સ્પોર્ટસ

ચીફ સિલેક્ટર આગરકરે હાર્દિકના બચાવમાં અને રાહુલ, રિન્કુ, ગિલની બાદબાકી વિશે શું કહ્યું?

મુંબઈ: આવતા મહિને અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાનારા ટી-20 વર્લ્ડ કપ માટેની ટીમ જાહેર થઈ એ પહેલાંના દિવસોમાં કયા ખેલાડીને સિલેક્ટ કરવા જોઈએ એ વિશે જાત જાતના સૂચનો થતા હતા અને અટકળો પણ ખૂબ થઈ હતી. હવે જ્યારે ટીમની જાહેરાત થઈ ગઈ છે ત્યારે ફલાણા ખેલાડીને કેમ લીધો અને ઢીકણાને કેમ ન લીધો એવા મંતવ્યો આવી રહ્યા છે અને ટીકા-ટિપ્પણ પણ થઈ રહી છે.

જોકે ચીફ સિલેક્ટર અજિત આગરકરે ગુરુવારે વાનખેડે સ્ટેડિયમમાં પત્રકારો સાથેની વાતચીતમાં ખેલાડીઓના સિલેક્શન અને નૉન-સિલેક્શન વિશે ખુલાસા કરી દીધા હતા. આ પત્રકાર પરિષદમાં ભારતીય ટીમનો કૅપ્ટન રોહિત શર્મા પણ હાજર હતો.

ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર આગરકરે ખાસ કરીને ઑલરાઉન્ડર અને વર્લ્ડ કપ માટે વાઇસ-કૅપ્ટનપદે નિયુક્ત હાર્દિક પંડ્યાના સિલેક્શનનો બચાવ કર્યો હતો. આગરકરે કહ્યું, ‘હાર્દિક જો રમવા માટે પૂર્ણપણે ફિટ હોય તો તેને છોડીને બીજો કોઈ વિકલ્પ છે જ નહીં. બીજું, તેના સમાવેશથી ટીમ ઘણી સંતુલિત થઈ ગઈ છે.’

આઇપીએલની વર્તમાન સીઝનમાં હાર્દિકના સુકાનમાં મુંબઈ ઇન્ડિયન્સ અત્યારે ખૂબ નાજુક સ્થિતિમાં છે. હાર્દિક ભારત વતી છેલ્લે ઑક્ટોબર, 2023માં વન-ડેના વર્લ્ડ કપમાં બાંગલાદેશ સામેની મૅચમાં રમ્યો હતો. તેને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી અને આઇપીએલની શરૂઆત પહેલાં તે ફરી મેદાન પર આવી ગયો હતો.

આપણ વાંચો: ભારતની ટી-20 વર્લ્ડ કપ ટીમના ખેલાડીઓ આઇપીએલમાં કેવું રમ્યા?

આગરકરે હાર્દિકના સંબંધમાં વધુ પૂછાતાં કહ્યું, ‘અમે હાર્દિકની વાઇસ-કૅપ્ટન્સીના મુદ્દે ખાસ કંઈ ચર્ચા કરી જ નહોતી. તે મુંબઈ ઇન્ડિયન્સ વતી બધી મૅચ રમ્યો છે અને વર્લ્ડ કપને હજી મહિનાનો સમય છે. તે ફિટ હોય તો તેના જેવો બીજો કોઈ વિકલ્પ હોય જ નહીં. અમને ખાતરી છે કે તે બોલિંગની બાબતમાં પણ સુધારો કરશે. ખાસ કરીને તે કૅપ્ટન રોહિતને ટીમ બૅલેન્સ્ડ બનાવવામાં ખૂબ મદદરૂપ બની રહેશે.’

કેએલ રાહુલને વર્લ્ડ કપ ટીમમાં સ્થાન ન મળ્યું એ વિશે તેમ જ રિન્કુ સિંહ તથા શુભમન ગિલને 15 ખેલાડીઓની મુખ્ય ટીમને બદલે રિઝર્વ ખેલાડીઓની ટીમમાં સામેલ કરાયો એ સંબંધમાં પૂછવામાં આવેલા સવાલના જવાબમાં આગરકરે કહ્યું, ‘રાહુલ ખૂબ જ સારો ખેલાડી છે. જોકે અમે મિડલ-ઑર્ડરના સ્પેશિયલ બૅટરની તલાશમાં હતા, જ્યારે રાહુલ ટૉપ-ઑર્ડરનો બૅટર છે. અમને લાગે છે કે સંજુ સૅમસન નીચલા ક્રમની બૅટિંગમાં ખૂબ ઉપયોગી થશે.

રિષભ પંત પાંચમા નંબર પર બૅટિંગ કરે છે એટલે તે પણ મદદરૂપ થશે. બન્ને વિકેટકીપર બહુ સારા બૅટર પણ છે. ટૅલન્ટેડ બૅટર રિન્કુ સિંહને 15 ખેલાડીઓની ટીમની બહાર રાખવાનો નિર્ણય લેવાનું અમારા માટે ખૂબ મુશ્કેલ થઈ ગયું હતું. અમારી (સિલેક્શન કમિટીની) ચર્ચામાં રિન્કુના મુદ્દે નિર્ણય લેવાનું કામ સૌથી કઠિન હતું.

શુભમન ગિલની બાબતમાં પણ એવું જ બન્યું હતું. વધુ બે સ્પિનર સમાવીને અમે રોહિતને વધુ વિકલ્પો આપ્યા છે. અમારે વધારાનો બોલર લેવો હતો એટલે રિન્કુ અને ગિલને 15ની ટીમમાં ન સમાવ્યા. અમારી પાસે ઘણા વિકલ્પો હતા, છેવટે અમારે માત્ર 15ને જ સિલેક્ટ કરવાના હતા.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button