Covid vaccine row: Covishield લીધા બાદ દીકરીનું મૃત્યુ થયું હોવાનો માતા-પિતાનો દાવો, સીરમ ઇન્સ્ટિટ્યૂટ પર કેસ કરશે
નવી દિલ્હી: વેક્સીન બનાવનાર કંપની એસ્ટ્રાઝેનેકા(AstraZeneca)એ બ્રિટનની કોર્ટમાં સ્વીકાર્યું કોવિડ-19ની વેક્સીનને કારણે લોહી ગંઠાઈ જવા(Blood Clotting) જેવી આડઅસર થઇ શકે છે, ત્યાર બાદ દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે. ભારતમાં વેક્સીનની તાપાસ માટે સમિતિ રચવા ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. કથિત રીતે કોવિશિલ્ડ વેક્સીન આપ્યા બાદ મૃત્યુ પામેલી યુવતીના માતા-પિતાએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા(SII) સામે કોર્ટમાં અરજી કરવા તૈયારી કરી છે.
એક મીડિયા અહેવાલ મુજબ જુલાઈ 2021 માં કોવિશિલ્ડ વેક્સીન લીધા બાદ કરુણ્યા નામની યુવતીનું મૃત્યું થયું હતું. કરુણ્યાના પિતા વેણુગોપાલન ગોવિંદને જણાવ્યું હતું કે અસંખ્ય જાનહાનિ થયા બાદ એસ્ટ્રાઝેનેકાનું નિવેદન આવવામાં મોડું થઇ ગયું છે.
તેમણે કહ્યું કે AstraZeneca અને SII એ આ રસીઓનું ઉત્પાદન અને પુરવઠો બંધ કરી દેવો જોઈએ, કારણ કે આ વેક્સીન લોન્ચ કર્યાના થોડા મહિનાની અંદર લોહીના ગંઠાવાથી મૃત્યુ હવેવળ મળ્યા હતા, 15 યુરોપીયન દેશોએ રસીને સસ્પેન્ડ કરી દીધી હતી.
રિટ પિટિશનમાં, માતા-પિતા વળતરની વિનંતી કરી રહ્યા છે, તેમની પુત્રીના મૃત્યુની શક્ય તેટલી વહેલી તકે તપાસ કરવા માટે નિષ્પક્ષ મેડિકલ બોર્ડની નિમણૂક કરવામાં અને તપાસના તારણો સુધી પહોંચવાની વિનંતી કરી રહ્યા છે.
બાળકીના પિતાએ જણાવ્યા મુજબ, સરકાર અને વેક્સીન બનાવનારી કંપનીએ પૂરતા પુરાવા આપ્યા વિના વેક્સીન સલામત અને અસરકારક હોવાના દાવા સાથે અધધ નાણાકીય ખર્ચે સમગ્ર દેશમાં કોવિડ શોટ્સનું માર્કેટિંગ કર્યું. રસીના જોખમો વિશે ડેટા બહાર આવ્યો ત્યારે પણ સરકારે તેને રોકવા માટે દરમિયાનગીરી કરી ન હતી, તે બધા મારી પુત્રીના અને અસંખ્ય અન્ય લોકો કે જેઓ આ કહેવાતી રસી લીધા પછી મૃત્યુ પામ્યા છે તેના માટે દોષી છે.
વેણુગોપાલન ગોવિંદનની પુત્રી કારુણ્યાના અવસાનની તપાસ માટે સરકાર દ્વારા રચવામાં આવેલી સમિતિએ જણવ્યું હતું કે તેનું મૃત્યુ રસીના કારણે થયું હોવાનું તારણ કાઢવા માટે પૂરતા પુરાવા નથી.
આ અંગે SII એ જણાવ્યું કે તેઓ આ બાબતે હાલ ટિપ્પણી કરશે નહીં.