મેટિની

બોલીવૂડ સેલિબ્રિટીઝ કેવી રીતે જીવે છે સેવન સ્ટાર લાઈફસ્ટાઈલ

વિશેષ -ડી. જે. નંદન

કોઈ ફિલ્મનો પ્રમોશનલ મંચ હોય, કોઈ પાર્ટી હોય, કોઈ પ્રેસ કોન્ફરન્સ હોય કે પછી કોઈ મહત્ત્વની ઈવેન્ટ, બોલીવૂડના સ્ટાર હંમેશાં બિલકુલ નવા અને આકર્ષક રીતે પોતાને પેશ કરે છે. ભાગ્યે જ કોઈ જાણીતા બોલીવૂડ સ્ટારે કદી પહેરેલા ડ્રેસનું પુનરાવર્તન કર્યું હશે. તેઓ હંમેશાં નવા ડ્રેસમાં નજરે પડે છે અને બધા એકસેરસરીઝ પણ નવા રૂપાળા હોય છે. આ બધા ડ્રેસ લેટેસ્ટ ફેશનના હોય છે. એ કહેવાની અત્રે જરૂર નથી કે તેમના પ્રશંસકોની મોટી જમાત આ ચકાચૌંધ અંદાજ પર આફરીન થઈ જાય છે. જો કે તમને એ વાત નહીં ખબર હોય તે આ બધા ચમકવાળા ડ્રેસ પોતાની નહીં પરંતુ ભાડાથી લીધેલા હોય છે. તાજેતરમાં આયુષ્માન ખુરાનાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે બોલીવૂડ સેલેબ્સ કાયમ ટ્રેંડી વેર પરિધાન કરે છે. આ ડ્રેસ તેમના પોતાના નથી પરંતુ ભાડે લીધેલા હોય છે. જોકે ભાડે લઈને ડ્રેસ ખરીદવાનો બોલીવૂડનો સિલસીલો ૭૦ વર્ષ જૂનો છે.

મોટા કલાકારો ફિલ્મોમા અલગ સેટમાં નવા ભાડાનાં કપડાં પહેરે છે એટલું જ નહીં, પરંતુ બીજા સમારોહમાં પણ તેમના ખાસ ડિઝાઈનરોના કપડા ભાડેથી લઈને પહેરે છે. જોકે વાત ફકત કપડાં સુધી સીમિત રહી નથી. સત્ય તો એ છે કે બોલીવુડની સેલિબ્રિટીઓ દાગીના, પર્સ, બુટથી લઈને ચશ્માં પણ ભાડાનાં પહેરે છે. સામાન્ય માનવીની નજરમાં તારકો જે ‘સેવન સ્ટાર’ લાઈફસ્ટાઈલ જીવતા દેખાય છે તે હકીકત નહીં, પરંતુ વર્ચ્યુઅલ રિયાલિટી હોય છે આ તારકો કપડાં અને દાગીનાં બરાબર માપસર ભલે પહેરતા હોય, પરંતુ ૧૦૦માંથી ૯૯ મોકામાં આ ભાડાના હોય છે. આમાં પણ કોઈ બેમત નથી કે બોલીવુડ સિતારા સામાન્ય માનવી કરતાં વધુ ડ્રેસ અને એક્સેસરીઝ ખરીદે છે, પરંતુ જાહેરમાં તેઓ ભાડાની વસ્તુઓ વધારે પહેરે છે.

બોલીવૂડની જાણીતી હીરોઈન કે હીરો દિવસમાં ત્રણ વાર ઘરથી બહાર નીકળે છે ત્યારે તેમનો ડ્રેસઅપ નવો અને પહેલાથી અલગ હોય છે. આને માટે તેમની એક ટીમ છે જે તેમનો શણગાર અને સજાવટ કરે છે. આ બધો ખર્ચ તેઓને ઉપાડવો પડે છે. આથી ટીમનો ખર્ચ ઉપાડવાની સાથે નવા કપડાનો ખર્ચ કરવાનું તેમને પણ પરવડતું નથી. તારકો દિવસમાં ઓછામાં ઓછી બે વાર આખો ગેટઅપ ચેન્જ કરે છે. આજ કારણથી અનેક વર્ષોથી કલાકારો કપડાં, દાગીનાં અને એક્સેસરીઝ ભાડાની લે છે.

