શું કેમેરા પણ સિનેમામાં કિરદાર હોઈ શકે ખરો?
ફાઉન્ડ કૂટેજ ફિલ્મ્સના ઇતિહાસ અને ભવિષ્ય વિશે વધુ મજેદાર વાતો
શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા
(ભાગ – ૨)
સિનેમા ક્ષેત્રે ઓછી ખેડાયેલી અને ખાસ તો ભારતીય દર્શકોને જેની ઓછી જાણ છે તેવી મેકિંગ ટેક્નોલોજી કે ફોર્મેટ ફાઉન્ડ ફૂટેજ વિશે આપણે અમુક ઉદાહરણ સાથે ગયા સપ્તાહે વાત કરી, પણ આ ફોર્મેટની શરૂઆતથી લઈને ફિલ્મમેકર્સના વિચારો અને હોરર જોનર કે ફીચર ફિલ્મ પ્રકાર સિવાય પણ તેની હાજરી જેવા અનેક મુદ્દા પર આપણે ચર્ચા કરવાની હજુ બાકી છે. લેટ્સ કન્ટિન્યુ!
આ પદ્ધતિના મૂળ સીધી રીતે તો નહીં, છતાં સાહિત્યમાં તેની ફિલ્મ્સમાં શરૂઆત થઈ એ પહેલાં જોવા મળે છે. એપિસ્ટોલરી નોવેલ નામનો એક પ્રકાર છે. તેમાં પાત્રો વચ્ચે પત્રો દ્વારા વાતચીત થતી હોય અને આખી નોવેલ ફક્ત પત્રોના સ્વરૂપમાં જ લખાઈ હોય. મતલબ લેખક દ્વારા આખી વાર્તા સીધી જ પાત્રોના હાથમાં સોંપી દેવામાં આવે. જેમ ફાઉન્ડ ફૂટેજ ફિલ્મ્સમાં પણ કેમેરા પાત્ર સાથે જોડી દેવામાં આવે છે. આ પ્રકારની નવલકથાઓ પણ હોરર ફિક્શન જોનરમાં જ શરૂઆતના સમયમાં વધુ લખવામાં આવતી. અને એ જ કારણસર એવું માનવામાં આવે છે કે ફિલ્મ્સમાં આ પ્રકારની પ્રેરણા ત્યાંથી જ આવી.
ફાઉન્ડ ફૂટેજ પ્રકાર સૌપ્રથમ જોવા મળ્યો શર્લી ક્લાર્ક દિગ્દર્શિત ‘ધ કનેક્શન’ (૧૯૬૧)માં. ફિલ્મ બની હતી એ જ નામના નાટક પરથી. તેનું કથાબીજ કંઈક એવું હતું કે એક ફિલ્મમેકર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો કે જેઓ ડ્રગ્સની દુનિયાના શિકાર છે એમને મળે છે અને એમની સાથે વાતો કરે છે. અને આ બધી જ વાતો તે રેકોર્ડ કરે છે. જયારે આ નાટક પરથી શર્લીએ પોતાની પહેલી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું ત્યારે પરંપરાગત શૈલીના બદલે એણે ફિલ્મમેકર પાત્રના કેમેરાને જ
કેન્દ્રમાં રાખીને ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. અને એ રીતે શરૂઆત થઈ સિનેજગતમાં ફાઉન્ડ ફૂટેજ ફિલ્મ્સની. એ પછી ૧૯૬૯ની સાલમાં બની મિલ્ટન મોઝેઝ ગિન્સબર્ગ દિગ્દર્શિત ‘કમિંગ અપાર્ટ’ એ પછી બની ૭૦ના દાયકાની શરૂઆતમાં ઓર્સન વેલસ દિગ્દર્શિત ‘ધ અધર સાઈડ ઓફ ધ વર્લ્ડ’. જો કે, એ ફિલ્મ રિલીઝ થઈ શકી છેક ૨૦૧૮ની સાલમાં.
