ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીએ રૂ. 259ની પીછેહઠ, રૂપિયો નબળો પડતાં સોનામાં સાધારણ રૂ.નવનો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં આજે ખાસ કરીને સોનામાં રોકાણકારોની ફુગાવા સામે સલામતી માટેની હેજરૂપી લેવાલી નીકળતાં ભાવમાં સાધારણ સુધારાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં 17 પૈસાનો ઘટાડો આવ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં વધારો થવાથી સ્થાનિક ઝવેરી બજારમાં મધ્ય સત્ર દરમિયાન સોનાના ભાવમાં સાધારણ 10 ગ્રામદીઠ રૂ. નવનો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 259 ઘટી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે .999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ તેમ જ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી એકંદરે શુષ્ક રહેતાં મધ્ય સત્ર દરમિયાન હાજરમાં ભાવ કિલોદીઠ રૂ. 259 ઘટીને રૂ. 61,632ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં પણ રિટેલ સ્તરની તેમ જ સ્ટોકિસ્ટો અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી છૂટીછવાઈ રહી હતી, પરંતુ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ તેમ જ ડૉલર સામે રૂપિયો 17 પૈસા નબળો પડ્યો હોવાથી મધ્ય સત્રમાં હાજરમાં ભાવ 10 ગ્રામદીઠ સાધારણ રૂ. નવના સુધારા સાથે 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 47,951 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 48,144ના મથાળે ક્વૉટ થઈ રહ્યા હતા.
દરમિયાન આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે સત્રના આરંભે ખાસ કરીને વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિ ઉપરાંત ફુગાવામાં થનારા અપેક્ષિત વધારાને ધ્યાનમાં લેતા રોકાણકારોની સલામતી માટેની અને રશિયા-યુક્રેઈન તથા ચીન-તાઈવાનની રાજકીય-ભૌગોલિક અનિશ્ર્ચિતતા વચ્ચે સોનામાં સલામતી માટેની માગ નીકળતા ભાવ આગલા બંધથી 0.2 ટકા વધીને ઔંસદીઠ 1820.80 ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ 0.3 ટકા વધીને 1821.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, અમેરિકી ફેડરલ રિઝર્વના અધિકારીઓ દ્વારા વ્યાજદરમાં વધારા અંગે આક્રમક વલણ અપનાવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હોવાથી સોનામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું વિશ્ર્લેષકોએ જણાવ્યું હતું. વધુમાં આજે સત્રના આરંભે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી 0.3 ટકા વધીને ઔંસદીઠ 23.02 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.