વેપાર અને વાણિજ્ય

ડ્યૂટી ઘટાડાના પગલે સોનામાં એક સપ્તાહમાં ₹ ૫૧૦૦નું ગાબડું, ગ્રાહકોની ચહેલપહેલ શરૂ

કોમોડિટી -રમેશ ગોહિલ

આંતરરાષ્ટ્રીય બજારમાં આગલા સપ્તાહે સોનાના ભાવ ઔંસદીઠ ૨૪૮૩.૬૦ ડૉલરની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ ગત સપ્તાહે ખાસ કરીને ગત ગુરુવારે અને શુક્રવારે અમેરિકાના અનુક્રમે જીડીપી અને પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સપેન્ડિચર ડેટાની જાહેરાત પૂર્વે વિશ્ર્વ બજારમાં ગત ગુરુવાર સુધી નફારૂપી વેચવાલીના દબાણ હેઠળ સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું. જોકે, ત્યાર બાદ અમેરિકાના જીડીપીમાં બજારની અપેક્ષા કરતાં વધુ ઝડપી ગતિએ વૃદ્ધિ જોવા મળવાની સાથે પર્સનલ ક્ધઝમ્પશન એક્સપેન્ડિચરમાં પણ ગત મે મહિનામાં સ્થિર વલણ રહ્યા બાદ સાધારણ એક ટકાનો ઘટાડો આવ્યો હોવાથી ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી શક્યતા પ્રબળ બનતા અમેરિકી ૧૦ વર્ષીય બૉન્ડની ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો થવાથી સોનાના ભાવમાં પુન: તેજીનું વલણ જોવા મળ્યું હતું. આમ ગત સપ્તાહના મધ્ય સુધીના નિરુત્સાહી અહેવાલ ઉપરાંત સ્થાનિકમા ગત મંગળવારે નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે રજૂ કરેલા વર્તમાન નાણાકીય વર્ષનાં અંદાજપત્રના પ્રસ્તાવોમાં સોનાની દાણચોરીને ડામવાની સાથે જ્વેલરીની નિકાસને પ્રોત્સાહન મળે તે માટે સોના-ચાંદી પરની આયાત જકાત જે ૧૫ ટકા હતી તે ઘટાડીને છ ટકા કરતાં સ્થાનિકમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૧૦૯ અથવા તો ૬.૯૭ ટકાનો સાપ્તાહિક ધોરણે કડાકો બોલાઈ ગયો હતો. સ્થાનિક સોનાચાંદી બજારમાં ગત સપ્તાહના આરંભે હાજરમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંતે અથવા તો ગત ૧૯મી જુલાઈના ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૩,૨૪૦ના બંધ સામે નરમાઈના ટોને ૭૩,૦૦૬ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન ઉપરમાં રૂ. ૭૩,૨૧૮ અને નીચામાં રૂ. ૬૮,૦૬૯ની રેન્જમાં અથડાઈને અંતે સાપ્તાહિક ધોરણે રૂ. ૫૧૦૯ અથવા તો ૬.૯૭ ટકા ઘટીને રૂ. ૬૮,૧૩૧ની સપાટીએ બંધ
રહ્યા હતા.

એકંદરે સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થવાને કારણે સપ્તાહ દરમિયાન સ્થાનિક સંગઠિત તથા અસંગઠિત જ્વેલરીની દુકાનોમાં ગ્રાહકોની ચહેલપહેલ જોવા મળી હતી. તેમ જ આગામી તહેવારોની મોસમમાં માગ પ્રબળ રહેવાનો આશાવાદ જ્વેલરો વ્યક્ત કરી રહ્યા છે.

