ચોરેલાં વાહનો વેચી મારવાનું રેકેટ: ત્રણ આરટીઓ અધિકારી સહિત નવ પકડાયા
થાણે: ચોરેલાં વાહનોના એન્જિન અને ચેસીસ નંબર બદલ્યા બાદ તેને વેચી મારવાનું રેકેટ થાણે પોલીસે પકડી પાડીને ત્રણ આરટીઓ અધિકારી સહિત નવની ધરપકડ કરી હતી. આરોપીઓએ ચોરેલાં રૂ. 5.5 કરોડની કિંમતના 29 વાહનો જપ્ત કરવામાં આવ્યાં હતાં.
અન્ય રાજ્યોમાંથી ચોરાયેલાં વાહનોની મહારાષ્ટ્રમાં બનાવટી દસ્તાવેજોને આધારે નોંધણી કરવામાં આવી રહી હોવાની માહિતી મળ્યા બાદ થાણે ક્રાઇમ બ્રાન્ચે તપાસ આદરી હતી.
પોલીસ ટીમે ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કર્યા બાદ મળેલી માહિતીને આધારે મુખ્ય આરોપી જાવેદ અબ્દુલ્લા શેખ ઉર્ફે મનિયારને છત્રપતિ સંભાજીનગર ખાતેથી ઝડપી પાડ્યો હતો.
આરોપી તેના સાથીદારો સાથે મળીને અન્ય રાજ્યોમાંથી ચોરેલાં વાહનોના એન્જિન અને ચેસીસ નંબર બદલી દેતો હતો. વાહનોની ત્યાર બાદ નાગપુર અને અમરાવતી રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (આરટીઓ) ખાતે નોંધણી કરવામાં આવતી હતી.
પોલીસે આ પ્રકરણે અમરાવતીના આસિસ્ટન્ટ આરટીઓ અધિકારી, મોટર ટ્રાન્સપોર્ટ ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ મોટર ટ્રાન્સપોર્ટ ઇન્સ્પેક્ટરની પણ ધરપકડ કરી હતી.
આરોપીઓએ આવાં વાહનોની નોંધણીને મંજૂરી આપી હતી અને તેની વિગતો પોર્ટલ પર અપલોડ કરી હતી, જેથી લોકો માને કે આવાં વાહનોમાં કોઇ સમસ્યા નથી.
મુખ્ય આરોપી જાવેદ વિરુદ્ધ નવી મુંબઈ, થાણે, મીરા-ભાયંદર, ધુળે અને ઔરંગાબાદ આવા ગુના દાખલ છે. એ સિવાય ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં પણ તે આવા ગુનામાં સંડોવાયેલો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)