નવી દિલ્હીઃ એક તરફ કોવિશિલ્ડ બનાવતી કંપની AstraZenecaએ બ્રિટનની કોર્ટમાં કરેલી વેક્સિનની આડઅસરની કબૂલાત બાદ ભારતમાં વિપક્ષોએ મોદી સરકાર પર પ્રહારો કરવાનું શરૂ કર્યું છે ત્યારે બીજી બાજુ કોરોનાની વેક્સિન લીધા બાદ મળતા સર્ટિફિકેટમાંથી મોદીનો ફોટો ન દેખાતા ચર્ચા જાગી હતી. જોકે આ મામલે આરોગ્ય ખાતાએ સ્પષ્ટતા કરી છે કે ચૂંટણીની આચારસંહિતાને લીધે વડા પ્રધાનનો ફોટો હાલમાં દેખાતો નથી.
અગાઉ દરેક સર્ટિફિકેટ પર મોદીનો ફોટો હતો અને તેમાં સૂત્ર લખવામાં આવ્યું હતું કે ભારત એક સાથે કોવિડ-19ને હરાવશે. હાલમાં તેમનું નામ અને ફોટો સર્ટિફિકેટમાં દેખાતા નથી, તેમ ઘણા અહેવાલોમાં જણાવાવમાં આવ્યું હતું.
આરોગ્ય ખાતાએ એમ પણ જણાવ્યું છે કે વર્ષ 2022માં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવા વિધાનસભાની ચૂંટણી સમયે પણ આ ફેરફાર કરવામાં આવ્યા હતા.
AstraZeneca કંપની જેણે કોવિડશિલ્ડ વેક્સિન બનાવી છે, તેણે યુકે કોર્ટમાં એક કેસની સુનાવણી સમયે સ્વીકાર્યું હતું કે કોરોનાની વેક્સિનની આડઅસર તરીકે Thrombosis with Thrombocytopenia Syndrome (ટીટીએસ) એટલે કે શરીરમાં લોહીના ગંઠા જામી જવાની સંભાવના છે. આ અહેવાલો આવ્યા બાદ ભારતના લોકોમાં પણ ભય ફેલાયો હતો. જોકે તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ પ્રકારે કોઈ ગભરાટ રાખવાની જરૂર નથી.
દરમિયાન ગઈકાલથી અમુક નેટ યુઝર્સના ધ્યાનમાં આવ્યું હતું કે કોવિન સર્ટિફિકેટમાંથી વડા પ્રધાનનો ફોટો ગાયબ છે. તેમણે સોશિયલ મીડિયા પર પણ આ સર્ટિફિકેટ પૉસ્ટ કરતા આ વાત વાયરલ થઈ હતી. ત્યારબાદ આરોગ્ય ખાતાની સ્પષ્ટતા આવી હતી કે લોકસભાની આચારસંહિતાને કારણે તેમનો ફોટો સર્ટિફિકેટ પર દેખાતો નથી. ચૂંટણી પંચના નિયમો અનુસાર આ નિયમો ફરજિયાતપણે લાગુ પડે છે.
અગાઉ જ્યારે 2021માં મોદીનો ફોટો સર્ટિફિકેટમાં ઉમેરવામાં આવ્યો હતો. હાલમાં કોવિશિલ્ડ વેક્સિન મામલે વિપક્ષોએ મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા અને કોરોનાની મહામારીના વ્યવસ્થાપનમાં મોદી સરકારે ડબલ્યુએચઓની માર્ગદર્શિકાને અનુસરી ન હોવાનુ અને આ સાથે ખાનગી કંપનીઓને કરોડો રૂપિયા આપી સરકારી સંસ્થાને કોરોનાની વેક્સિનનું પ્રોડક્શન ન આપતા ખાનગી કંપનીઓને આપ્યાનો આક્ષેપ કર્યો હતો.
જોકે ભાજપના ગુજરાત ડોક્ટર સેલે કૉંગ્રેસ પર ભ્રમ ફેલાવવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે નિષ્ણાતોના જણાવ્યા અનુસાર વેક્સિન લેનારાઓએ ગભરાવાની જરૂર નથી.