IPL 2024સ્પોર્ટસ

ગાયકવાડને કેમ ન લીધો? ગિલ ફ્લૉપ છે છતાં કેમ સિલેક્ટ કર્યો?: ક્રિષ્ણામાચારી શ્રીકાંતના બે પૉઇન્ટ-બ્લૅન્ક સવાલ

ચેન્નઈ: જૂનના ટી-20 વર્લ્ડ કપ માટેની ટીમમાં ઇન્ફૉર્મ-બૅટર ઋતુરાજ ગાયકવાડને ન લેવા બદલ અને શુભમન ગિલ ફૉર્મમાં ન હોવા છતાં રિઝર્વ ખેલાડીઓના લિસ્ટમાં સમાવવા બદલ ભૂતપૂર્વ ભારતીય ઓપનર ક્રિષ્ણામાચારી શ્રીકાંતે સિલેક્ટર્સની અને ક્રિકેટ બોર્ડની ટીકા કરી છે.

બુધવારે પંજાબ સામેની મૅચમાં ગાયકવાડે વધુ એક હાફ સેન્ચુરી (62 રન) ફટકારી અને એ સાથે તે આઇપીએલની વર્તમાન સીઝનના ટોચના બૅટર્સમાં વિરાટ કોહલીના સ્થાને મોખરે થઈ ગયો હતો અને ઑરેન્જ કૅપ તેના માથે આવી ગઈ હતી. બુધવારની મૅચને અંતે કોહલીના 500 રન સામે ગાયકવાડે 509 રન સાથે નંબર-વનનું સ્થાન પોતાના નામે કરી લીધું હતું. ગાયકવાડનો 10 મૅચમાં પર્ફોર્મન્સ આ મુજબ રહ્યો છે: 15, 46, 1, 26, 67, 69, 17, 108, 98 અને 62.

ગાયકવાડનો સ્ટ્રાઇક-રેટ (દર 100 બૉલ દીઠ બનાવેલા રન) 146.68 છે. આઇપીએલમાં રમી રહેલા ભારતીય ઓપનર્સમાં તેના 509 રન શુભમન ગિલ (320) અને રોહિત શર્મા (315) અને યશસ્વી જયસ્વાલ (249) કરતાં ઘણા વધુ છે.
એમ છતાં ચેન્નઈની ટીમના સુકાની ગાયકવાડને વર્લ્ડ કપની ટીમમાં તેમ જ ચાર પ્લેયરના રિઝર્વ્ડ લિસ્ટમાં સ્થાન નથી મળ્યું. શુભમન ગિલે 320 રન બનાવ્યા છે અને ગાયકવાડ કરતાં ઘણા ઓછા હોવા છતાં તેને રિઝર્વ્ડ લિસ્ટમાં સામેલ કરાયો છે.


કે. શ્રીકાંતે પોતાની યૂટ્યૂબ ચૅનલ પર કહ્યું છે, ‘શુભમન ગિલ જરાય ફૉર્મમાં નથી એમ છતાં તેને વર્લ્ડ કપના રિઝર્વ્ડ પ્લેયર્સના લિસ્ટમાં સ્થાન અપાયું છે. ગાયકવાડ વર્લ્ડ કપની ટીમમાં હોવો જ જોઈતો હતો. તેણે છેલ્લા 17 ઇન્ટરનૅશનલ ઇનિંગ્સમાં 500થી વધુ રન બનાવ્યા જેમાં ઑસ્ટ્રેલિયા સામેની એક સેન્ચુરી પણ સામેલ છે. શુભમન ગિલ તો સિલેક્ટર્સનો મનગમતો ખેલાડી છે. તે નિષ્ફળ જાય તો પણ તેને સિલેક્ટ કરવામાં આવે છે પછી ભલે ટેસ્ટ હોય કે વન-ડે કે ટી-20. સિલેક્શનની બાબતમાં તરફેણવાદ ચાલી રહ્યો છે. ટીમ સિલેક્શન એટલે જ તરફેણવાદ.’

2023ના વન-ડે વર્લ્ડ કપમાં કેએલ રાહુલ સિલેક્ટર્સ માટે વિકેટકીપર તરીકે સૌથી પહેલી પસંદગી જેવો હતો, પરંતુ આગામી વિશ્ર્વકપ માટેની ટીમમાં તે પણ નથી. આઇપીએલની વર્તમાન સીઝનમાં તેના નામે કુલ 406 રન છે. તેણે 11 કૅચ પકડવા ઉપરાંત બે સફળ સ્ટમ્પ-આઉટ પણ કર્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button