મૅરડોનાના સંતાનોએ પિતાનો નશ્ર્વર દેહ કબ્રસ્તાનમાંથી ક્યાં ટ્રાન્સફર કરવાની માગણી કરી?
બ્યુનોસ આયરસ: આર્જેન્ટિનાના ફુટબૉલ-લેજન્ડ ડિયેગો મૅરડોનાના અવસાનને સાડાત્રણ વર્ષ થઈ ગયા, પરંતુ દફનવિધિ પછીના તેમના નશ્ર્વર દેહને (તેમના દેહના અંશોને) લઈને સમયાંતરે મુદ્દા ચર્ચામાં રહ્યા છે.
સૉકર-સુપરસ્ટાર મૅરડોનાને બ્યુનોસ આયરસથી 50 કિલોમીટર દૂર સૅન મિગ્વેલ ખાતેના જાર્ડિન દ બેલ્લા વિસ્ટા નામના પ્રાઇવેટ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. આ સ્થળથી થોડે દૂર પ્વેર્ટો મૉડેરો નામનું સ્થળ આવ્યું છે અને ત્યાં મૅરડોના માટેનું સમાધિ-સ્થાન બનાવવામાં આવી રહ્યું છે.
પ્વેર્ટો બ્યુનોસમાં ઘણી રેસ્ટોરાં અને બિયર-બાર છે અને ત્યાં મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે એટલે સદ્ગત મૅરડોનાની સમાધિના સ્થળે આવીને પોતાના પ્રિય ફુટબૉલ-સિતારાને અંજલિ આપવાની તક વિશ્ર્વભરમાંથી આવતા પર્યટકોને મળી શકે એ હેતુથી મૅરડોનાના સંતાનોએ તેમના પિતાના નશ્ર્વર દેહને પ્રાઇવેટ કબ્રસ્તાનમાંથી લઈને આ સમાધિના સ્થળે સ્થાપિત કરવા અદાલતમાં કાનૂની પરવાનગી માગી છે. સમાધિના સ્થળ માટે સ્થાનિક સુધરાઈએ મૅરડોનાના સંતાનોને મફતમાં જગ્યા આપી છે.
મૅરડોનાએ 1986માં આર્જેન્ટિનાને વર્લ્ડ કપની ટ્રોફી અપાવી હતી. એ ઉપરાંત તેણે દેશને અનેક મૅચો અને સ્પર્ધાઓ જિતાડી આપી હતી.
મૅરડોનાની બૉડીને કબ્રસ્તાનમાંથી સમાધિના સ્થળે લઈ જવા અદાલતની મંજૂરી જરૂરી છે. જોકે મૅરડોનાનું 2020માં 60 વર્ષની ઉંમરે નિધન થયું એ પહેલાં તેમની તબીબી સારસંભાળ રાખનાર આઠ કાર્યકરો વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધાયો છે અને એ કેસની ગૂંચવણ સમાધિને લગતી પરવાનગીમાં અવરોધ બની શકે.