દેશમાં 70% મેડિસિન્સ કચરાપેટીમાં જાય છે!
મુંબઇ: ગ્રાહક બાબતનું મંત્રાલય એવો પ્રસ્તાવ તૈયાર કરી રહ્યું છે કે જેમાં ગ્રાહકોને તેમને પ્રિસ્ક્રાઇબ કરવામાં આવેલા પ્રમાણમાં જ ટેબ્લેટ કે દવાનું વેચામ કરવામાં આવે , પરંતુ અનયુસ્ડ કે ના વપરાયેલી દવા અંગે ૩૩,૦૦૦ લોકો પર હાથ ધરાયેલા સર્વેક્ષણમાં એવું તારણ નિકળ્યું છે કે લોકો તેમણે ખરીદેલી દવામાંથી ૧૦ ટકાથી માંડીને ૭૦ ટકા દવા અંતે કચરાના ડબ્બામાં નાંખી દે છે.
સર્વેક્ષણમાં એવું તારણ મળ્યું છે કે મેડિકલ સ્ટોર્સ અને ફાર્મસિસ્ટ ગ્રાહકોને એક, બે ટેબ્લેટને સ્થાને આખી સ્ટ્રીપ જ પકડાવી દેતા હોય છે. જોકે, આ સામે ફાર્મસિસ્ટ આ આરોપનું ખંડન કરતા કહે છે કે તેઓ જરૂર પ્રમાણે જ વેચામ કરે છે. મંત્રાલય આ સમસ્યાનો ઉકેલ શોધી રહ્યું છે.
ભારતની ફાર્માસ્યુટિકલ માર્કેટનું કદ એકદ અંદાજ પ્રમાણે રૂ. ૧.૮ ટ્રિલિયનનું છે અને તેમાંથી રૂ. ૨૭૦ કરોડની દવા તેની એક્સપાઇરી પછી નકામી વેડફાઇ જાય છે. આ એક નિરાશાજનક ચિત્ર છે કારણ કે દર વર્ષે લાખો લોકો આવશ્યક દવાથી વંચિત રહી જાય છે. એવા ઘણાં લોકો હોય છે કે જેને દવાની સખત જરૂર હોય છે પરંતુ તે પોષાતી નથી.
ગ્રાહક મંત્રાલય આ અંગે સુધારો લાવે એ આવકાર્ય છે, પરંતુ એ દરમિયાન વચગાળાના એક ઉપાયરૂપે એક ટીનેજર જ્હાનવી ભાવિન મહેતાએ એક મિશન તરીકે હેલ્પમેડિકેટ નામે એક મિશન શરૂ કર્યું છે, જેના દ્વારા તે લોકો પાસેથી વણવપરાયેલી કે ઘરમાં પજડી રહેલી દવા એકત્ર કરીને વિવિધ સામાજિક સંસ્થાઓ મારફત તેનું ગરીબ અને જરૂરિયાતમંદ લોકોમાં મફત વિતરણ કરે છે.
પાછલા બે વર્ષથી આ મિશન શરૂ કરનાર જ્હાનવી કહે છે કે જો દરેક વ્યક્તિએ તેમની ન વપરાયેલ દવાઓનું શું કરવું તે અંગે પુન:વિચાર કરે તો અનેક જરૂરિયાતમંદોને મદદ મળી શકે છે.અભરાઇઓ પર પડી રહેલી દવાને ફેંકાઇ જતી અટકાવીને હેલ્પમેડિકેટ આ જીવનરક્ષક સંસાધનોને તેમની સૌથી વધુ જરૂર હોય તેવા લોકો સુધી પહોંચાડે છે. દવા કચરામાં ફેરવાઇ જાય એને સ્થાને આ રીતે તેનો સદઉપયોગ થાય અને ગરીબોને સ્વાસ્થ્ય લાભ મળે એ ઘણી મહત્ત્વની બાબત છે.