વૈશ્ર્વિક સોનામાં આગઝરતી તેજી બાદ નફારૂપી વેચવાલીએ ભાવ ઔંસદીઠ ૨૪૦૦ ડૉલરની અંદર
વર્ષ ૨૦૨૪ના ચોથા ત્રિમાસિકગાળામાં ભાવ ઔંસદીઠ ૨૬૦૦ ડૉલર સુધી જવાની મોર્ગન સ્ટેન્લીની ધારણા

અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવામાં આવે તેવા આશાવાદ સાથે સોનાચાંદીમાં એકતરફી આગઝરતી તેજી જોવા મળ્યા બાદ ગત શુક્રવારે સપ્તાહના અંતે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર ખાસ કરીને ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી સુધારો, અમેરિકી ૧૦ વર્ષીય બૉન્ડની ઊપજમાં વધારો અને ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં સોનાના ભાવમાં આગલા બંધની સરખામણીમાં ૧.૯ ટકા જેટલો અને ચાંદીના ભાવમાં ૨.૩ ટકા જેટલો ઘટાડો આવી ગયો હતો. જોકે, મોર્ગન સ્ટેન્લીએ વર્તમાન વર્ષ ૨૦૨૪ના ચોથા ત્રિમાસિકગાળામાં સોનાના વૈશ્ર્વિક ભાવ ઔંસદીઠ ૨૬૦૦ ડૉલરની સપાટી પાર કરી જાય તેવી શક્યતા વ્યક્ત કરી હતી. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલને અનુસરતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ ભાવમાં તેજીનું વલણ જળવાઈ રહ્યા બાદ વિશ્ર્વ બજાર પાછળ ભાવ ઊંચી સપાટીએથી પાછા ફર્યાં હતા. જોકે, રાબેતા મુજબ ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો તેમ જ રિટેલ સ્તરની માગનો વસવસો રહ્યો હતો તેમ જ રોકાણકારો અને સ્ટોકિસ્ટોની લેવાલી પણ પાંખી રહી હતી.
ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજ રમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંતના ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૨,૬૬૪ના બંધ સામે સુધારાના અન્ડરટોને રૂ. ૭૨,૭૧૩ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં ખૂલતી જ રૂ. ૭૨,૭૧૩ની સપાટી અને ઉપરમાં રૂ. ૭૪,૦૬૫ની સર્વોચ્ચ સપાટીની રેન્જમાં અથડાઈને અંતે રૂ. ૭૩,૨૪૦ના મથાળે બંધ રહ્યા હતા. તેમ જ ભાવમાં સાપ્તાહિક ધોરણે ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૭૬નો અથવા તો ૦.૭૯ ટકાનો સુધારો જોવા મળ્યો હતો. જોકે, ગત સપ્તાહે ૧૭મી જુલાઈએ મોહરમની જાહેર રજાને કારણે એસોસિયેશન બંધ હોવાથી ભાવની સત્તાવાર જાહેરાત નહોતી કરવામાં આવી.
ગત સપ્તાહે બુધવારે ન્યૂ યોર્ક ખાતે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને ઔંસદીઠ ૨૪૮૩.૬૦ ડૉલરની વિક્રમ સપાટીએ પહોંચ્યા બાદ સપ્તાહના અંતે ડૉલર ઈન્ડેક્સ અને ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહેવા ઉપરાંત નફારૂપી વેચવાલીના દબાણે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે ૧.૯ ટકા તૂટીને ૨૪૦૦ ડૉલરની અંદર ૨૩૯૯.૨૭ ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધ સામે ૨.૩ ટકાના કડાકા સાથે ૨૩૯૯.૧૦ ડૉલરના મથાળે રહ્યા હતા. તેમ જ ચાંદીના ભાવ પણ ૩.૨ ટકા તૂટીને ઔંસદીઠ ૨૯.૧૧ ડૉલરની સપાટીએ રહ્યા હતા. જોકે, સ્થાનિક બજારમાં ન્યૂ યોર્કમાં જોવા મળેલા ભાવઘટાડાની અસર સ્થાનિક બજાર પર સોમવારના મધ્યસત્ર દરમિયાન જોવા મળી શકે છે.
સૂત્રોના જણાવ્યાનુસાર સ્થાનિકમાં ગત સપ્તાહે ઊંચા મથાળેથી સોનામાં માત્ર સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી જોવા મળી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકોએ નવી લેવાલીમાં ઊંચા ભાવ અને આગામી મંગળવારે જાહેર થનારા વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫નાં અંદાજપત્રના પ્રસ્તાવોમાં સરકાર દ્વારા સોનાની આયાત જકાતમાં ઘટાડો કરે તેવા આશાવાદે સાવચેતીનો અભિગમ અપનાવ્યો હતો.