બુટ અને ચશ્માની ખરીદી સેલિબ્રિટીઝ માટે મુશ્કેલ નથી. જોકે દર પખવાડિયામાં બુટ અને ચશ્મા નવી ડિઝાઈન અને સ્ટાઈલના પહેરવા હોય તો એ ભાડે જ લેવા પડે. આ જ કારણથી બોલીવુડ સેલિબ્રિટી પ્રોફેશનલ કે પર્સનલ કાર્યક્રમમાં હોય કે ટાઉન શહેરના પ્રવાસે હોય ત્યારે સોર્સિંગનું એક આખું તંત્ર સાથે ચાલે છે. જેની મદદથી તેઓ વારંવાર નવા અને સ્ટાઈલિસ્ટ કપડાં પહેરે છે અને એક્સેસરીઝ કેરી કરે છે. એ પણ રસપ્રદ વાત છે કે ઐશ્ર્વર્યા રાયથી માંડીને શાહિદ કપુર અને મીરા રાજપૂત સુધીના પોતાના લગ્નમાં જે આભૂષણો પહેરે છે એ પણ ભાડાનાં હોય છે. થોડા દિવસ પહેલાં જાણીતા ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીના ઘરમાં તેમના પુત્રના મેરેજ વખતે જે મોટા ઈવેન્ટ થયા એમાં દેશવિદેશના હજારો મહાનુભાવો હાજર રહ્યા હતા. અંબાણી કુુટંબની મેરેજ સેરીમનીમાં હાજરી આપનારા બધા બોલીવૂડ સિતારા એકથી એકને ટપે એવા ટ્રેન્ડી પોશાકો સાથે મોંઘી એક્સેસરીઝ કેરી કર્યા એ ભાડાનાં છે.

જોકે બોલીવૂડના બહારના લોકોને આ વાત ગળે તરશે નહીં, તેમનો સવાલ એ છે કે મોટા ભાગના અવસરો પર ભાડાની વસ્તુઓ કેવી રીતે પહેરાય. અંબાણીના પરિવારમાં બોલીવૂડ સીતારોએ ભાડાના જ કપડાં પહેર્યા હતા. એક વાત સમજી લેવી જોઈએ કે એકટર જે નવા કપડાં પહેરે છે એમાં તેમની જોડે ફેશન ડિઝાઈનરને પણ ફાયદો થાય છે. એકટર અને એકટ્રેસ માટે ડ્રેસ ડિઝાઈન કરનાર શ્રુતિ સંચેતી કહે છે કે અમારા ગ્રાહકોમાં સેલિબ્રિટીનો હિસ્સો એક ટકા પણ નથી, પરંતુ અમારે વધુ ધ્યાન તેમના પર રાખવું પડે છે. તેમની સાથે સીધો સંબંધ અમારા વ્યવસાય સાથે છે. જ્યારે કોઈ સેલિબ્રિટી જાહેરમાં અમારા કપડાં પહેરે છે ત્યારે અમારા ઉત્પાદોની ડિમાન્ડ વધી જાય છે. આથી ફેશન ડિઝાઈનર કે જ્વેલર ઈચ્છે છે કે એકટરો અમારા કપડાં અને દાગીનાં પહેરે જેથી તેમના પ્રશંસકો અમારા કપડાં-દાગીનાં પહેરે.

આજ કારણ છે કે ફેશન ડિઝાઈનર એક-બે કે અનેક સેલિબ્રિટીને પોતાનો ગ્રાહક બનાવે છે જેથી એ તેમને માટે વિવિધ ડિઝાઈનના કપડાં બનાવી શકે. સ્ટાર તેમના ડ્રેસ પહેરે છે એટલે ફેશન ડિઝાઈનરનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રચાર થાય છે અને તેમનો બિઝનેસ વધે છે. હવે એ સ્પષ્ટ થઈ ગયું હતું કે ડિઝાઈનર પોતાના ઉત્પાદનોના વેચાણ અને સ્ટાર પોતાની પર્સનાલિટી નિખારવા સેવન સ્ટાર લાઈફસ્ટાઈલ જીવે છે. આને લીધે સિતારાઓને પબ્લિસિટી મળે છે અને ડિઝાઈનરને કરોડો રૂપિયાનો ધંધો મળે છે. આજ ફોર્મ્યુલાથી કલાકારો પોતાની સેવન સ્ટાર લાઈફસ્ટાઈલ બનાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button