આ ત્રણે ફિલ્મ્સ બની તો ખરી, પણ તેનાથી ફાઉન્ડ ફૂટેજ પ્રકારને વધુ ફૂટેજ ન મળ્યું. આ પદ્ધતિને જેટલી પણ ખ્યાતિ મળી છે તેમાં મહત્વનું યોગદાન છે ૧૯૮૦માં રિલીઝ થયેલી રૂજેરો દિયોદાતો દિગ્દર્શિત ફિલ્મ ‘કેનિબલ હોલોકોસ્ટ’નું. આ ઇટાલિયન ફિલ્મમાં પણ આપણે વાત કરી એ ‘ધ બ્લેર વિચ પ્રોજેક્ટ’ની જેમ જ કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આમાં પણ એક ફિલ્મમેકિંગ ટીમ એમેઝોનના જંગલમાં કેનિબલ્સ ટ્રાઈબ એટલે કે મનુષ્યનું માંસ ખાતા જંગલી માણસો વિશે શૂટિંગ કરવા જાય છે અને ગાયબ થઈ જાય છે. જયારે હેરલ્ડ મનરો નામનો એક એન્થ્રોપોલોજીસ્ટ (માનવશાસ્ત્રના જ્ઞાતા) પોતાની રેસ્ક્યુ ટીમ સાથે ફિલ્મમેકિંગ ટીમને શોધવા નીકળે છે ત્યારે એને શૂટ કરેલા કેમેરામાં એમની સાથે શું બન્યું તેની ફૂટેજ મળે છે ને બસ, એ ફૂટેજ એટલે જ ફિલ્મ.
ફાઉન્ડ ફૂટેજ પદ્ધતિ કે જોનરની ફિલ્મ્સ જો કે એક નવતર પ્રયોગ ઉપરાંત બીજા કારણસર પણ મેકર્સને આકર્ષે છે. એ કારણ એટલે ફિલ્મનું બજેટ. પ્રોડ્યુસર્સ માટે જો ફિલ્મ આ પદ્ધતિથી બનતી હોય તો સામાન્ય કરતાં કેમેરા સાધનોની ઓછી જરૂર પડે. સેટ પર લાઇટિંગ વગેરેની ધમાલ ઓછી કરવી પડે. એમ પણ મોટાભાગે હોરર ફિલ્મ્સ હોય એટલે એ સ્વાભાવિક જ લાગે. મેકિંગ અને વિષય જ એવો હોય કે ફિલ્મનું શૂટિંગ પણ સામાન્ય કરતાં ઘણા ઓછા દિવસોમાં પૂરું થઈ જાય, જેમ કે ‘ધ બ્લેર વિચ પ્રોજેક્ટ’નું શૂટિંગ ફક્ત આઠ જ દિવસમાં પૂરું થઈ ગયું હતું. મતલબ આ પદ્ધતિની માંગ પ્રમાણે એમના માટે ફિલ્મ ઓછા ખર્ચે બની જતી હોય છે. જો કે આ પદ્ધતિને વખોડવાવાળા એવું પણ કહે છે કે અમુક લોકો પોતાની ફિલ્મમેકિંગની ઓછી આવડતને છુપાવવા આ પદ્ધતિનો ઉપયોગ કરે છે, જયારે ફિલ્મ ખરેખર સિનેમેટિક રીતે દર્શકો સમક્ષ કશુંક નવું રાખતી હોવી જોઈએ એટલે એક બહુ જ મોટો દર્શકોનો અને ઇન્ડસ્ટ્રીનો વર્ગ છે જે ફાઉન્ડ ફૂટેજ તકનીકનો વિરોધ કરે છે અને કહે છે કે એ સિનેમા માટે હાનિકારક છે.
