ગત નાણાકીય વર્ષમાં યુએઈથી સોના-ચાંદીની આયાતમાં 210 ટકાનો ઉછાળો: મુક્ત વેપાર કરારમાં ડ્યૂટીની સમીક્ષા જરૂરી: જીટીઆરઆઈ
નવી દિલ્હી: ગત નાણાકીય વર્ષ 2023-24માં યુએઈ (યુનાઈટેડ આરબ અમિરાત)થી મુક્ત વેપાર કરાર (ફ્રી ટે્રડ એગ્રીમેન્ટ-એફટીએ) હેઠળ દેશમાં સોના-ચાંદીની આયાત આગલા નાણાકીય વર્ષની સરખામણીમાં 210 ટકાના ઉછાળા સાથે 10.7 અબજ ડૉલરની સપાટીએ પહોંચી છે અને આર્બિટે્રજની આ અસર હળવી કરવા માટે મુક્ત વેપાર કરાર હેઠળ રાહતનાં દરની કસ્ટમ ડ્યૂટીની ફેરસમીક્ષા કરવાની જરૂર હોવાનું દેશની થિન્ક ટેન્ક ગ્લોબલ ટે્રડ રિસર્ચ ઈનિશિયેટીવ (જીટીઆરઆઈ)એ એક અહેવાલમાં જણાવ્યું છે.
યુએઈ સાથે થયેલા કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટર્નરશીપ એગ્રીમેન્ટ (મુક્ત વેપાર કરાર) હેઠળ ભારત દ્વારા રાહતનાં કસ્ટમ ડ્યૂટી દર અમલી બનાવ્યા હોવાથી સોના-ચાંદીની આયાતમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. જેમાં ભારતે ગમે તેટલી માત્રાની આયાત સામે સાત ટકા રાહતના કસ્ટમ ડ્યૂટીના દર નિર્ધારીત કરવામાં આવ્યા છે અને 160 ટન સોનાની આયાત સામે એક ટકો રાહતનો દર નિર્ધારિત કરવામાં આવ્યો છે. નોંધનીય બાબત એ છે કે આ કરાર પર ફેબ્રુઆરી, 2022માં સહીસિક્કા કરવામાં આવ્યા હતા અને તેનો અમલ મે, 2022થી કરવમાં આવ્યો હતો.
વધુમાં ભારતે ખાનગી કંપનીઓને યુએઈથી ગિફ્ટ સિટીમાં રહેલા ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (આઈઆઈબીએક્સ) મારફતે સોના-ચાંદીની આયાત કરવા મંજૂરી આપી છે. આ પૂર્વે માત્ર અધિકૃત એજન્સી જ આ પ્રકારે આયાત કરી શકતી હતી.
જીટીઆરઆઈની આંકડાકીય માહિતી અનુસાર નાણાકીય વર્ષ 2023-24માં યુએઈથી કુલ આયાત આગલા વર્ષનાં 53.2 અબજ ડૉલર સામે 9.8 ટકા ઘટીને 48 અબજ ડૉલરની સપાટીએ રહી હતી, જેમાં સોના અને ચાંદીની આયાત 210 ટકાના ઉછાળા સાથે 10.7 અબજ ડૉલર (3.5 અબજ ડૉલર)ની સપાટીએ રહી હતી, જ્યારે શેષ ઉત્પાદનોની આયાત 25 ટકાના ઘટાડા સાથે 37.3 અબજ ડૉલર (49.7 અબજ ડૉલર)ના સ્તરે રહી છે.
જીટીઆરઆઈના સ્થાપક અજય શ્રીવાસ્તવાએ જણાવ્યું હતું કે વર્તમાનમાં યુએથી સોના-ચાંદીની
આયાત ટકાઉ નથી કેમ કે યુએઈમાં નથી તેનું ખનન થતું કે નથી તે મૂલ્યવર્ધન કરતું. ભારતમાં સોના, ચાંદી અને જ્વેલરી પરની 15 ટકાની ઊંચી આયાત જકાત જ સમસ્યાના મૂળમાં છે. આથી ટેરીફમાં પાંચ ટકા સુધી ઘટાડો કરવાની વિચારણા કરવામાં આવે તો દાણચોરીથી થતી આયાતમાં ઘટાડો થશે અને કરારના અન્ય દુરુપયોગમાં પણ ઘટાડો થશે, એમ તેમણે જણાવતાં ઉમેર્યું હતું કે ભારતમાં સોના, ચાંદી અને હીરાનો વેપારનું પ્રમાણ ઓછું હોય છે, પરંતુ તેનાં ઊંચા મૂલ્ય અને ઊંચા ટેરિફ દરને લીધે દુરુપયોગ થવાની સંભાવના વધતી હોય છે.
એકંદરે સોના અને ચાંદીની ઓછી ટેરિફથી માત્ર થોડા આયાતકારોને ફાયદો થાય છે, જેઓ ટેરિફ આર્બિટે્રજ દ્વારા થતાં તમામ નફાને જાળવી રાખે છે અને તે ડ્યૂટીના લાભ ક્યારેય ગ્રાહકો સુધી પહોંચવા નથી દેતા એમ જણાવતા તેમણે સરકારને વેપારમાં સમતુલન આવે તેવા અને સ્થાનિકમાં જેમ અને જ્વેલરી ઉદ્યોગમાં સ્વસ્થ સ્પર્ધાત્મક વાતાવરણ નિર્માણ થાય તેવા નીતિવિષયક પગલાં લેવા સરકારને ભલામણ કરી છે.
ખાસ કરીને તેમણે સોનાચાંદીની આયાતમાં થયેલા ઉછાળાને કારણે આર્બિટે્રજની અસર ખાળવા માટે રાહતના દરની કસ્ટમ ડ્યૂટીની સમીક્ષા કરવા ભલમણ કરી હતી.