ટીન, નિકલ, બ્રાસ અને કોપરની અમુક વેરાઈટીઓમાં આગળ ધપતો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક બજારનાં પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં ટીન અને નિકલની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની અવિરત લેવાલી જળવાઈ રહેવાની સાથે ઔદ્યોગિક વપરાશકારોની માગનો ટેકો મળતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૨૯નો સુધારો આગળ ધપ્યો હતો.
જોકે, આજે માત્ર એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને લીડ ઈન્ગોટ્સમાં ટકેલું વલણ રહ્યું હતું અને ઝિન્ક સ્લેબ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને કોપર વાયરબારમાં નિરસ માગે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ત્રણનો ઘટાડો આવ્યો હતો. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મુખ્યત્વે ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૨૯ વધીને રૂ. ૩૧૦૬ અને રૂ. ૨૩ વધીને રૂ. ૧૬૫૮ના મથાળે રહ્યા હતા. આ સિવાય અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગ જળવાઈ રહેતાં ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં કોપર સ્ક્રેપ હેવી, કોપર આર્મિચર અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને અનુક્રમે રૂ. ૮૬૪, રૂ. ૮૪૬ અને રૂ. ૭૯૨ તથા કોપર કેબલ સ્ક્રેપ, બ્રાસ શીટ કટિંગ્સ અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને અનુક્રમે રૂ. ૮૭૬, રૂ. ૫૭૮ અને રૂ. ૫૪૬ના મથાળે રહ્યા હતા.