ડૉલર સામે રૂપિયામાં પાંચ પૈસાનો સુધારો
મુંબઈ: વિશ્ર્વ બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડો અને વૈશ્ર્વિક રાજકીય-ભૌગોલિક અનિશ્ર્ચિતતાઓ વચ્ચે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી રેન્જમાં અથડાઈને અંતે પાંચ પૈસાના સુધારા સાથે ૮૩.૨૩ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી ફંડોની ઈક્વિટીમાં જળવાઈ રહેલી વેચવાલી ઉપરાંત ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી સુધારો મર્યાદિત રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૨૮ના બંધ સામે સુધારા સાથે ૮૩.૨૬ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૨૮ અને ઉપરમાં ૮૩.૨૩ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે પાંચ પૈસાના સુધારા સાથે ૮૩.૨૩ના મથાળે બંધ રહ્યો હતો. આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડ તેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૧.૯૨ ટકા ઘટીને બેરલદીઠ ૮૯.૭૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો, પરંતુ આજે ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૦૫ ટકા વધીને ૧૦૬.૬૧ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૨૪૭.૭૮ પૉઈન્ટનો અને ૪૬.૪૦ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૮૩૧.૮૪ કરોડની ચોખ્ખી વેચવાલી રહેતા સુધારો મર્યાદિત હતો.