આમચી મુંબઈમનોરંજનમહારાષ્ટ્ર

સલમાનના નિવાસસ્થાન બહાર ગોળીબાર: આરોપી થાપનનું ગળાફાંસાને કારણે મૃત્યુ થયાની પોસ્ટમોર્ટમમાં સ્પષ્ટતા

લૉકઅપ રૂમના સીસીટીવી પર નજર રાખનારા ચાર કોન્સ્ટેબલ પર તપાસની લટકતી તલવાર

મુંબઈ: બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના બાન્દ્રા સ્થિત નિવાસસ્થાન બહાર ગોળીબાર કરવાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી અનુજ થાપનનું મૃત્યુ ગળાફાંસાને કારણે થયું હોવાની સ્પષ્ટતા પોસ્ટમોર્ટમથી થઈ હતી. બીજી બાજુ, આ હાઈ પ્રોફાઈલ કેસના આરોપીએ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં કથિત આત્મહત્યા કરતાં લૉકઅપ રૂમના સીસીટીવી કૅમેરા પર નજર રાખનારા ચાર કોન્સ્ટેબલ પર સીઆઈડી તપાસની તલવાર લટકી રહી છે.

બાન્દ્રા પશ્ર્ચિમના ગૅલેક્સી એપાર્ટમેન્ટ બહાર 14 એપ્રિલની વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ ગોળીબાર કરાયો હતો. ગોળીબાર કરનારા શૂટરોને શસ્ત્રો પૂરાં પાડવાના આરોપસર થાપન અને તેના સાથી સોનુ વિશ્ર્નોઈને પંજાબથી પકડી પાડવામાં આવ્યા હતા. 26 એપ્રિલે ધરપકડ કરાયેલા થાપને દક્ષિણ મુંબઈના ક્રાફર્ડ માર્કેટ સ્થિત પોલીસ મુખ્યાલયમાં આવેલા ક્રાઈમ બ્રાન્ચના લૉકઅપમાં બુધવારે કથિત આત્મહત્યા કરી હતી. ચાદરના ટુકડાની મદદથી ટૉઈલેટની બારી સાથે થાપને ગળાફાંસો ખાધો હતો.

થાપનના પંજાબમાં રહેતા ભાઈએ દાવો કર્યો હતો કે તેનો ભાઈ આત્મહત્યા કરે એવો નહોતો. અનુજ થાપનની કથિત રીતે હત્યા કરાઈ હોવાનો આક્ષેપ તેના ભાઈએ કર્યો હતો.

થાપનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ ગુરુવારે મુંબઈની જે. જે. હૉસ્પિટલમાં કરાયું હતું. પોસ્ટમોર્ટમના પ્રાથમિક અહેવાલ અનુસાર ગળા પર લિગાચર માર્ક્સ હોવાનું અને ગૂંગળામણને કારણે થાપનનું મૃત્યુ થયાનું સ્પષ્ટ થાય છે, જેને પગલે તેનું મૃત્યુ ગળાફાંસાને કારણે થયાની ખાતરી થાય છે, એમ વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

પોસ્ટમોર્ટમ કરનારા તબીબોએ તેમનું મંતવ્ય રિઝર્વ રાખ્યું હતું. મૃતકના વિસેરા, ટિસ્યૂ અને અન્ય સૅમ્પલ્સ ફોરેન્સિક અને કેમિકલ એનાલિસીસ માટે લેવામાં આવ્યા હતા.

આપણ વાંચો: સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં મોટા સમાચાર, આરોપીએ ભર્યું આવું પગલું…..

દરમિયાન કસ્ટડીમાં મૃત્યુ પ્રકરણની તપાસ સ્ટેટ ક્રાઈમ ઈન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ (સીઆઈડી)ને સોંપવામાં આવી હતી. લૉકઅપની સુરક્ષા માટે તહેનાત ચાર પોલીસ કોન્સ્ટેબલ સામે બેદરકારી બદલ તપાસ કરવામાં આવે એવી શક્યતા છે.
એક અધિકારીના જણાવ્યા મુજબ લૉકઅપમાં થાપનને ચાદર આપવામાં આવી હતી. આ ચાદરને ફાડીને તેના ટુકડાથી થાપને ગળાફાંસો ખાધો હતો. લૉકઅપમાં હાજર અન્ય આરોપીઓની પણ આ બાબતે પૂછપરછ કરવામાં આવી રહી છે.

લૉકઅપ રૂમમાં સીસીટીવી કૅમેરા લગાવવામાં આવ્યા છે. ચાર કોન્સ્ટેબલની ડ્યૂટી આરોપીઓની હિલચાલ અને કૅમેરા પર નજર રાખવાની હતી. થાપન ટૉઈલેટમાં જતી વખતે ચાદર ફાડીને ટુકડો તેની સાથે લઈ ગયો તે કોન્સ્ટેબલોની નજરે કેમ ન પડ્યું, એવો સવાલ કરાઈ રહ્યો છે. જોકે થાપન એકલો જ ટૉઈલેટમાં જતો ફૂટેજમાં નજરે પડે છે, જેના પરથી એવું સ્પષ્ટ થાય છે કે તેણે આત્મહત્યા કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button