શેર બજાર

ફેડરલના અપેક્ષિત ઉચ્ચારણ બાદ સેન્સેકસમાં સાધારણ સુધારો, ટ્રેન્ડથી વિપરીત બૅન્ક નિફ્ટી ૧૬૫ પોઇન્ટ ગબડ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શેરબજારે અમેરિકાની ફેડરલ રિઝર્વના નિર્ણયને અવગણીને ગુરુવારે સુધારાનો પંથ અપનાવ્યો હતો. સેન્સેક્સ ૧૨૮.૩૩ પોઈન્ટ અથવા ૦.૧૭ ટકા વધીને ૭૪,૬૧૧.૧૧ પોઇન્ટની સપાટી પર સેટલ થયો હતો, જ્યારે નિફ્ટી ૪૩.૩૫ પોઈન્ટ અથવા ૦.૧૯ ટકા આગળ વધીને ૨૨,૬૪૮.૨૦ પોઇન્ટની સપાટી પર બંધ થયો હતો. ટ્રેન્ડથી વિપરીત બેન્ક નિફ્ટી ૧૬૫.૭૦ પોઈન્ટ અથવા ૦.૩૪ ટકા ઘટીને ૪૯,૨૩૧.૦૫ પોઇન્ટની સપાટીએ ગબડ્યો હતો.

ફેડરલ રિઝર્વે વ્યાજદર યથાસ્થિતિ જાળવવાનું જાહેર કર્યા પછી વૈશ્ર્વિક વલણોને પ્રતિબિંબિત કરતા સ્થાનિક બેન્ચમાર્કે સાધારણ સુધારો નોંધાવ્યો હતો. અમેરિકાની મધ્યસ્થ બેન્ક, ફેડરલ રિઝર્વે ફુગાવાના ઊંચા વલણ અંગે સાવધ રહીને એવો સંકેત આપ્યો છે કે તે વ્યાજદરમાં કપાત કરવામાં ઉતાવળ નહીં કરશે. એ જ સાથે એવું વિધાન પણ કર્યું છે કે ફુગાવાના ઊંચા દબાણને જોતાં તે વ્યાજદરમાં વધારો કરશે એવો ડર રાખવાની પણ જરૂર નથી.

બીપીસીએલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, એશિયન પેઇન્ટ્સ, બજાજ ઓટો અને ટાટા મોટર્સ નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં હતા, જ્યારે કોટક મહિન્દ્રા બેન્ક, ભારતી એરટેલ, ટાટા ક્ધઝ્યુમર, એક્સિસ બેન્ક અને એચડીએફસી લાઇફ ટોપ લુઝર્સની યાદીમાં હતા. સેક્ટોરલ મોરચે, ઓટો, મેટલ, ઓઇલ એન્ડ ગેસમાં પ્રત્યેકમાં એકાદ ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે બેંક અને રિયલ્ટી ઇન્ડેક્સ સાધારણ ઘટાડા સાથે નેગેટીવ ઝોનમાં સરક્યા હતા. આધાર હાઉસિંગ ફાઇનાન્સનો આઇપીઓ આઠમી મેથી ૧દસમી સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે. પ્રાઇસ બેન્ડ રૂ. ૩૦૦થી રૂ. ૩૧૫ પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવી છે. મિનિમમ લોટ સાઈઝ ૪૭ ઈક્વિટી શેરની છે. ભરણાનું કદ રૂ. ૩,૦૦૦ કરોડનું છે, જેની ફાળવણી ૧૩મી મેએ સોમવારે, રિફંડ મંગળવારે અને લિસ્ટિંગ બુધવારે, ૧૫ મેના રોજ થશે.

આઇટી હાર્ડવેર ઇક્વિપમેન્ટ્સ અને સોલ્યુશન્સ પ્રોવાઇડર સ્લોન ઇન્ફોસિસ્ટમ્સ લિમિટેડ ત્રીજી મેના રોજ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઇપીઓ) સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપની આઇપીઓના માધ્યમથી શેર દીઠ રૂ. ૭૯ના ભાવે રૂ. ૧૧.૦૬ કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. ભરણું સાતમીએ બંધ થશે, શેર એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટેડ થશે. લોટ સાઈઝ ૧,૬૦૦ ઈક્વિટી શેરની છે. એકોમોડેશન પ્લેટફોર્મ એરબીએનબીએ નવા આઇકોન સ્કીમની શરૂઆત કરી છે, જેમાં તેના ગ્રાહકોને અકલ્પ્ય સ્થળોએ રહેવાની તક મળશે એવો કંપનીે દાવો કર્યો છે, આ માટે અભિનેત્રી જ્હાન્વી કપૂર સાથે ચેન્નઇ સ્થિત ફેમીલી હાઉસ માટે સહયોગ સાધ્યો છે. ઉપરાંત પેરિસના મ્યુઝિયમથી માંડીને મૂવી હાઉસ અથવા ફેરારી રેસિંગ કારથી ઘેરાયેલા રૂમ જેવા સ્થળો કંપનીની યાદીમાં છે.

યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા દરો યથાવત રાખવાની જાહેરાત છતાં સ્થાનિક બેન્ચમાર્ક ઇન્ડેક્સોએ ગુરુવારે નજીવા ઊંચા મથાળે કામકાજ શરૂ કર્યું હતું. ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો અને મજબૂત ઓટો વેચાણના આંકડાઓએ દલાલ સ્ટ્રીટ પર સેન્ટિમેન્ટને સુધારવામાં મદદ કરી હતી. મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે એક દિવસની રજા બાદ સ્થાનિક બજારો સુધારા સાથે ખુલ્યા હતા. ક્ષેત્રીય રીતે, આઇટી અને રિયલ્ટી ઇન્ડેક્સમાં શરૂઆતથી જ ઘટાડો જોવા મળ્યો છે. રિયલ્ટી શેરોમાં ભારે ધોવાણ અને વેચવાલી જોવા મળી હતી.

કોર્પોરેટ હલચલમાં અદાણી એન્ટર., ડાબર, કોલ ઈન્ડિયા આજે ચોથા ત્રિમાસિક પરિણામ જાહેર કર્યા છે. આઇસીઆઇસીઆઇ બેંકે એમડીએ કંપની છોડી હોવાના અહેવાલોને નકારી કાઢ્યા છે. ચાર મહિનામાં ગિફ્ટ નિફ્ટી ફ્યુચર્સ વોલ્યુમ ૨૫ ટકા વધ્યું છે. અદાણી પોર્ટ્સે એપ્રિલ દરમિયાન કાર્ગો વોલ્યુમમાં વાર્ષિક ધોરણે ૧૨ ટકાનો ઉછાળો નોંધાવ્યો છે.

બજારના નિષ્ણાત અનુસાર, મે મહિનાની શરૂાત સાથે જ બજાર માટે મિશ્ર સંકેતો મળવાનું શરૂ થયું છે, પરંતુ નકારાત્મક પરિબળો કરતાં હકારાત્મક પરિબળ વ્યાપકપણે વધુ છે. ફેડરલની કોમેન્ટ્રી સાવચેતીનો સંકેત આપે છે. સ્થાનિક સંકેતો ખૂબ જ સકારાત્મક છે. એવું લાગે છે કે બજાર ભારતના વિકાસના આઉટપરફોર્મન્સને ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે. એપ્રિલમાં જ્યારે એસએન્ડપી ૫૦૦ ઇન્ડેક્સ ૪.૨ ટકા ગબડ્યો છે ત્યારે નિફ્ટી ૦.૭ ટકા આગળ વધ્યો છે. આ આઉટપરફોર્મન્સ ચાલુ રહી શકે છે.

વ્યાપક બજારે ફરીથી બેન્ચમાર્ક કરતાં વધુ સારો દેખાવ કર્યો, મિડકેપ ઇન્ડેક્સ તાજી ઊંચી સપાટીને સ્પર્શ્યો અને એક ટકાના વધારા સાથે બંધ થયો હતો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ ૦.૩ ટકા વધ્યો હતો. વ્યક્તિગત શેરોમાં, ડાબર, ઈન્ડિયામાર્ટ ઈન્ટરમેશ અને બોશમાં ૪૦૦ ટકાથી વધુનો વોલ્યુમ ઉછાળો જોવા મળ્યો હતો. ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ કંપની, આરઇસી, ઈન્ડિયામાર્ટ ઈન્ટરમેશમાં લોંગ બિલ્ડ-અપ જોવા મળ્યો હતો, જ્યારે ગોદરેજ પ્રોપર્ટીઝ, આઇજીએલ અને કોટક મહિન્દ્રા બેન્કમાં શોર્ટ બિલ્ડ-અપ જોવા મળ્યો હતો.

સેન્સેક્સમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૪.૫૩ ટકા, પાવર ગ્રીડ ૨.૭૧ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૧.૮૭ ટકા, બજાજ ફાઈનાન્સ ૧.૫૨ ટકા અને બજાજ ફિનસર્વ ૧.૨૭ ટકા વધ્યા હતા જ્યારે ટેક મહિન્દ્રા ૨.૦૮ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૧.૫૦ ટકા, ટાટા સ્ટીલ ૧.૪૬ ટકા, એચસીએલ ટેક ૧.૪૧ ટકા અને સન ફાર્મા ૧.૨૯ ટકા ઘટ્યા હતા. આ સત્રમાં કુલ ત્રણ કંપનીઓને ઉપલી અને કુલ એક કંપનીને નીચલી સર્કીટ લાગી હતી.

આરઇસી, અશોક લેલેન્ડ, ભેલ, સીઇએસસી, ફેડરલ બેંક, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, આઇઆરસીટીસી, જિંદાલ સ્ટીલ, એમએન્ડએમ, મંગલમ સિમેન્ટ, મોઇલ, એનટીપીસી, પેટ્રોનેટ એલએનજી, પોલિકેબ સહિત પાવર ગ્રીડ કોર્પોરેશન, રેમન્ડ, શોભા સહિત ૨૫૦થી વધુ શેરો તેમની બાવન સપ્તાહની ટોચે પહોંચ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button