‘પત્ની અચલા સચદેવ જેવું શરમાતી નથી’
૧૮ વર્ષની ઉંમરે પહેલી જ ફિલ્મમાં માનો રોલ કર્યા પછી પાંચ દાયકાની કારકિર્દીમાં બહેન, માતા અને દાદીનો રોલ કરનારાં અભિનેત્રી ‘અય મેરી ઝોહરાજબી’ ગીતથી અવિસ્મરણીય બન્યાં
હેન્રી શાસ્ત્રી
(ડાબેથી) ‘વક્ત’નો યાદગાર રોલ અને ‘બમ્બઈ કા બાબુ’માં દેવ આનંદની માતાની ભૂમિકા
હિન્દી ફિલ્મ ઈતિહાસ ઉથલાવતી વખતે અનેક મજેદાર તથ્યો નજર સામે આવે છે. જૂની રંગભૂમિના ઈતિહાસમાં ‘નાયક’ લોકોની હાજરી ઊડીને આંખે વળગે છે. એ જ રીતે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બોલપટ દોર શરૂ થવા પૂર્વે અને ત્યારબાદ પણ થોડાં વર્ષો સુધી દેસાઈ લોકોનું (ખાસ કરીને ગુજરાતી) યોગદાન ખાસ્સું જોવા મળે છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસમાં ૧૯૩૮ના વર્ષની નોંધ કલકત્તાની ન્યૂ થિયેટર્સ ફિલ્મ કંપનીની બે યાદગાર ફિલ્મ ‘સ્ટ્રીટ સિંગર’ (બાબુલ મોરા નૈહર છૂટો હી જાય) અને ‘ધરતી માતા’ (દુનિયા રંગરંગીલી બાબા)ના રિલીઝ વર્ષ તરીકે તેમ જ જયંત દેસાઈ, ધીરુભાઈ દેસાઈ, રમણિક દેસાઈ, ચીમનલાલ દેસાઈ અને કીકુભાઈ દેસાઈ એમ પાંચ દેસાઈ દિગ્દર્શકની ફિલ્મ રિલીઝ વર્ષ તરીકે પણ જાણીતું છે. ધીરુભાઈ દેસાઈની ‘ફેશનેબલ વાઈફ’ નામની રિલીઝ થયેલી ફિલ્મથી અચલા સચદેવ નામનાં અભિનેત્રીની કારકિર્દીનો પ્રારંભ થયો હતો. ફિલ્મ રસિકો જેમને મન્ના ડેના અવિસ્મરણીય ગીત ‘અય મેરી ઝોહરાજબી’ ગીતથી વધુ ઓળખે છે એ અચલા સચદેવની આજે જન્મ જયંતી (ત્રણ એપ્રિલ, ૧૯૨૦) છે અને ત્રીજી મે તેમની પુણ્યતિથિ છે એ નિમિત્તે તેમની ફિલ્મ સફરની કેટલીક મજેદાર વાતો જાણીએ અને માણીએ.
- અભિનયની આવડત નહીં પણ ચહેરાના રૂપરંગ જોઈ કલાકારોને અને વિશેષ તો અભિનેત્રીઓને રોલ આપવામાં આવતા એ દોરમાં અચલા સચદેવને પહેલી જ ફિલ્મ ‘ફેશનેબલ વાઈફ’માં ૧૮ વર્ષની ઉંમરે માતાનો રોલ ઓફર થયો અને પૈસાની જરૂરિયાતને કારણે તેમણે એ સ્વીકારી પણ લીધો. અચલાજીનો ચહેરો રૂપાળો નહોતો, પણ એમાં ગજબની માસૂમિયત હતી અને એ જ કારણે તેમને માતુશ્રીનો રોલ મળ્યો હોવો જોઈએ. જોકે, એ ફિલ્મથી એવો સિક્કો પડી ગયો કે હિરોઈન બનવાનો વિચાર તડકે મૂકી દેવામાં આવ્યો અને બહેન, મા અને દાદી – નાનીના રોલમાં જ કારકિર્દીએ આકાર લીધો. ‘ફેશનેબલ વાઈફ’માં સિમ્પલ મધરનો રોલ કરનારા અચલા સચદેવએ કારકિર્દીના અંત ભાગમાં કરણ જોહરની ‘કભી ખુશી કભી ગમ’માં અમિતાભ બચ્ચનની માતા અને શાહરુખ – રીતિકની દાદીનો રોલ કર્યો હતો.
