાડાનો દોર જળવાઈ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા ઘટીને અનુક્રમે ઔંસદીઠ ૧૯૮૯.૧૦ ડૉલર અને ૨૦૦૨.૩૦ ડૉલર આસપાસ તથા ચાંદીના ભાવ ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૨૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button