હાલમાં સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી ૯૮ ટકા શક્યતા ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા છે. જો ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવાની અધિકૃત જાહેરાત કરશે તો સોનાની તેજીને વધુ ઈંધણ મળશે અને વર્ષ ૨૦૨૪નાં અંત આસપાસ ભાવ ઔંસદીઠ ૩૦૦૦ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા નકારી ન શકાય, એવું વિશ્ર્લેષકોનું માનવું છે.
વધુમાં ગત સપ્તાહે મોર્ગન સ્ટેન્લીએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે તાજેતરમાં વૈશ્ર્વિક સોનાના ભાવમાં વર્ષ ૨૦૨૨ની નીચી સપાટીએ ૫૦ ટકાનો અને ગત ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ૨૫ ટકા જેટલો ઉછાળો આવી ગયો છે. તાજેતરમાં સોનાના ભાવમાં જોવા મળેલી તેજી મુખ્યત્વે આગામી સપ્ટેમ્બરથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાતની શરૂઆત કરે તેવો પ્રબળ આશાવાદ, કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલીમાં વધારો અને ચીનની ગોલ્ડ બાર અને કોઈનમાં મજબૂત માગને આભારી છે. આ ઉપરાંત યુરોપમાં ગત જૂન મહિનામાં વ્યાજદરમાં કપાત થયા બાદ સોનાના એક્સેચેન્જ ટ્રેડેડ ફંડોમાં વધેલો આંતરપ્રવાહ હોવાનું અહેવાલમાં જણાવતાં ઉમેર્યું હતું કે અમેરિકા દ્વારા વ્યાજદરમાં કપાત બાદ અમેરિકાના સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં આંતરપ્રવાહ વધવાનો આશાવાદ સેવાઈ રહ્યો છે. આમ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાત શરૂ થતાં વર્તમાન વર્ષ ૨૦૨૪નાં ચોથા ત્રિમાસિકગાળામાં સોનાના ભાવ વધીને ઔંસદીઠ ૨૬૫૦ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા અહેવાલમાં વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે તે પૂર્વે અમેરિકાના આર્થિક ડેટાની જાહેરાતો, વ્યાજદરમાં કપાતનાં સમયગાળાના અંદાજે જેવી બાબતોને ધ્યાનમાં લેતા ભાવમાં ચંચળતાનું વલણ રહી શકે છે.
એકંદરે સોનામાં ગત સપ્તાહ ઐતિહાસિક પુરવાર થયું હતું. વિશ્ર્વ બજારમાં સોનાના ભાવ વધીને ઔંસદીઠ ૨૪૮૮ ડૉલર સુધી પહોંચ્યા હતા, જ્યારે સ્થાનિકમાં સોનાના વાયદામાં ભાવ ૧૦ ગ્રામ દીઠ રૂ. ૭૪,૭૩૧ની સપાટી સુધી પહોંચ્યા હતા. જોકે, ત્યાર બાદ ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ જોવા મળ્યું હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સનાં વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે ગત જૂન મહિનામાં અમેરિકામાં બેરોજગારી ભથ્થું મેળવવા માટેની અરજીની સંખ્યામાં વધારો, અમેરિકાની ચૂંટણીમાં જો ડૉનલ્ડ ટ્રમ્પ વિજયી થશે તો વેપાર માટે વધુ સંરક્ષણાત્મક નીતિ અપનાવે તેવી શક્યતા, ફુગાવામાં ઘટાડા સહિતનાં અન્ય આર્થિક ડેટાઓ પણ ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બરમાં વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવા સંકેતો આપી રહ્યા હોવાથી સોનાની તેજીને ટેકો મળ્યો હતો. જોકે, હવે રોકાણકારોની નજર આગામી સપ્તાહે જાહેર થનારા અમેરિકાના જીડીપીના ડેટા પર સ્થિર થઈ છે અને જો ડેટા નબળા આવશે અર્થાત્ આર્થિક પ્રવૃત્તિ મંદ પડી રહી હોવાનો અણસાર જોવા મળશે તો સોનામાં નફારૂપી વેચવાલીના આંચકા પચાવીને સુધારો જોવા મળી શકે છે. તેમ છતાં અમારા મતાનુસાર આગામી સપ્તાહે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૨,૦૦૦થી ૭૨,૭૦૦ આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા જણાય છે.