વેપાર

ઇરાનનું સંપૂર્ણ કક્ષાની લશ્કરી આક્રમણ શૅરબજારની તેજી માટે ઘાતક બનશે, કરેકશન આગળ વધવાની સંભાવના

ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા

શેરબજાર માટે એક તાણે ત્યાં તેર તૂટે, જેવો ઘાટ થયો છે. એક તરફ અમેરિકાની ફેડરલના રેટકટની ટાળમટોળને કારણે તેજી સામે અવરોધ સર્જાવાની ભીતિ છે, ત્યાં બીજી તરફ ઇરાન અને ઇઝરાયલ વચ્ચે શરૂ થયેલા લશ્કરી ઘસરણને કારણે વધુ મોટો ખતરો ઊભો
થયો છે.

મધ્ય પૂર્વમાં તણાવની સૌથી મોટી અસર ક્રૂડ ઓઈલની કિંમતો પર પડી શકે છે. વાસ્તવમાં ગયા અઠવાડિયે જ, ત્રીજા ક્રમનો સૌથી મોટો ઓપેક ઉત્પાદક દેશ ઇરાન, દમાસ્કસમાં સ્થિત તેના દૂતાવાસ પર શંકાસ્પદ ઇઝરાયેલી યુદ્ધ વિમાનના હુમલાનો બદલો લઈ શકે છે, એવી અટકળો વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ છ મહિનાની ટોચની નજીક પહોંચી ગયા હતા.

સપ્તાહને અંતે આ આશંકા સાચી ઠર્યા પછી, વિશ્ર્લેષકો હવે એવો ભય વ્યક્ત કરી રહ્યાં છે કે ક્રૂડ ઓઈલના ભાવ, જે શુક્રવારે ૯૦ પ્રતિ બેરલના માર્કની નજીક સ્થિર થયા હતા,

તે આગામી થોડા દિવસોમાં ૧૦૦ ડોલરની સપાટીને પાર કરી શકે છે. સર્વકાલીન ઉચ્ચ સ્તરે જોખમી રીતે સ્થિત, સેન્સેક્સ અને નિફ્ટીને સોમવારે કદાચ જબરો આંચકો અનુભવી શકે છે કારણ કે ઇઝરાયેલ સામે ૩૦૦થી વધુ ડ્રોન અને મિસાઇલો સાથે ઇરાનના અભૂતપૂર્વ સંપૂર્ણ કક્ષાના લશ્કરી હુમલાના પરિણામ વિશે ઇક્વિટી ઇન્વેસ્ટર્સ અને હેજ ફંડો ચિંતિત છે.

અન્ય પરિબળો ઉપરાંત ભારત-મોરેશિયસ ટેક્સ સંધિમાં ફેરફારને લગતી ચિંતાઓ વચ્ચે એફઆઇઆઇએ લગભગ એક અબજ ડોલરની ચોખઅખી વેચવાલી નોંધાવ્યા બાદ શુક્રવારે, સેન્સેક્સમાં લગભગ ૮૦૦ પોઈન્ટ્સનો કડાકા નોંધાયો હતો.

અમેરિકાના ઇન્ફ્લેશનના વધારા પાછળ બોન્ડ યિલ્ડમાં ઉછાળો આવવા સાથે જૂનમાં રેટ કટની આશા ધોવાઇ જતાં સેન્સેક્સ અને નિફ્ટીમાં એક ટકાનો કડાકો નોંધાયો છે. શેરબજારમાં સત્રના અંતિમ દિવસે પીછેહઠ જોવા મળી હોવા છતાં નિષ્ણાતો અનુસાર સ્થાનિક અર્થતંત્રના ફંડામેન્ટલ્સ પણ સારા હોવથી બજારનો અંડરટોન મજબૂત છે. જોકે હવે ઇરાન- ઇઝરાયલના યુદ્ધના મંડાણને કારણે તેઓ રોકાણકારોને સાવચેતીનુ વલણ અપનાવવાની સલાહ આપી રહ્યાં છે.

ટેક્નિકલ ધોરણે જોઇએ તો નિફ્ટીએ તેની ૨૨,૬૦૦ની ટેકાની સપાટી પણ તોડી નાંખી હોવાથી ઘટાડો આગળ વધી શકે એવા સંકેત છે. શેરબજારે જે ઝડપથી આગેકૂચ કરી છે, તે જોતાં કરેકશન અનિવાર્ય જ હોય છે. સેન્સેક્સ પાછલા એક વર્ષમાં લગભગ ૨૫ ટકા વધ્યો છે અને તે ૨૧ એપ્રિલ, ૨૦૨૩ના રોજ બાવન સપ્તાહની ૫૯,૪૧૨.૮૧ પોઇન્ટની નીચી સપાટી સામે ૨૬ ટકાથી વધુ ઊછળ્યો છે.

ઝડપી ઉછાળા બાદ પ્રત્યાઘાતી ઘટાડો બજારના સ્વાસ્થ્ય માટે સારો ગણાય છે. આ ઉપરાંત ખાસ કરીને અમેરિકા તરફથી મળતા સંકેતમાં એવો સ્પષ્ટ ઇશારો છે કે વિદેશી ફંડોની વેચવાલી અટકવાની નથી. આ ઓછું હોય તેમ ઇરાન અને ઇઝરાયલની અથડામણને કારણે એફઆઇઆઇનો ઇનફ્લો તો ઘટશે જ પરંતુ આઉટફ્લો વધી શકે છે.

