સ્થાનિકમાં ટીનની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં તેજીનો કરંટ
ચીનનાં સ્ટિમ્યુલસ પેકેજના ટેકે વૈશ્ર્વિક કોપર બે મહિનાની ટોચે
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: માળખાકીય વિકાસ અને આર્થિક વૃદ્ધિ માટે ચીને એક ટ્રિલિયન યુઆન (૧૩૮ અબજ ડૉલર)નાં પેકેજની જાહેરાત કરી હોવાના નિર્દેશો સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે કોપરનાં ભાવ વધીને ફરી બે વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. અન્ય ધાતુઓના ભાવ પણ વધી આવ્યાના અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં ટીન, બ્રાસ, ઝિન્ક સ્લેબ અને કોપરની અમુક વેરાઈટીઓના ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ૨૫ની તેજીનો કરંટ જોવા મળ્યો હતો. આજે નિરસ માગે એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને નિકલમાં કિલોદીઠ રૂ. એકનો ઘટાડો આવ્યો હતો, જ્યારે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને લીડ ઈન્ગોટસમાં ખપપૂરતી માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. ચીનનાં સત્તાવાળાઓએ આજે જણાવ્યું હતું કે તેઓએ આ સપ્તાહથી માળખાકીય નિકાસ અને આર્થિક વૃદ્ધિ માટે ૨૦થી ૪૦ વર્ષની મુદત માટે એક ટ્રિલિયન યુઆન (૧૩૮ અબજ ડૉલર)નાં બૉન્ડ જારી કરવાનું શરૂ કર્યું છે. ચીનની સરકારના આ પગલાંથી પ્રોપર્ટી માર્કેટમાં સુધારો જોવા મળે તેવા આશાવાદે આજે લંડન ખાતે સત્રના આરંભે કોપરના એક મહિને ડિલિવરી શરતે ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા વધીને ટનદીઠ ૧૦,૨૨૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ધાતુ બજારમાં પણ ચોક્કસ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં ટીનના ભાવ કિલોદીઠ રૂ. ૨૫ ઊછળીને રૂ. ૩૦૦૦, કોપર કેબલ સ્ક્રેપ અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. છ વધીને અનુક્રમે રૂ. ૮૬૬ અને રૂ. ૯૧૦ તથા કોપર આર્મિચર અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને અનુક્રમે રૂ. ૮૩૬ અને રૂ. ૫૪૦ના મથાળે રહ્યા હતા.