વેપાર અને વાણિજ્ય

બજારનો અંડરટોન મક્ક્મ: મધ્યપૂર્વની ડેવલપમેન્ટ અને કોર્પોરેટ પરિણામ પર નજર સાથે નિફ્ટીની નજર ૨૨,૩૦૦ પર

ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા

શેરબજારમાં હાલ તુરત તો યુદ્ધની અસર ઓસરતી જોવા મળે છે, પરંતુ રોકાણકારોની નજર સતત મધ્યપૂર્વની આગામી ઘટનાઓ પર મંડાયેલી રહેશે અને તેને પરિણામે વોલેટાલિટી પણ રહેશે. પાછલા સપ્તાહે અંતિમ સત્રમાં ઇરાની વોરના અહેવાલે ભારે અફડાતફડી વચ્ચે સેન્સેક્સ ૬૦૦ પોઇન્ટ ગબડ્યા બાદ ૯૦૦ પોઇન્ટ ઊછળ્યો અને અંતે ૬૦૦ પોઇન્ટના સુધારે સ્થિર થયો હતો. જોકે, નોંધવા જેવી બાબત એ રહી કે, ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની ભીતિ કોરાણે મૂકીને શેરબજાર તમામ ઘટાડો પચાવી પોઝિટિવ ઝોનમાં આગળ વધવામાં સફળ રહ્યું છે.

આ સપ્તાહની વાત કરીએ તો કોર્પોરેટ ક્ષેત્રના નાણાકીય વર્ષ ૨૦૨૪ના માર્ચમાં પૂરા થયેલા ત્રિમાસિક સમયગાળાની કમાણી, યુએસ જીડીપીના વૃદ્ધિ અંદાજો અને મધ્યપૂર્વ પર ધ્યાન કેન્દ્રિત કરીને બજારો વધુ એકીકૃત થઈ શકે છે. આ તરફ ચાર્ટ પેટર્નને આધારે ટેકનિકલ નિષ્ણાતો એવી અપેક્ષા રાખે છે કે આગામી સત્રોમાં અપટ્રેન્ડ ૨૨,૩૦૦ સુધી લંબાશે અને જો તે યથાવત રહે તો બેન્ચમાર્ક ૨૨,૫૦૦ સુધી આગળ વધી શકે છે. નિફ્ટી માટે ૨૨,૦૦૦ સપોર્ટ લેવલ છે અને ત્યારબાદ ૨૨,૭૫૦ અને ૨૧,૯૦૦ બીજા સપોર્ટ લેવલ છે.

ઈરાન-ઈઝરાયેલ સંધર્ષ મોટા યુદ્ધમાં પરિણામવાની શક્યતા ઘટી ગઇ હોવા સાથે બેન્કિંગ અને ફાઇનાનન્શિયલ સ્ટોકસમાં સારો ઉછાળો આવવાથી પાછલા સપ્તાહના અંતિમ દિવસે બજારોમાં શેરબજજારમાં તીવ્ર ઉછાળો આવ્યો હતો. જો કે, ૧૯ એપ્રિલના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી ફંડોના વેચાણ અને ફેડરલ રિઝર્વની હોકીશ ટિપ્પણીઓને કારણે બેન્ચમાર્ક એકંદર ૧.૬ ટકા નીચી સપાટીએ ગબડ્યો હતો. ટીસીએસ અને ઇન્ફોસિસની કમાણીની જાહેરાતને પગલે ટેક્નોલોજી શેરઆંકોેમાં તીવ્ર ઘટાડો થવાને કારણે પણ સેન્ટિમેન્ટ પર દબાણ આવ્યું હતું.

નિફ્ટી ૫૦ સપ્તાહમાં ૩૭૨ પોઈન્ટ ઘટીને ૨૨,૧૪૭ પર બંધ થયો હતો અને સેન્સેક્સ ૧,૧૫૭ પોઈન્ટ ઘટીને ૭૩,૦૮૮ પર હતો, જ્યારે નિફ્ટી મિડકેપ ૧૦૦ ઈન્ડેક્સ ૨.૭ ટકા અને સ્મોલકેપ ૧૦૦ ઈન્ડેક્સ ૧.૪ ટકા ઘટ્યો હતો.

આ સપ્તાહે બજારો વિપ્રો અને એચડીએફસી બેન્કના ત્રિમાસિક પરિણામો પર પ્રતિક્રિયા આપે તેવી અપેક્ષા છે જે સપ્તાહના અંતે જાહેર કરવામાં આવ્યા હતા. એકંદરે, બેન્ચમાર્ક સૂચકાંકો માર્ચ કોર્પોરેટ ક્ષેત્રની ત્રિમાસિક કમાણી, અમેરિકાના જીડીપીના ઓગાતરા ત્રિમાસિક અંદાજો અને મધ્ય પૂર્વના તણાવ પર ધ્યાન કેન્દ્રિત કરીને વધુ એકીકૃત થઈ શકે છે. આ સપ્તાહ દરમિયાન એપ્રિલ ફ્યુચર્સ અને ઓપ્શન્સ કોન્ટ્રાક્ટની માસિક સમાપ્તિને જોતાં બજારમાં ઉથછલપાથલને નકારી શકાય નહીં.

