મણિપુરમાં ગેંગ રેપ-નગ્ન પરેડ, પોલીસને શું સજા થઈ?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
મણિપુરમાં ગયા વર્ષે થયેલી હિંસામાં કુકી-જો સમુદાયની બે યુવતીઓ પર ગેંગ રેપ કર્યા પછી તેમને નિર્વસ્ત્ર કરીને જાહેરમાં પરેડ કરાવવામાં આવી હતી. મણિપુરમાં મે મહિનામાં બનેલી આ ઘટનાનો વીડિયો જુલાઈમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે આખા દેશનું માથું શરમથી ઝૂકી ગયું હતું. શક્તિની પૂજા કરનારા દેશમાં કોઈ સ્ત્રીનું આ હદે અપમાન થાય એ ઘટના જ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી હતી પણ ના તો મણિપુરની સરકારમાં બેઠેલા લોકોના પેટનું પાણી હાલ્યું કે ના કેન્દ્રની સરકારમાં બેઠેલા લોકોને કોઈ અસર થઈ હતી.
મહિલાઓના સન્માનની વાતો કરનારા નેતાઓ ને નેત્રીઓ જાણે કશું ના બન્યું હોય એ રીતે વર્તીને બેસી રહ્યાં હતાં. મણિપુરની સરકારમાં તો આ કલંક કથા રોકવાની તાકાત નહોતી તેથી સીબીઆઈને તપાસ સોંપીને હાથ ખંખેરી નાંખેલા.
સીબીઆઈને તપાસ સોંપાઈ ત્યારે સત્ય બહાર આવવાની આશા નહોતી કેમ કે સીબીઆઈ પાળેલો પોપટ છે. સત્તામાં બેઠેલા લોકોના ઈશારે બોલવા ને વર્તવા સિવાય સીબીઆઈ પાસે બીજું કોઈ કામ નથી એવી છાપ છે. આ કારણે સીબીઆઈ બે લાચાર મહિલાઓને ન્યાય અપાવશે એવી આશા નહોતી પણ હવે આ કેસમાં સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી છે ત્યારે લાગે છે કે, સીબીઆઈ પણ ધારે તો સારું કામ કરી શકે છે ને રાજકારણીઓનો પાળેલો પોપટ બનીને વર્તવાના બદલે સ્વતંત્ર રીતે વર્તી શકે છે. તેની સામે રાજકારણીઓમાં નફફટાઈ સિવાય કંઇ નથી ને એ લોકો કોઈ પણ મુદ્દાનો ઉપયોગ રાજકીય ફાયદા માટે જ કરવામાં માને છે.
સીબીઆઈના ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે કે, મણિપુરના પોલીસ અધિકારીઓએ જ આ યુવતીઓને ટોલાને સોંપીને તેમની પર ગેંગ રેપ કરાવ્યો હતો અને પછી નિર્વસ્ત્ર ફેરવવા દઈને જાહેરમાં તેમની બેઈજજતી કરાવી હતી. સીબીઆઈએ તેની ચાર્જશીટમાં આ શરમજનક ઘટનાનો આખો ઘટનાક્રમ વર્ણવ્યો છે.
આ ઘટનાક્રમ પ્રમાણે, મેઈતેઈ સમુદાયનાં હજારથી વધારે લોકોનું ટોળું કાંગપોકપી જિલ્લામાં આ યુવતીઓના ગામમાં બળજબરીથી ઘૂસી ગયું હતું. ટોળાથી બચવા માટે આ બંને યુવતીઓ અનેક પીડિતો સાથે જંગલ તરફ દોડી હતી, પણ ટોળાએ તેમને જોઈ લીધી હતી. ભીડમાંના કેટલાક લોકોએ યુવતીઓને રોડ કિનારે પાર્ક કરેલી પોલીસની કાર પાસે જઈને મદદ માગવા કહેલું. યુવતીએ પોલીસની કાર સુધી પહોંચી અને તેની અંદર બેસી ગઈ પછી પણ ડ્રાઈવર અને બે પોલીસ કારમાં શાંતિથી બેઠા રહ્યા હતા.
યુવતીઓને સલામત રીતે ખસેડવાના બદલે પોલીસ કશું ના બન્યું હોય એ રીતે જ વર્તતી રહી હતી. કારની બહાર ત્રણ-ચાર પોલીસવાળા ઊભા હતા એ પણ તમાશો જોતી હતી. યુવતીઓ સાથે પોલીસની કારમાં એક પીડિત પુરુષ પણ બેઠો હતો. તેણે હાથ જોડીને પોલીસને સલામત સ્થળે લઈ જવા કહ્યું પણ પોલીસે એવો જવાબ આપ્યો કે તેમની પાસે કારની ચાવી નથી.
