વિદેશી ફંડો દ્વારા ૧૨ દિવસમાં ₹૫૮૭૧૧ કરોડના શૅરોની વેચવાલી
મુંબઈ : ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) ભારતીય શેર બજારોમાં છેલ્લા એક પખવાડિયામાં શેરોમાં મોટાપાયે વેચવાલ બનીને ઈન્ડિયા એક્ઝિટ લઈ રહ્યા છે. જીઓપોલિટીકલ ટેન્શનની સાથે તાજેતરમાં ચાઈનાએ તેના અર્થતંત્રને પટરી પર લાવવા જંગી સ્ટીમ્યુલસ, રાહતનું પેકેજ જાહેર કરતાં અને વધુ જંગી પેકેજ આજ-કાલમાં જાહેર કરવાની તૈયારી વચ્ચે ફોરેન ફંડો ભારતીય બજારોમાંથી ઉચાળા ભરવા લાગ્યા છે.
ફોરેન ફંડો એટલે કે એફપીઆઈઝ, એફઆઈઆઈઝ દ્વારા ઓકટોબર ૨૦૨૪ મહિનાના પ્રથમ ૧૨ દિવસમાં જ રૂ.૫૮,૭૧૧ કરોડના શેરોની જંગી વેચવાલી કરવામાં આવી છે. એક તરફ ભારતીય બજારોમાં ઘણી કંપનીઓના શેરોના ભાવો તેમના ફંડામેન્ટલથી આગળ નીકળી જઈ અત્યંત મોંઘા બની ગયા છે.
ત્યારે બીજી તરફ જીઓપોલિટીકલ ટેન્શનના પરિણામે ભારતની એનજીે સિક્યુરિટી જોખમમાં મૂકાવા લાગી હોઈ ફંડો શેરો વેચી રહ્યા છે. જ્યારે બીજી તરફ ચાઈનાની આર્થિક રિકવરીના અંદાજોએ આ વિદેશી ફંડો તેમનું ભારતમાં રોકાણ પાછું ખેચવા લાગી આ ફંડ ચાઈનાના બજારોમાં ઠાલવી રહ્યાનું કહેવાય છે.
એનએસડીએલના આંકડા મુજબ ઓકટોબરના પ્રથમ ૧૨ મહિનામાં ભારતના શેર બજારોમાં એફપીઆઈઝ દ્વારા કરાયેલી અત્યાર સુધીની સૌથી વધુ વેચવાલી છે. જે રૂ. ૫૮,૭૧૧ કરોડની થઈ છે. ૭ થી ૧૧ ઓકટોબરના સપ્તાહમાં વિદેશી રોકાણકારોએ શેરોમાં રૂ. ૩૧,૫૬૮.૦૩ કરોડના શેરોની વેચવાલી કરી હતી. જ્યારે ગત સપ્તાહમાં રૂ. ૨૭,૧૪૨.૧૭ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી છે.
ભારતીય શેર બજારોમાં અસાધારણ અફડાતફડીના દિવસોમાં એફપીઆઈઝ દ્વારા મોટાપાયે હોલ્ડિંગ વેચવામાં આવ્યું છે. ૩૦, સપ્ટેમ્બરથી ૪, ઓકટોબર ૨૦૨૪ દરમિયાન એફપીઆઈઝ દ્વારા રૂ. ૨૭,૧૪૨.૧૭ કરોડના શેરોની વેચવાલી કરાઈ હતી. જેમાં ખાસ ૪, ઓકટોબરના રૂ.૧૫,૫૦૬ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરાઈ હતી.