- જોગાનુજોગ કેવો છે જુઓ. એક વરિષ્ઠ ફિલ્મ વિવેચકે નોંધ્યું છે કે ‘જે દિવસે અચલા સચદેવનું અવસાન થયું એ જ દિવસે કોઈ ટીવી ચેનલ પર મન્ના ડેને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ જ મના ડે એ ‘વક્ત’ માટે ગાયેલું ‘અય મેરી ઝોહરાજબી, તુજે માલુમ નહીં, તૂ અભી તક હૈ હસીં ઔર મૈં જવાં, તુજ પે કુરબાન મેરી જાન, મેરી જાન’ અચલા સચદેવની કારકિર્દીનું સૌથી અને કદાચ એકમાત્ર ક્યારેય નહીં વિસરાય એવું પરફોર્મન્સ છે. અચલાજીએ ૨૦૦થી વધુ ફિલ્મ કરી હોવાની નોંધ છે, પણ અચલાજીનો ઉલ્લેખ થતા ‘વક્ત’ના આ ગીત સિવાય બીજું કોઈ ઉદાહરણ નજર આંખ સામે નથી તરવરતું. હા, ક્યારેક તેમનો ચહેરો સુલોચનાજીનું સ્મરણ કરાવે છે, પણ તેમની હાજરીમાં શાલીનતા છે. તેઓ પડદા પર ક્યારેય પ્રભાવી નથી લાગ્યા ને એટલે જ અનેક ફિલ્મો કરી હોવા છતાં બહુ ઓછા સ્મરણમાં રહ્યાં છે. ગીતમાં અચલાજી પોતાની તારીફ સાંભળી જે રીતે શરમાઈ જાય છે એને કારણે આ ગીત સાંભળ્યા પછી તેમનો ચહેરો સ્મરણપટ પર કાયમ માટે અંકિત થઈ જાય છે.’ ગીતમાં અચલાજીની અદાકારી એ હદે પ્રભાવી રહી હતી કે અનેક પુરુષો તેમની પાસે આવતા અને મીઠી ફરિયાદ કરતા કે તેઓ અનેક વાર તેમની પત્નીઓને ‘વક્ત’ જોવા લઈ ગયા હતા, પણ અચલાજીની જેમ શરમાઈ જતા તેમને ક્યારેય આવડ્યું નહીં. તારીફનો પુલ નહીં તારીફનું નગર કહેવું પડે એવી આ પ્રશંસા છે.
- અભિનેત્રીની કારકિર્દી સાથે કેટલીક રસપ્રદ બાબત સંકળાઈ છે. ૧૯૩૮ની ‘ફેશનેબલ વાઈફ’માં કામ કર્યા પછી ૧૯૫૮માં આવેલી ‘ફેશનેબલ વાઈફ’માં પણ અચલા સચદેવની હાજરી હતી. મજાની વાત તો એ છે કે બંને ફિલ્મમાં હિરોઈનની માતાનો રોલ તેમણે કર્યો છે. એકસરખું નામ અને એક સરખો રોલ જેવું સામ્ય બીજું જડવું મુશ્કેલ છે. બીજી એક મજેદાર વાત છે કે અચલાજીએ ૧૯૫૦માં આવેલી ‘દિલરુબા’માં દેવ આનંદની બહેનનો રોલ કર્યો હતો. આ એ સમયની ફિલ્મ છે જેમાં પડદા પર હિરોઈન રેહાના પછી દેવ આનંદનું નામ આવે છે. દેવ સાહેબની બહેનનો રોલ કર્યા પછી ‘મંઝિલ’, ‘બમ્બઈ કા બાબુ’ જેવી ફિલ્મોમાં તેમણે દેવ સાબની માતાનો રોલ કર્યો હતો.
- લાગણીપ્રધાન માતા કે સહનશીલતાની મૂર્તિ જેવી માતાના રોલમાં અચલા સચદેવ વધુ શોભે છે એવી માન્યતા બંધાઈ ગઈ હતી. એમના ચહેરા પર કાયમ નજરે પડેલો સૌમ્ય ભાવ અને કારુણ્ય માટે તેમણે અંગત જીવનના અનુભવ જવાબદાર હોવાનું કારણ આપ્યું હતું. અચલાજીનો જન્મ અખંડ ભારતના લાહોર શહેરમાં થયો હતો. આઝાદી મળી એ પહેલાના કારમા અને કપરા કાળમાં તેમના મુસ્લિમ મિત્રોએ જ લાહોરમાં ફાટી નીકળેલા હુલ્લડ વખતે તેમનું રક્ષણ કર્યું હતું. ૧૧ ઓગસ્ટ, ૧૯૪૭ના દિવસે અચલાજી અને તેમનો પરિવાર લાહોર છોડી દિલ્હી પહોંચ્યો હતો. દિલ્હીમાં ભયંકર નરસંહાર જોઈ તેઓ ખૂબ ડઘાઈ ગયાં અને એ દ્રશ્યોએ તેમના દિલ દિમાગ પર ઘેરી અસર કરી હતી. આ કારણસર તેઓ કેમેરા સામે સહેલાઈથી આંસુ સારી લાગણીભીના થઈ શકતાં હોવાની કબૂલાત તેમણે કરી હતી.
- અચલાજી સમયપાલનના જબરા આગ્રહી હતા. રાજેશ ખન્ના સાથેની એક ફિલ્મના શૂટિંગ દરમિયાન મેકઅપ કર્યા પછી ચાર કલાક રાહ જોવી પડી હોવાથી તેઓ ખૂબ અકળાયાં હતાં. આવું સતત ચાલુ રહ્યું એટલે અચલાજી ફિલ્મ છોડી પૂના જતાં રહ્યાં હતાં. આ વાતની
રાજેશ ખન્નાને જાણ થતા તેમણે માફી માગતો પત્ર અચલાજીને લખ્યો અને એ મળ્યા
પછી અચલા સચદેવ આવ્યાં અને ફિલ્મ પૂરી કરી હતી. (અચલા સચદેવની વધુ રસિક વાત આવતા હપ્તે)