ડૉલર સામે રૂપિયો ૧૦ પૈસા નબળો પડ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં મર્યાદિત સુધારો અને તેલ આયાતકારોની ડૉલરમાં લેવાલી નીકળતા સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે સતત બીજા સત્રમાં ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ જળવાઈ રહેતા રૂપિયો વધુ ૧૦ પૈસા નબળો પડીને ૭૪.૨૪ની સપાટીએ બંધ રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના ૭૪.૧૫ના બંધ સામે નરમાઈના ટોને ૭૪.૧૮ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૪.૩૬ અને ઉપરમાં ૭૪.૧૬ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધથી ૧૦ પૈસાના ઘટાડા સાથે ૭૪.૨૫ના મથાળે બંધ રહ્યો હતો. આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધથી સાધારણ ૦.૦૫ ટકાની નરમાઈ સાથે ૯૫.૧૧ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાના અહેવાલ તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૮૫.૮૮ પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૫૨.૩૫ પૉઈન્ટનો સાધારણ સુધારો આવ્યો હોવાથી તેમ જ વિશ્ર્વ બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધથી સાધારણ ૦.૨૭ ટકા ઘટીને બેરલદીઠ ૮૫.૮૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ છતાં આજે ખાસ કરીને તેલ આયાતકારોની ડૉલરમાં લેવાલી નીકળતાં રૂપિયામાં નરમાઈનું વલણ જોવા મળ્યું હતું. વધુમાં ગત શુક્રવારે સ્થાનિક ઈક્વિટી બજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૫૯૮.૨૦ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે પ્રાથમિક આંકડાકીય માહિતીમાં જણાવતા રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.