ઇન્ટરનેશનલ

“પાકિસ્તાને દૂધ પાઈને સાપ ઉછેર્યો” : છેલ્લા એક મહિનામાં 77 આતંકવાદી હુમલાઓ

નવી દિલ્હી : પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ સ્થિત એક થીંક ટેંક દ્વારા સુરક્ષા મૂલ્યાંકનમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં માર્ચ મહિનાના અંત બાદ એપ્રિલમાં આતંકવાદી હુમલાઓમાં વધારો થયો હતો. ગયા મહીને પાકિસ્તાનના વિવિધ પ્રાંતોમાં 77 આતંકવાદી હુમલાઓ થયા હતા. પાકિસ્તાનની એક અખબારી સંસ્થા અનુસાર, પાકિસ્તાન ઈન્સ્ટિટ્યૂટ ફોર કોન્ફ્લિક્ટ એન્ડ સિક્યોરિટી સ્ટડીઝ (PICSS)એ એક રિપોર્ટમાં કહ્યું છે કે ખાસ કરીને આ હુમલાઓનો ભોગ ખૈબર પખ્તુનખ્વા બન્યો છે. આ વિસ્તારમાં 35 નાગરિકો અને સુરક્ષા દળોના 31 સભ્યો સહિત 70 લોકો માર્યા ગયા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હુમલામાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા અને 32 નાગરિકો અને 35 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા. તેની સરખામણીમાં માર્ચ દરમિયાન 56 આતંકવાદી હુમલા થયા હતા, જેમાં 77 લોકોના મોત અને 67 ઘાયલ થયા હતા.

આ આંકડા દેશમાં આતંકવાદી હુમલાની સંખ્યામાં 38 ટકાનો વધારો દર્શાવે છે. જોકે, મૃત્યુમાં નવ ટકાનો ઘટાડો થયો છે અને ઘાયલોની સંખ્યામાં કોઈ ફેરફાર થયો નથી. સુરક્ષા અહેવાલમાં છેલ્લા મહિના દરમિયાન અનેક સંભવિત હુમલાઓને નિષ્ફળ બનાવવા માટે દેશના સુરક્ષા દળોના પ્રયાસોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહેવાલમાં જણાવાયું છે કે આત્મઘાતી હુમલામાં સામેલ લોકો સહિત ઓછામાં ઓછા 55 શંકાસ્પદ આતંકવાદીઓ માર્યા ગયા હતા અને અન્ય 12ની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે, માર્ચની સરખામણીમાં આતંકવાદીઓના મૃત્યુમાં 55 ટકાનો વધારો થયો છે.

રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે એપ્રિલમાં નોંધાયેલા કુલ આતંકવાદી હુમલાઓમાંથી 73 ટકા ખૈબર પખ્તુનખ્વામાં થયા છે, જેમાં પ્રાંતના આદિવાસી જિલ્લાઓ પણ સામેલ છે. ગયા મહિને પ્રાંતમાં 56 હુમલા થયા હતા. આ હુમલામાં 43 લોકો માર્યા ગયા હતા. જેમાં સુરક્ષા દળોના 26 સભ્યો અને 17 નાગરિકોનો સમાવેશ થાય છે.
રિપોર્ટ અનુસાર બલૂચિસ્તાનમાં 16 હુમલા થયા છે. આ વિસ્તારમાં 17 નાગરિકો અને ચાર સુરક્ષાકર્મીઓ સહિત 21 લોકો માર્યા ગયા હતા, જ્યારે 31 લોકો ઘાયલ થયા હતા. આમાંના મોટાભાગના હુમલા પ્રાંતના બલૂચ બેલ્ટમાં થયા છે.

પંજાબમાં પણ આતંકવાદી ગતિવિધિઓમાં વધારો જોવા મળ્યો હતો. માર્ચના એક હુમલાની સરખામણીએ એપ્રિલમાં ચાર હુમલા થયા હતા અને આ સમયગાળા દરમિયાન ત્રણ મૃત્યુ થયા હતા. સિંધમાં એક હુમલો અને ત્રણના મોત નોંધાયા હતા. રિપોર્ટ અનુસાર, આ વર્ષના પહેલા ચાર મહિનામાં દેશની અંદર 323 આતંકી હુમલા થયા, જેમાં 324 લોકોના મોત થયા અને 387 ઘાયલ થયા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button