યુવતીઓના આશ્ર્ચર્ય વચ્ચે થોડા સમય પછી ડ્રાઈવરે જીપ સ્ટાર્ટ કરી અને ભીડ વચ્ચે જીપ ઊભી રાખી દીધી. ટોળું જીપને ઘેરી વળ્યું પછી પોલીસ શાંતિથી કશું ના બન્યું હોય તેમ ૧,૦૦૦ લોકોની ભીડને યુવતીઓને સોંપીને ચાલતી પકડી હતી. ટોળાએ મહિલાઓને નિર્વસ્ત્ર કરીને પરેડ કરાવી અને પછી તેમના પર ગેંગ રેપ કર્યો. આ બે યુવતીઓમાંથી એક કારગિલ યુદ્ધમાં લડી ચૂકેલા સૈનિકની પત્ની હતી.
સીબીઆઈએ ચાર્જશીટમાં કરેલા દાવા પ્રમાણે, ટોળા પાસે એકે રાઇફલ્સ, એસએલઆર, ઇન્સાસ અને પોઈન્ટ ૩૦૩ રાઇફલ્સ પણ હતી. પોલીસે આ કેસમાં હુઈરેમ હિરોદાસ મેઈટી સહિત પાંચ લોકોને આરોપી ગણાવ્યા છે. પોલીસે ગયા વર્ષે જુલાઈમાં મણિપુર હુઈરેમને ઉઠાવીને જેલભેગો કર્યો હતો. આ સિવાય એક સગીર વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપીઓ સામૂહિક બળાત્કાર, હત્યા, મહિલાઓની ગરિમાને નષ્ટ કરવા અને ગુનાહિત ષડયંત્ર સહિતની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
સીબીઆઈએ જે ઘટનાક્રમ વર્ણવ્યો છે એ આઘાતજનક છે પણ તેના કરતાં વધારે આઘાતજનક વર્તન સરકારનું છે. સીબીઆઈએ કોર્ટમાં ચાર્જશીટ ગયા વરસના ઑક્ટોબરમાં દાખલ કર્યું હતું . એક્ઝેટ કહીએ તો સીબીઆઈએ ગયા વર્ષે ૧૬ ઑક્ટોબરે ગુવાહાટીની સીબીઆઈ કોર્ટમાં વિશેષ ન્યાયાધીશ સમક્ષ આ ચાર્જશીટ દાખલ કરી હતી. પણ આ ચાર્જશીટની વિગતો દબાવી રખાઈ હતી. તેનું કારણ તો સરકાર જ જાણે પણ અત્યારે હવે આ ચાર્જશીટની વિગતો અચાનક જ ફરતી થઈ ગઈ છે તેનું કારણ સૌ જાણે છે.
અત્યારે લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે અને કર્ણાટકમાં ભાજપના સાથી પક્ષ જેડીએસના સાંસદ પ્રજ્વલ રેવન્નાનું સેક્સ સ્કેમ જોરશોરથી ગાજી રહ્યું છે. રેવન્નાની હવસખોરીના કારણે ભાજપ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. તેના કારણે ભાજપ ભીંસમાં છે. સોશિયલ મીડિયા પર મણિપુરમાં મહિલાઓ પર થયેલા ગેંગ રેપ અને નગ્ન પરેડના મામલે પણ ભાજપ ચૂપ રહ્યો હતો એવી કોમેન્ટ્સ થઈ રહી છે. ભાજપ સરકારે પોતે ચૂપ નહોતો બેસી રહ્યો ને સીબીઆઈ તપાસમાં દૂધનું દૂધ ને પાણીનું પાણી કરીને આરોપીઓને જેલભેગા કરી દીધા છે એવું સાબિત કરવા આ વિગતો ફરતી કરાઈ છે.
જો કે મુખ્ય સવાલ એ છે કે, જે પોલીસે બે યુવતીઓને સલામત સ્થળે ખસેડવાના બદલે તેમને ટોળાને હવાલે કરી દીધી, તેમની નગ્નાવસ્થામાં પરેડ કરાવી અને તેમની પર ગેંગ રેપ પણ થવા દીધો એ પોલીસને કંઈ થયું કે નહીં ? આ સવાલનો જવાબ સીબીઆઈના ચાર્જશીટની ફરતી થયેલી વિગતોમાં મળતો નથી ને સરકારે તેની પણ સ્પષ્ટતા કરવી જોઈએ.
મણિપુરની ઘટનામાં ટોળાના લોકો જેટલા દોષિત છે એટલા જ દોષિત પોલીસ પણ છે. આ પોલીસે પોતાની ફરજ તો બજાવી નથી જ પણ ગેંગ રેપ અને મહિલાઓની નગ્ન પરેડ જેવા ઘૃણાસ્પદ અને ગંભીર અપરાધમાં પણ સાથ આપ્યો છે. આ પોલીસને છોડી ના શકાય. તેમને ઉઠાવીને જેલમાં નાંખવા જોઈએ ને એવી સજા થવી જોઈએ કે, એક દાખલો બેસે. સીબીઆઈએ અત્યાર સુધી તો એવું કશુ કર્યું નથી. હવે પોલીસોને પણ સજા કરાવીને સીબીઆઈ સાબિત કરે કે એ સરકારનો પાળેલો પોપટ નથી પણ ન્યાય પણ કરાવે છે.