અલબત્ત, આ જોનરના ફિલ્મમેકર્સનું કહેવું અલગ છે. ‘પેરાનોર્મલ એક્ટિવિટી’ના દિગ્દર્શક ઓરેન પેલીનું કહેવું છે કે આ પ્રકારમાં દર્શકોને ફિલ્મ તરફ ખેંચવાની અલગ જ ક્ષમતા છે. અહીં દર્શકોને એવું લાગે કે પોતે ફિલ્મ નથી જોઈ રહ્યા, પણ એ ખુદ એમની સામે સાચે જ બની રહેલી એક ઘટનાનો અંશ છે. ‘ક્લોવરફિલ્ડ’ (૨૦૦૮) નામની આ જોનરની ફિલ્મના દિગ્દર્શક મેટ રિવ્ઝનું કહેવું છે કે ફાઉન્ડ ફૂટેજ ફિલ્મ બનાવવી પણ ચેલેંજિંગ કામ છે. તેમાં વાસ્તવિકતા અને સિનેમેટિક નેરેટિવ બંનેનું માપસર મિશ્રણ રાખવું ખૂબ જરૂરી છે અને એટલે જ એ સચવાય ત્યારે ફિલ્મ ખૂબ જ પ્રભાવી બને.
પહેલી ભારતીય ફાઉન્ડ ફૂટેજ ફિલ્મ ‘લવ, સેક્સ ઔર ધોખા’ થકી દિગ્દર્શક દિબાકર બેનર્જીએ આ જોનરમાં એ ઉપરાંત પણ ઘણી નાવીન્યતા ઉમેરી છે. દિબાકરે બદલાયેલા સમય સાથે ફૂટેજના સ્ત્રોતને પણ બદલીને ફિલ્મ કેમેરાના બદલે સીસીટીવી કેમેરા, ડીએસએલઆર, સ્ટિંગ ઓપરેશન કેમેરાના વપરાશની શરૂઆત ભારતમાં કરી બતાવી છે. દિબાકર બેનર્જીનું કહેવું છે કે આ બદલાવ થકી હું આ જોનરમાં વાર્તાની દ્રષ્ટિએ સમાજ અને મીડિયા પ્રત્યેનો દ્રષ્ટિકોણ પણ ઉમેરી શકું છું. આ ઉપરાંત હજુ એક પ્રયોગ જે દિબાકર બેનર્જીએ કર્યો એ છે એન્થોલોજી ફિલ્મ્સ. એક જ ફિલ્મમાં ત્રણ ફિલ્મ્સનો સમાવેશ. હમણાં રિલીઝ થયેલી ‘લવ, સેક્સ ઔર ધોખા ૨’માં પણ એન્થોલોજી જોવા મળે છે.
લવ, સેક્સ ઔર ધોખા’ પછી પણ ભારતમાં આ જોનરની ફિલ્મ્સ બની છે કે આ પદ્ધતિનો વત્તે ઓછે અંશે વપરાશ ફિલ્મ્સમાં થયો છે. આ ફિલ્મ્સની યાદીમાં છે : ‘રાગીણી એમએમએસ’ (૨૦૧૧), ‘અ કવેશન માર્ક’ (૨૦૧૨), ‘ધ લાસ્ટ હોપ’ (૨૦૧૨), ‘વાઝિયે’ (૨૦૨૨), વગેરે. અને રહી વાત ફીચર ફિલ્મ્સ અને હોરર જોનર સિવાય પણ આ પદ્ધતિના ઉપયોગની તો હોરર સિવાય ક્રાઇમ અને એક્શન ફિલ્મ્સ ઘણી બની ચૂકી છે અને બનતી રહી છે. અને એના પરથી બીજા જોનરમાં નવીન રીતે આ પદ્ધતિનો ઉપયોગ થાય એવા કિસ્સાઓ પણ ભવિષ્યમાં નોંધાશે જ એવી શક્યતા છે.
ફીચર ફિલ્મ્સ સિવાય ટીવી શોઝ, મ્યુઝિક વીડિયોઝ, વેબ શોઝના ફોર્મેટમાં પણ ફાઉન્ડ ફૂટેજ જોવા મળે જ છે. પણ તેના વિશે વિગતે વાત ફરી ક્યારેક.
લાસ્ટ શોટ
ફાઉન્ડ ફૂટેજ ફિલ્મ્સમાં મુખ્યત્વે ફર્સ્ટ પર્સન પર્સ્પેક્ટિવ, સર્વેલન્સ ફૂટેજ, સ્યુડો ડોક્યુમેન્ટરી, ન્યુઝ ફૂટેજ, સ્ક્રીન ફૂટેજ અને મોક્યુમેન્ટ્રી એમ છ પ્રકારની પદ્ધતિ વપરાય છે.