નવી દિલ્હી: હિંદુ લગ્ન(Hindu Marriage)ની નોંધણી અંગે સુપ્રીમ કોર્ટે(Supreme court) મહત્વનો ચુકાદો સંભળાવ્યો હતો. એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે હિંદુ લગ્ન એ એક સંસ્કાર છે અને તે “સોંગ-ડાન્સ” કે “વાઈનીંગ-ડાયનીંગ”નો પ્રસંગ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો જરૂરી વિધિઓ કરવામાં આવી ન હોય તો હિંદુ લગ્ન માન્ય નહીં ગણાય અને આવા લગ્નની નોંધણી માન્ય નહીં ગણાય. સુપ્રીમ કોર્ટે હિંદુ મેરેજ એક્ટ 1955 હેઠળ હિંદુ લગ્નની નોંધણી માટે કાયદાકીય જરૂરિયાતો અને વિધિની પવિત્રતા અંગે સ્પષ્ટ કરી.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે હિંદુ લગ્નને માન્ય કરવા માટે, લગ્ન સપ્તપદી જેવા યોગ્ય સંસ્કારો અને વિધિઓ સાથે કરવામાં આવે અને વિવાદોના કિસ્સામાં આ સમારોહ પુરાવો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી. નાગરથનાએ ચુકાદામાં કહ્યું કે, હિંદુ લગ્ન એ એક સંસ્કાર છે, જેને ભારતીય સમાજમાં એક મૂલ્યવાન સંસ્થા તરીકેનો દરજ્જો મળવો જોઈએ. આ કારણોસર, અમે યુવક-યુવતીઓને વિનંતી કરીએ છીએ કે લગ્નની સંસ્થામાં પ્રવેશતા પહેલા તેના વિશે ઊંડાણપૂર્વક વિચાર કરો અને ભારતીય સમાજમાં આ સંસ્થા કેટલી પવિત્ર છે તેના વિષે વિચાર કરો.
જસ્ટિસ બી. નાગરથનાએ કહ્યું, લગ્ન એ ‘નાચ-ગાન’ અને ‘પીવા અને જમવાનું’ અથવા દહેજ અને ભેટોની માંગણી અને વસ્તુઓની આદાનપ્રદાન કરવાનો પ્રસંગ નથી. લગ્ન એ કોઈ વ્યાપારી વ્યવહાર નથી, તે ભારતીય સમાજ માટે એક મહત્વપૂર્ણ આયોજન છે, જે એક પુરુષ અને સ્ત્રી વચ્ચેના સંબંધને સ્થાપિત કરવા માટે ઉજવવામાં આવે છે, જે પતિ-પત્નીનો દરજ્જો પ્રાપ્ત કરશે.