અમેરિકાના પીસીઆઈના ડેટાની જાહેરાત પૂર્વે વૈશ્ર્વિક સોનામાં તેજીનો અન્ડરટોન
ન્યૂ યોર્ક: આંતરરાષ્ટ્રીય સ્તરે આજે ગુડ ફ્રાઈડે નિમિત્તે બજારો બંધ રહ્યા હતા. જોકે, આજે મોડી સાંજે અમેરિકાનાં ફેબ્રુઆરી મહિનાના પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સ્પેન્ડિચર (પીસીઈ)નાં ડેટાની જાહેરાત પૂર્વે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવા આશાવાદ સાથે સોનાચાંદીમાં તેજીનું વલણ જળવાઈ રહ્યું હતું. ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર મોડી સાંજે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે ૦.૫ ટકા ઉછળીને ઔંસદીઠ ૨૧૮૯.૮૯ ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધ સામે ૦.૬ ટકા વધીે ૨૨૧૨.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૦.૬ ટકા વધીને ઔંસદીઠ ૨૪.૫૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા. અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવા માટે ધ્યાનમાં લે તેવાં ફેબ્રુઆરી મહિનાના પીસીઈનાં ડેટાની આજે થનારી જાહેરાત પર રોકાણકારોની નજર હોવાથી રોકાણકારોએ નવી લેવાલીમાં અમુક અંશે સાવચેતીનો અભિગમ અપનાવ્યા હતો તેમ છતાં કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલીને ટેકે સોનામાં તેજીનું વલણ જોવા મળ્યું હોવાનું આરજેઓ ફ્યુચર્સનાં સિનિયર માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ એલેક્સ ટૂરોએ જણાવતાં ઉમેર્યું હતું કે ગત જાન્યુઆરી મહિનાનો પીસીઈ આંક ૦.૩ ટકા વધ્યો હતો
સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ૭૦ ટકા બજાર વર્તુળો ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી ધારણા મૂકી રહ્યા છે. વધુમાં માર્ચ મહિનામાં સોનાના વૈશ્ર્વિક ભાવમાં વધારો થવાને કારણે વિશ્ર્વમાં સોનાના વપરાશમાં બીજો ક્રમાંક ધરાવતા દેશ ભારતની સોનાની આયાતમાં આગલા મહિનાની સરખામણીમાં ૯૦ ટકા જેટલો ઘટાડો થયો હોવાનું બજાર વર્તુળોનું
માનવું છે.