નેશનલ

હવે આતંકવાદીઓ કોઇપણ સંજોગોમાં બચી નહી શકે…..

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પહાડી વિસ્તારમાં આતંકવાદી હુમલાઓ થઇ રહ્યા છે અને તેમાં આપણા કેટલાક જવાનો શહીદ પણ થયા છે. ત્યારે આ જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓને શોધવા માટે ચાલી રહેલા ઓપરેશનમાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અને આતંકવાદીઓ પર સતત હુમલાઓ કરવા માટે રોકેટ લોન્ચરનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે કાશ્મીર ઝોન પોલીસે એક્સ પર એક પોસ્ટ કરી હતી કે કોઇ પણ સંજોગોમાં અમે આતંકવાદીઓને છોડીશું નહીં.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આતંકવાદીઓને પકડવા માટેનું આ ઓપરેશન ત્રીજા દિવસે પણ ચાલુ છે. બુધવારે આતંકીઓ સાથેની અથડામણમાં સેનાના ત્રણ અધિકારીઓ અને એક જવાન શહીદ થયા હતા. ત્યારે હાલમાં ડ્રોન સર્વેલન્સના આધારે સુરક્ષા દળોએ આતંકીઓના છુપા સ્થાન પર મોર્ટાર શેલ છોડ્યા છે. તેમજ સુરક્ષા દળોએ વિસ્તારને સંપૂર્ણ રીતે ઘેરી લીધો છે.

સેનાની 19 રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના કમાન્ડિંગ ઓફિસર કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ધોચક, જમ્મુ-કાશ્મીર પોલીસના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ હુમાયુ ભટ્ટ અને એક જવાન બુધવારે દક્ષિણ કાશ્મીર જિલ્લાના કોકરનાગ વિસ્તારના ગડોલેમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આતંકવાદીઓ અત્યારે જંગલમાં આવેલા પર્વતોની ગુફાઓમાં છુપાયેલા છે. હેલિકોપ્ટર ગડોલના જંગલો પર ફરતા જોવા મળ્યા હતા કારણ કે સેના અને પોલીસ કર્મચારીઓએ વિસ્તારની આસપાસ ચુસ્ત ઘેરો ગોઠવી દીધો છે. દિવસભર ગોળીબારના અવાજો સંભળાયા હતા પરંતુ કોઈ જાનહાનિ થઇ નથી.

પોલીસે જણાવ્યું હતું કે તેઓએ અનંતનાગ જિલ્લામાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓને ઘેર્યા છે જ્યાં સુરક્ષા દળના ચાર જવાનો શહીદ થયા હતા. કાશ્મીર ઝોન પોલીસે એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ધોચક અને DSP હુમાયુ ભટ્ટની બહાદુરીને અમે હવે સાચી શ્રદ્ધાંજલિ આપીશું. કોઇ પણ સંજોગોમાં અમે આ આતંકવાદીઓને છોડીશું નહી અને આ અમારો મક્કમ સંકલ્પ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button