એક ફિલ્મ અભિનેત્રી કે જેને ફિલ્મોથી લઈને સાંસદ સુધીની કારકિર્દી ઘડી…
બોલિવૂડની મહિલા સુપરસ્ટાર નરગીસ દત્તની કારકીર્દીની સફરમાં ખુબ વધારે યશકલગીઓ છે. ભારતીય સિનેમામાં તેમના અમૂલ્ય યોગદાન અને સિદ્ધીઓ માટે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા હતા. નરગીસ ભારતીય સિનેમાની પ્રથમ (Indian Cinema) અભિનેત્રી હતી જેને પદ્મશ્રી મળ્યો હતો. આ સિવાય નરગીસ દત્તએ રાજકારણમાં પોતાના નામનો ડંકો વગાડ્યો હતો.
તેમનું મૂળ નામ ફાતીમા રાશીદ હોવા છતાં પોતાના પડદા પરના નામ, નરગીસ થી જાણીતાં છે. 1 જૂન, 1929ના રોજ કોલકાતામાં જન્મેલી નરગીસે 5 વર્ષની ઉંમરે તલાશ-એ-ઈશ્ક ફિલ્મમાં પહેલીવાર સ્ક્રીન પર જોવા મળી હતી, જો કે તેણે ફિલ્મી કરિયરની શરૂઆત 1942માં ફિલ્મ ‘તમન્ના’થી કરી હતી. 1940ના દાયકાથી લઇને 1960ના દાયકા સુધી પથરાયેલી કારકીર્દી દરમિયાન નરગીસ અસંખ્ય કોમર્શીયલ રીતે સફળ અને વિવેચકોની દ્રષ્ટિએ વખાણાયેલી ફિલ્મોમાં દેખાયાં હતાં, તેમાંની મોટા ભાગની ફિલ્મોમાં તેમની સાથે અભિનેતા અને ફિલ્મનિર્માતા રાજકપૂર મુખ્ય અભિનેતા તરીકે હતા. તેમની સૌથી શ્રેષ્ઠ-જાણીતી ભૂમિકાઓમાંની એક હતી એકેડમી અવૉર્ડ માટે નામાંકિત થયેલી મધર ઇન્ડિયા (1957) ફિલ્મમાં રાધાની ભૂમિકા, તેમની આ અદાકારીને કારણે તેમને શ્રેષ્ઠ એભિનેત્રી માટે ફિલ્મફેર અવૉર્ડ અને કાર્લોવી વૅરી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ટ્રોફી મળી હતી.
નરગીસે અભિનેતા સુનિલ દત્ત સાથે લગ્ન કર્યાં હતાં . તેમના ત્રણ સંતાનોમાં સંજય દત્ત આગળ જતાં અત્યંત સફળ ફિલ્મ-અભિનેતા બન્યા હતા. તેમના પતિની સાથે તેમણે અજંતા આર્ટસ કલ્ચરલ ટ્રુપ ની સ્થાપના કરી હતી, જેમાં તે સમયના વિવિધ અગ્રણી અભિનેતાઓ અને ગાયકોને સમાવવામાં આવ્યા હતા અને ભારતીય સૈનિકોના મનોરંજન માટે નિર્જન સરહદોએ જઈને કાર્યક્રમો પેશ કર્યા હતા. નરગીસે સ્નાયુ તાણ સાથે મગજનો લકવો ધરાવતાં બાળકો માટે કામ કર્યું. તેઓ ધ સ્પેસ્ટિક્સ સોસાયટી ઓફ ઇન્ડિયાના પ્રથમ આશ્રયદાતા બન્યાં હતાં. આ સંસ્થા સાથેના તેમના ચેરિટેબલ કામના કારણે તેઓ એક સામાજિક કાર્યકર તરીકે ઓળખાવા લાગ્યાં હતાં
નરગીસને તેની બોલિવૂડ કારકિર્દીમાં ઘણું સન્માન મળ્યું છે. તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1980માં ઈન્દિરા ગાંધીની સરકારે તેમને રાજ્યસભાના સભ્ય પણ બનાવ્યા હતા. નરગીસ રાજ્યસભામાં ચૂંટાયેલી પ્રથમ મહિલા ફિલ્મ સ્ટાર હતી. મુંબઈના બાંદ્રામાં તેમના નામ પર એક રોડ છે. દર વર્ષે યોજાતા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં રાષ્ટ્રીય એકતા પરની શ્રેષ્ઠ ફિલ્મને નરગીસ દત્ત એવોર્ડ આપવામાં આવે છે.
નરગીસને સ્વાદુપિંડનું કેન્સર હોવાનું નિદાન થયું હતું અને આ રોગ માટે તેમણે ન્યૂ યોર્કમાં મેમોરિયલ સ્લોન-કેટ્ટેરીંગ કેન્સર સેન્ટર ખાતે સારવાર લીધી હતી. સારવાર બાદ ભારત પરત ફર્યા બાદ, તેમની સ્થિતિ વધુ કથળી હતી અને તેઓ કોમા(બેભાનાવસ્થા)માં જતાં રહ્યાં હતાં અને 3 મે 1981ના રોજ મૃત્યુ પામ્યાં હતાં.