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, બજારોમાં વિવિધ સંકેતોને પગલે વ્યાપક શ્રેણીમાં અસ્થિરતા જોવા મળે તેવી શક્યતા છે. નકારાત્મક બાજુએ, મધ્ય પૂર્વમાં ભૌગોલિક રાજકીય તણાવ, હોકીશ યુએસ ફેડની ટિપ્પણીઓ અને એફઆઇઆઇનું વેચાણ રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરડવાનું કામ કરે છે. હકારાત્મક બાજુએ, ઈન્ડેક્સ હેવીવેઈટ્સમાંથી તંદુરસ્ત કમાણીની અપેક્ષાઓ અને નીચા સ્તરે ઉભરતી ખરીદી બજારમાં મજબૂતાઈનો સંકેત આપે છે.

તેમણે ઉમેર્યું હતું કે આવતા અઠવાડિયે કમાણીની સિઝન અને વૈશ્ર્વિક સંકેતો પર ફોકસ રહેશે. રોકાણકારો યુએસ અને ભારતના મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ પીએમઆઈ ડેટા, યુએસ જીડીપી ડેટા અને જાપાનના (નાણાકીય) નીતિ નિવેદન જેવા આર્થિક ડેટા પોઇન્ટ્સને પણ ટ્રેક કરશે.

સ્થાનિક મોરચે, બજારના સહભાગીઓ કોર્પોરેટ અર્નિંગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે અને તેથી ત્યાં વધુ શેરલક્ષી કામકાજ જોવા મળશે. લગભગ ૧૬૦ કંપનીઓ આ અઠવાડિયે તેમની ત્રિમાસિક કમાણી જાહેર કરશે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ, એક્સિસ બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, બજાજ ફાઇનાન્સ, ઇન્ડસઇન્ડ બેન્ક, નેસ્લે ઇન્ડિયા, ટેક મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, એચસીએલ ટેકનોલોજિસ, એચસીએલ સુઝુટીઝ, ટાટા ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ, ભેલ, આઇસીઆઇસીઆઇ બેંક, એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની અને શ્રીરામ ફાઇનાન્સનો સમાવેશ થાય છે, જેઓ નિફ્ટીમાં સામૂહિક રીતે લગભગ ૩૪ ટકા વેઇટેજ ધરાવે છે.

આ ઉપરાંત આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સ કંપની, એસીસી, આદિત્ય બિરલા મની, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઈનાન્સિયલ સર્વિસીસ, એમસીએક્સ ઈન્ડિયા, ટાટા એલેક્સી, ઈન્ડિયન હોટેલ્સ, મેક્રોટેક ડેવલપર્સ, સીન્જિન ઈન્ટરનેશનલ, સાયેન્ટ, એલએન્ડટી ટેકનોલોજી સેવાઓ, આરબીએલ બેંક, એસબીઆઇ કાર્ડ્સ એન્ડ પેમેન્ટ સર્વિસિસ, આઇડીએફસી ફર્સ્ટ બેન્ક, એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ અને યસ બેન્ક પણ આ સપ્તાહે તેમની માર્ચ ક્વાર્ટરની કમાણી જાહેર કરશે.

વૈશ્ર્વિક સ્તરે, રોકાણકારો ૨૫ એપ્રિલના રોજ રીલિઝ થતા કેલેન્ડર વર્ષ ૨૦૨૪ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે યુએસ જીડીપીના આગોતરા અંદાજો પર ધ્યાન કેન્દ્રિત કરશે. ૨૦૨૩માં ચોથા ક્વાર્ટરના ૩.૪ ટકા વૃદ્ધિની સામે આ ક્વાર્ટર માટે મજબૂત યુએસ જીડીપી ડેટાની અપેક્ષા છે.

બજારના પીઢ નિરક્ષિકો અનુસાર ક્રૂડ ઓઇલલના ભાવમાં ૯૦ પ્રતિ બેરલથી નીચેનો ઘટાડો એ સંકેત આપે છે કે ઈરાન-ઈઝરાયેલ તણાવમાં વધારો થવાની મર્યાદિત સંભાવનાઓ હોઈ શકે છે. પરંતુ બજાર તેના પર નજર રાખશે અને તેથી નજીકના ગાળામાં તેલના ભાવમાં થોડી અસ્થિરતા જોવા મળી શકે છે.

ગયા અઠવાડિયે એફઆઈઆઈએ કેશ સેગમેન્ટમાં રૂ. ૧૧,૮૬૭ કરોડના સ્ટોકનું વેચાણ કર્યું હતું, જે એપ્રિલમાં અત્યાર સુધીમાં કુલ માસિક આઉટફ્લો રૂ. ૨૨,૨૨૯ કરોડ સુધી લઈ ગયો હતો, જ્યારે ડીઆઈઆઈએ સપ્તાહ દરમિયાન રૂ. ૧૨,૨૩૩ કરોડના શેરો અને મહિના દરમિયાન રૂ. ૨૧,૨૬૯ કરોડના શેરો ખરીદ્યા હતા. આ દર્શાવે છે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારોના આઉટફ્લોની ભરપાઈ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ કરવાનું ચાલુ રાખ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો