એપ્રિલથી જુલાઈમાં સોનાની આયાતમાં ૪.૨૩ ટકાનો ઘટાડો
નવી દિલ્હી: વર્તમાન નાણાકીય વર્ષમાં ગત એપ્રિલથી જુલાઈ સુધીનાં ચાર મહિનાના સમયગાળામાં ખાસ કરીને વૈશ્ર્વિક આર્થિક અનિશ્ર્ચિતતાઓને કારણે દેશની ચાલુ ખાતાની ખાધ પર નોંધપાત્ર અસર કરતી સોનાની આયાત ગત સાલના સમાનગાળાના ૧૨.૨ અબજ ડૉલર સામે ૪.૨૩ ટકાના ઘટાડા સાથે ૧૨.૬૪ અબજ ડૉલરની સપાટીએ રહી છે. જોકે, ગત સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૩માં દેશમાં સોનાની આયાત ૩૦ ટકા વધીને ૪૫.૫૪ અબજ ડૉલરના સ્તરે રહી હતી.
જોકે, આ ઘટાડા પૈકી માત્ર જુલાઈ મહિનામાં જ આયાત જુલાઈ, ૨૦૨૩નાં ૩.૫ અબજ ડૉલર સામે ૧૦.૬૫ ટકા ઘટીને ૩.૧૩ અબજ ડૉલરના સ્તરે રહી હતી. તેમ જ તે પૂર્વે મે અને જૂન મહિનાના શિપમેન્ટમાં પણ અનુક્રમે ૯.૭૬ ટકાનો અને ૩૮.૬૬ ટકાનો ઘટાડો થયો હતો, પરંતુ ગત એપ્રિલ મહિનાની આયાત જે એપ્રિલ, ૨૦૨૩માં માત્ર એક અબજ ડૉલર હતી તેની સામે ઉછળીને ૩.૧૧ અબજ ડૉલરની સપાટીએ પહોંચી હતી.
આયાતમાં ઘટાડાનુ મુખ્ય કારણ ઊંચી ભાવ સપાટી હોવાનું એક જ્વેલરે જણાવતા ઉમેર્યું હતું કે તાજેતરમાં સરકારે સોનામાં ડ્યૂટીમાં ઘટાડો કર્યો હોવાથી હવે તહેવારોની મોસમમાં માગ ખૂલવાની શક્યતાને ધ્યાનમાં લેતા સપ્ટેમ્બરથી આયાતમાં વધારો થશે. નોંધનીય બાબત એ છે કે ગત જુલાઈમાં સરકારે રજૂ કરેલા વર્તમાન નાણાકીય વર્ષના અંદાજપત્રમાં સોના અને ચાંદી પરની આયાત જકાત જે ૧૫ ટકા હતી તે ઘટાડીને છ ટકા કરી હતી. જોકે, ગઈકાલે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ વધી આવતાં ૧૪મી ઑગસ્ટનાં રોજ નવી દિલ્હી ખાતે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૦૦ વધીને રૂ. ૭૩,૧૫૦ના મથાળે રહ્યા હતા.
દેશમાં સોનાની આયાત માટેનો મુખ્ય સ્રોત સ્વિત્ઝર્લેન્ડ છે જે કુલ આયાત પૈકી ૪૦ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. ત્યાર બાદ અનુક્રમે ૧૬ ટકા હિસ્સા સાથે યુએઈ અને ૧૦ ટકા હિસ્સા સાથે દક્ષિણ આફ્રિકા ત્રીજો ક્રમાંક ધરાવે છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે દેશમાં થતી કુલ આયાતમાં કિંમતી ધાતુઓનો પાંચ ટકા હિસ્સો હોય છે.
એકંદરે જુલાઈ મહિનાના અંતે સોનાની આયાતમાં ઘટાડો થયો હોવા છતાં દેશની વેપાર ખાધ વધીને જુલાઈ મહિનાના અંતે ૨૩.૫ અબજ ડૉલર અને પહેલા ચાર મહિનાની વેપાર ખાધ વધીને ૮૫.૫૮ અબજ ડૉલરના સ્તરે રહી હતી.
વધુમાં સમીક્ષા હેઠળના સમયગાળામાં જેમ્સ અને જ્વેલરીની નિકાસ ૭.૪૫ ટકા ઘટીને ૯.૧ અબજ ડૉલરના સ્તરે રહી હતી.