સોનાની આયાત જકાતમાં ઘટાડો થવાને કારણે ભાવમાં ઘટાડો થયો છે અને અચાનક નીતિવિષયક ફેરફારો થતાં બજાર નરમાઈ તરફ દોરાઈ શકે છે, પરંતુ છૂટક રોકાણકારોને આકર્ષક ભાવનો લાભ મળશે એમ એલકેપી સિક્યોરિટીઝનાં કૉમોડિટી અને કરન્સી વિભાગના એનાલિસ્ટ જતીન ત્રિવેદીએ જણાવ્યું હતું. તે જ પ્રમાણે સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો થવાથી જ્વેલરીની માગમાં પુન: સંચાર થયો છે અને ઓછા ભાવનો લાભ અંકે કરવા જ્વેલરોની દુકાનોમાં ગ્રાહકોની ચહેલપહેલ પણ વધી છે. સ્થાનિક બજારમાં ડ્યૂટી ઘટાડાને કારણે માગમાં વધારો થયો છે અને આગામી તહેવારોની મોસમમાં પણ ગ્રાહકો સોનાચાંદીના આભૂષણોની ખરીદી માટે પ્રોત્સાહિત થશે, એમ પીસી જ્વેલરના મૅનૅજિંગ ડિરેક્ટર બલરામ ગર્ગે પીટીઆઈને જણાવતા ઉમેર્યું હતું કે ઓછા ભાવ ખાસ કરીને સંગઠિત ક્ષેત્રનાં જ્વેલરો સહિત સ્થાનિક જ્વેલરોને મદદરૂપ પુરવાર થશે.

વધુમાં મલબાર જૂથનાં ચેરમેન એમપી અહમદે જણાવ્યું હતું કે બુલિયન ક્ષેત્રની લાંબા સમયગાળાની ટ્રેડરોની ડ્યૂટી કાપની માગણી સંતોષાઈ છે જેથી દાણચોરીની સમસ્યાનો પણ ઉકેલ આવશે. સોનાના ભાવ ઘટીને કિલોદીઠ રૂ. ૩.૯૩ લાખ (૯.૮૨ લાખ) થતાં દાણચોરીનું આકર્ષણ ઘટી જશે. તેમ જ માફિયા ચેઈન વેરવિખેર થવાની સાથે સંગઠિત જ્વેલરી ક્ષેત્ર વૃદ્ધિ પામતા સરકારને જીએસટી તથા આવકવેરાની આવકમાં પણ વધારો થશે, એમ તેમણે ઉમેર્યું હતું.

દરમિયાન ગત સપ્તાહના અંતે અમેરિકાના જૂન મહિનાના ફુગાવામાં સાધારણ ૦.૧ ટકાનો વધારો થયો હોવાના નિર્દેશ તેમ જ જીડીપીનાં પ્રોત્સાહક ડેટાને ધ્યાનમાં લેતા ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી પ્રબળ શક્યતાને ધ્યાનમાં લેતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર પાછોતરા સત્રમાં હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે ૦.૮ ટકા વધીને ઔંસદીઠ ૨૩૮૨.૯૮ ડૉલર અને ઑગસ્ટ વાયદામાં ભાવ ૧.૨ ટકા વધીને ૨૩૮૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. ગત શુક્રવારે જાહેર થયેલા અમેરિકાના મિશ્ર ડેટાને ધ્યાનમાં લેતા ફેડરલ રિઝર્વ આ વર્ષે વ્યાજદરમાં બે વખત કાપ મૂકે તેવી શક્યતા ફોરેક્સ ડૉટ કૉમના વિશ્ર્લેષક ફવાદ રઝાકઝાદાએ વ્યક્ત કરી હતી. જોકે, હવે ફેડરલ રિઝર્વ આગામી ૩૦-૩૧ જુલાઈની નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં કપાત અંગેનો કોઈ અણસાર આપે છે કે નહીં તેના પર રોકાણકારોની નજર સ્થિર થઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

વધુમાં ગેઈનસેવિલે કોઈન્સનાં ચીફ માર્કેટ એનાલિસ્ટ એવર્ટ મિલમેને જણાવ્યું હતું કે ભારતમાં ડ્યૂટી ઘટાડા પૂર્વે ઊંચા મથાળેથી માગ રૂંધાઈ જતાં ગત સપ્તાહે સોનાના ભાવ પરનાં ડિસ્કાઉન્ટ એક દાયકાની ટોચે પહોંચ્યા હતા, પરંતુ હવે ડ્યૂટીમાં ઘટાડા બાદ વિશ્ર્વ બજારમાં ભારતની તેમ જ સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનની માગ કેવી રહે છે તેના પર ટ્રેડરોની મીટ મંડાયેલી રહેશે. વર્તમાન વૈશ્ર્વિક સ્થિતિને ધ્યાનમાં લેતા એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્ર્લેકે આગામી ટૂંકા સમયગાળા માટે સોનાના વૈશ્ર્વિક ભાવ માટે ઔંસદીઠ ૨૪૧૦ ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી અને ૨૨૮૦ ડૉલરની સપાટી ટેકાની સપાટી પુરવાર થાય તેવી શક્યતા વ્યક્ત કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