સોનામાં ₹ ૫૮૯નો અને ચાંદીમાં ₹ ૧૪૪૨નો કડાકો
મુંબઈ: આવતીકાલે મોડી સાંજે અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની જાહેરાત અને અમેરિકાનાં ડિસેમ્બર મહિનાના જોબ ડેટાની જાહેરાત પૂર્વે આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાસ કરીને મધ્યપૂર્વના દેશોમાં પ્રવર્તી રહેલા તણાવને કારણે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતમાં વિલંબ કરવામાં આવે એવી ભીતિ સાથે ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી સુધારાતરફી વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું , જેમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૮૬થી ૫૮૯નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૪૪૨નો કડાકો બોલાઈ ગયો હતો. આજે સ્થાનિકમાં વિશ્ર્વ બજાર પાછળ સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવા છતાં એકંદરે હાજર ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૦,૦૦૦ની મનોવૈજ્ઞાનિક સપાટીની ઊપર જ પ્રવર્તી રહ્યા હોવાથી જ્વેલરી ઉત્પાદકો તેમ જ રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હતી. તેમ જ રોકાણકારો અને સ્ટોકિસ્ટોની લેવાલી પણ પાંખી રહી હતી. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ચાર પૈસાનો સુધારો આવ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાથી ભાવ વધુ દબાણ હેઠળ આવ્યા હતા, જેમાં ૧૦ ગ્રામદીઠ ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૫૮૬ ઘટીને રૂ. ૬૨,૭૬૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૮૯ ઘટીને રૂ. ૬૩,૦૧૩ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૪૪૨ ઘટીને રૂ. ૭૨,૬૯૧ના મથાળે રહ્યા હતા. આજે વિશ્ર્વ બજારમાં મધ્ય પૂર્વના દેશોમાં વધી રહેલા તણાવને ધ્યાનમાં લેતાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વહેલાસર વધારો કરે તેવી શક્યતા ધૂંધળી બનતા ડૉલર ઈન્ડેક્સમાં મજબૂતાઈ ઉપરાંત રોકાણકારોની નજર આવતીકાલે જાહેર થનારા અમેરિકાનાં જોબ ડેટા તેમ જ ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સ પર હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨૯ ટકા ઘટીને ઔંસદીઠ ૨૦૫૨.૯૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા અને ચાંદીના ભાવ ૧.૦૫ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં ગત જુલાઈ પછીનો સૌથી મોટો ૦.૮ ટકાનો ઉછાળો આવ્યો હતો હોવાથી સોનાના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા. જોકો, રાતા સમુદ્રનો તણાવ વધતાં સોનામાં સલામતી માટેની માગનો ટેકો મળતો રહેશે, એમ આરજેઓ ફ્યુચર્સનાં વિશ્ર્લેષક ડેનિયલ પેવિલોનિસે જણાવ્યું હતું.