અમેરિકા અને અન્ય મુખ્ય અર્થતંત્રોમાં વ્યાજ દરની સ્થિતિ, ભારતમાં ચોમાસાની પ્રગતિ, કોર્પોરેટ પરિણામો, વિદેશી ભંડોળનો પ્રવાહ અને આર્થિક ફંડામેન્ટલ્સ પણ રોકાણકારોના સેન્ટિમેન્ટ પર મોટી અસર કરશે. એક રાહતની બાબતમાં સ્કાયમેટે ૨૦૨૪ માટે સારા વરસાદની આગાહી કરી છે.

અમેરિકા અને ઇરાનના બાહ્ય પરિબળોને બાજુએ મૂકીને જોઇએ તો, એક વર્ગ માને છે કે આ ઇલેકશન રેલી છે અને તેથી થોડો સમય સુધી આગળ વધતી રહેશે. જ્યારે એક વર્ગ એવું માને છે કે ઇલેકશન રેલી હોવાને કારણે જ રોકાણકારોએ સંભાળવું જોઇએ, કારણ બજાર ગમે ત્યારે અચાનક ગબડી શકે છે.

જોકે, ઉક્ત પરિબળોને અવગણી શકાય એમ નથી. બજારને કરેકશન તરફ દોરી શકે એવા મુખ્ય અને પ્રત્યક્ષ બાહ્ય પરિબળોમાં ઇરાન મુખ્ય અવરોધ અને જોખમ છે. જ્યારે અમેરિકામાં ઇન્ફ્લેશનના ડેટા વધુ પડતા મજબૂત આવ્યા હોવાથી વિશ્ર્વબજાર ડહોળાઇ ગયું છે. અમેરિકાના ક્ધઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સમાં માર્ચથી મજબૂત ડેટા જાહેર થતાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં જૂનમાં કપાત લાગુ કરે એવી શક્યતાઓ ધૂંધળી બની ગઇ છે. ફેબ્રુઆરીમાં ૩.૨ ટકાની સપાટીએ પહોંચેલો યુએસ સીપીઆઇ ઇન્ફ્લેશનનો આંક માર્ચમાં ૩.૫ ટકાના સ્તરે
પહોંચ્યો છે.

યુદ્ધ અને તેની અસરોનું ચિત્ર આગામી દિવસોમાં સ્પષ્ટ થશે, પરંતુ માત્ર આર્થિક બાબતો જોઇએ તો અમેરિકન શેરબજારોના નકારાત્મક ટ્રેન્ડની અસર ભારતીય બજાર પર દેખાઇ શકે છે. ફેડરલ રિઝર્વ ઇન્ફ્લેશનમાં વધુ નોંધપાત્ર ઘટાડાની રાહ જોઇ રહી છે. ફેડરલે આ માટે બે ટકાનો લક્ષ્યાંક રાખ્યો છે, તે જોતા લાગે છે વ્યાજદરમાં કપાત જૂનમાં થવાની સંભાવના નથી અને ત્રણને સ્થાને વર્ષમાં બે જ વખત રેટ કટ શક્ય બનશે.

આ ઉપરાંત ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો નોંધાયો છે અને સેન્ટિમેન્ટને ખરડી શકે એવા બીજા પરિબળમાં અમેરિકાના ટ્રેઝરી બોન્ડની યિલ્ડમાં ઉછાળો આવ્યો છે.

ઇન્ફ્લેશનના ઊંચા આંક પછી અમેરિકન શેરબજારોમાં થયેલા ધોવાણ બાદ ૧૦ વર્ષના ટ્રેઝરી બિલની યિલ્ડ મંગળવારે ૪.૩૬ ટકા હતી તે ઉછળીને બુધવારે ૪.૫૪ ટકા સુધી પહોંચી ગઇ હતી. જ્યારે બે વર્ષની ઉપજ તો ૪.૭૪ ટકા સામે વધુ તીવ્રતાથી ઉછળીને ૪.૯૭ ટકા સુધી પહોંચી હતી. આ જોતા વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)ની વેચવાલી વધુ તીવ્ર બની શકે છે.

ભારતીય શેરબજાર માટે મજબૂત ફંડામેન્ટલ, કોર્પોરેટ ક્ષેત્રના ચોથા કવાર્ટરના મજબૂત પરિણામની સંભાવના અને ઇલેકશનના કરંટ જેવા પરિબળો આધાર આપી શકે છે, પરંતુ એફઆઇઆઇનું વલણ મહત્ત્વની ભૂમિકામાં રહેશે.

ટોચના ટેક્નિકલ એનાલિસ્ટે બજારની આગામી ચાલ સંદર્ભે કહ્યું હતું કે રેઝિસ્ટન્સ ઝોન ૨૨,૭૦૦-૨૨,૭૫૦ પોઇન્ટની રેન્જમાં છે, જ્યારે સપોર્ટ લેવલ ૨૨,૬૦૦ પોઇન્ટની સપાટીએ હતું.

નિફ્ટીએ શુક્રવારના સત્રમાં સપોર્ટ લેવલ તોડીને ૨૨,૫૦૦ની સપાટી બતાવી છે. બજાર રેન્જ-બાઉન્ડ રહેવાની સંભાવના હોવા સાથૈે અત્યારે તો રોકાણકારો માટે માત્ર નિરિક્ષકની ભૂમિકામાં રહેવું હિતાવહ જણાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button