માણસે પોતાના સ્વમાનના ભોગે કશું ન કરવું જોઈએ
એક પ્રખ્યાત સંગીતકારને કોઈએ સમ્રાટની ખુશામત કરવાની સલાહ આપી ત્યારે...

સુખનો પાસવર્ડ -આશુ પટેલ
મારા એક પરિચિત કલાકારને તેમના એક મિત્રએ કહ્યું કે ‘એક શ્રીમંતના ઘરે તેમના કેટલાક મિત્રોનું મનોરંજન કરવા માટે મને આમંત્રણ મળ્યું છે. તે શ્રીમંત ઉદાર માણસ છે એટલે સારો પુરસ્કાર મળશે. તું પણ ચાલ તનેય કવર અપાવીશ. આમ પણ કોરોના અને લૉકડાઉનને કારણે તને આર્થિક તકલીફ પડી છે એ હું જાણું છું.’
મારા પરિચિત કલાકારે કહ્યું, ‘એ શ્રીમંતના ઘરે જવાનું આમંત્રણ તને મળ્યું છે. અને આમ પણ હું માનું છું કે આપણે એટલા સસ્તા ન બનવું જોઈએ.’
તેમની એ વાત સાંભળીને તેમનો કલાકાર મિત્ર અકળાઈ ગયો. તેણે કહ્યું કે લૉકડાઉનને કારણે આપણને બધાને આર્થિક ફટકો પડયો છે ત્યારે સામેથી આવતી લક્ષ્મીને ઠુકરાવવાની મૂર્ખાઈ ન કરવી જોઈએ એટલે હું તો જઈશ.’
પરિચિતે કહ્યું, ‘હું તો નહીં આવું.’
એને કારણે એ બંને વચ્ચે ઉગ્ર દલીલો થઈ ગઈ.
એ વિશે મને ખબર પડી એટલે મને ગઈ સદીના વિખ્યાત સંગીતકાર પંડિત ઓમકારનાથજીના જીવનનો એક પ્રેરક કિસ્સો યાદ આવી ગયો.
ઓમકારનાથજીએ ભારત બહાર પણ ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. ઘણા મહારથીઓ તેમના સંગીતના ચાહક હતા. તેમણે ઘણા વિદેશપ્રવાસો પણ કર્યા હતા.
આ રીતે ૧૯૩૩માં ઓમકારનાથજી ઈંગ્લેન્ડના પ્રવાસે ગયા હતા. તેઓ લંડનમાં રોકાયા હતા એ દરમિયાન એક દિવસ લંડનસ્થિત ભારતીય હાઈ કમિશનર તેમને મળવા આવ્યા. તેમણે ઓમકારનાથજી સાથે ખાસ્સો સમય વાત કરી.
ઓમકારનાથજીની વિદાય લેતી વખતે ભારતીય હાઈ કમિશનરે તેમને કહ્યું, ‘હું આપને એક સૂચન કરવા માગું છું.’
ઓમકારનાથજીએ પ્રશ્ર્નાર્થ નજરે તેમની સામે જોયું એટલે હાઈ કમિશનરે તેમને કહ્યું, ‘તમે સમ્રાટ જ્યોર્જ પાંચમાને મળો એવી મારી ઈરછા છે.’
ઓમકારનાથજીએ કહ્યું, ‘મારે શા માટે એમને મળવું જોઈએ?’
હાઈ કમિશનરે કહ્યું, ’એમને મળવાથી તમને ઘણા લાભ થશે.’
ઓમકારનાથજીએ કહ્યું, ‘જેમ કે?’
હાઈ કમિશનરે કહ્યું, ‘તમે સમ્રાટ જ્યોર્જ પાંચમાને મળશો અને તમારું સંગીત તેમને સંભળાવશો તો તેઓ ખુશ થઈને તમને ‘રાયબહાદુર’નો ખિતાબ આપશે.’
ઓમકારનાથજીએ કહ્યું કે, ‘પણ મને તો એમના તરફથી કોઈ આમંત્રણ મળ્યું નથી. હું આમંત્રણ વિના સામે ચાલીને તેમને મારું સંગીત સાંભળવાની અરજી કરું તો ભારતીય સંગીતકારો વિશે તેમના મનમાં કેવી ધારણા બંધાય? તેમની અને કોઈ પણ ભારતીય કલાકારની ગરિમા એમાં કહેવાય કે લંડન આવેલા ભારતીય કલાકારને સમ્રાટ જ્યોર્જ પાંચમા તરફથી આમંત્રણ મળે. એમને ભારતીય કલાકારોની પરવા ન હોય તો મારે શા માટે એમની પરવા કરવી જોઈએ? અને મારે એમની પાસેથી કોઈ ખિતાબ પણ જોઈતો નથી. મારા માટે શાસકો દ્વારા અપાતા ખિતાબની કોઈ કિંમત નથી. લોકોના હ્રદયમાં હું સ્થાન મેળવું એ જ મારા માટે સૌથી મોટો ખિતાબ છે.’
અને ઓમકારનાથજી જ્યોર્જ પાંચમાને મળવા ન ગયા. એ સમય દરમિયાન ભારતીય સાહિત્યના મહારથી ગણાતા સોફિસ્ટિકેટેડ ચમચાઓ જ્યોર્જ પાંચમાને ભગવાન ગણાવીને ગીતો-કવિતાઓ લખતા હતા!
સાર એ છે કે માણસે પોતાના સ્વમાનના ભોગે કશું ન કરવું જોઈએ. અને કલાકારોએ પોતાની કદર કરતા શીખવું જોઈએ. તો જ બીજા લોકો પણ તેમને માન આપે.