વિશ્વ બજાર પાછળ શુદ્ધ સોનું રૂ. ૬૪૧ ઉછળીને રૂ. ૫૯,૦૦૦ની પાર અને ચાંદી રૂ. ૮૪૧ ચમકી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગત શુક્રવારે વૈશ્વિક સોનામાં ત્રણ ટકા જેટલો ઉછાળો આવ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળી હતી. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન ગત શુક્રવારના વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૩૮થી ૬૪૧નો ઉછાળો આવ્યો હતો, જેમાં શુદ્ધ સોનાના ભાવ ફરી રૂ. ૫૯,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા. તેમ જ ચાંદીના ભાવ પણ કિલોદીઠ રૂ. ૮૪૧ની તેજી સાથે રૂ. ૭૦,૦૦૦ની સપાટી વટાવી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને સોનામાં ગત શુક્રવારના વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવમાં તેજીનું વલણ રહ્યું હતું.
જોકે, વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલીનો અભાવ હતો તેમ જ રિટેલ સ્તરની માગ પાંખી રહેતાં હાજરમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૩૮ વધીને રૂ. ૫૮,૮૦૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૪૧ વધીને રૂ. ૫૯,૦૩૭ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ચાર પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી સોનામાં સુધારો મર્યાદિત રહ્યો હતો.
આ સિવાય આજે મધ્યસત્ર દરમિયાન વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૮૪૧ વધીને રૂ. ૭૦,૫૭૨ના મથાળે રહ્યા હતા.
ગત શુક્રવારે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર એક તબક્કે સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવ સાત મહિનાના સૌથી મોટા એક દિવસીય ૩.૪ ટકાના ઉછાળા સાથે ૧૯૩૪.૮૨ ડૉલરની સપાટી સુધી પહોંચ્યા હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ઊંચા મથાળેથી ૦.૯ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૧૯૧૩.૫૯ ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધ સામે ૦.૮ ટકા ઘટીને ૧૯૨૬.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
તેમ જ ચાંદીના ભાવ આગલા બંધ સામે ૦.૭ ટકા ઘટીને ઔંસદીઠ ૨૨.૫૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, પ્રવર્તમાન ઈઝરાયલ-હમાસ વચ્ચેનાં યુદ્ધને ધ્યાનમાં લેતાં છૂટીછવાઈ સલામતી માટેની માગ રહેતાં ભાવમાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
વિશ્ર્લેષકોના મતાનુસાર જો આગામી દિવસોમાં મધ્યપૂર્વના દેશોમાં તણાવની સ્થિતિ વધશે તો સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવમાં ફરી તેજીનો અન્ડરટોન જોવા મળે તેવી શક્યતા નકારી ન શકાય.
આમ હવે રોકાણકારોની નજર મધ્યપૂર્વના દેશોની રાજકીયભૌગોલિક સ્થિતિ અને આ સપ્તાહની અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલનાં વક્તવ્ય પર મંડાયેલી રહેશે.