તમને ઑફલાઈન રહેવાની લક્ઝરી પરવડે એમ છે ?
મેલ મેટર્સ -અંકિત દેસાઈ
આજકાલ ઈન્ટરનેટ પર એક વાક્ય બહુ વાંચવા મળે છે કે ‘ઑફલાઈન ઈઝ ધ ન્યૂ લક્ઝરી’. આનું ગુજરાતી કરવું હોય તો એમ કરી શકાય કે ‘આજકાલ ઑફલાઈન રહેવું એ નવી રઈશી છે! ’
જો કે, આનાં કારણ પણ છે. એક રિપોર્ટ તો એમ પણ કહે છે કે આજના ટેક્નોલોજીના સમયમાં જે માણસ આર્થિક રીતે ઝાઝો સક્ષમ નથી એને આ રઈશી પરવડે એમ પણ નથી. ઑફલાઈન રહેવાની રઈશી મુકેશ અંબાણી- ગૌતમ અદાણી કે સોનિયા ગાંધી જેવા લોકો જ માણી શકે એમ છે, જેમને જીવનમાં પૈસા કમાવાનો કોઈ સંઘર્ષ નથી બાકી, આપણા જેવા એ તો વોટ્સેપ પર કે ઈન્સ્ટાગ્રામ પર કે શેર બજારની એપ્સ પર સવાર થઈને મચી પડવું પડે છે અને ઑફિસમાં ડેસ્કટોપ પર કે લેપટોપ પર ઢગલો કામ હોય એ વધારાનું !
આમ છતાં કોઈ પણ કારણોસર ઓનલાઈન રહેવાની આ વૃત્તિ કે જીવનશૈલી આજના માણસને માનસિક અને વૈચારિક રીતે અત્યંત ખોખલો કરી રહી છે, કારણ કે ઓનલાઈન રહેવાને કારણે એ વર્ચ્યુઅલ વર્લ્ડમાં એવો વ્યસ્ત થઈ ગયો છે કે આજનો માણસ એના વર્તમાનને માણી જ નથી શકતો. બલ્કે હવેની એક પેઢીને તો ખબર જ નથી કે મોબાઈલ વિના પ્રવાસ કરી શકાય છે અથવા તો મોબાઈલ વિના જમવા બેસી શકાય છે કે અમસ્તા જ કોઈ પણ કામ વિના પરિવાર સાથે બેસીને ગપ્પાં મારી શકાય !
એક રિપોર્ટ તો એમ કહે છે કે દર વર્ષે પ્રવાસનમાં દુનિયામાં અબજો રૂપિયા ખર્ચાય છે અને લોકો પોતાના ઘરથી કિલોમીટર્સનો પ્રવાસ કરે છે છતાં તેમને બ્રેક મળતો નથી અથવા તો એ લોકો પ્રવાસની કોઈ યાદો પોતાના અંતરમાં ઉતારી શકતા નથી, કારણ કે પ્રવાસમાં પણ એ લોકો મોબાઈલમાં વ્યસ્ત હોય છે અથવા તો પોતાનું કામ સાથે લઈને આવતા હોય છે. આ કારણે એ બધા વર્ચ્યુઅલ વર્લ્ડમાં તો એવું બતાવતા હોય છે કે એ પ્રવાસમાં છે અને સારી લાઈફ સ્ટાઈલ સાથે જીવે છે, પરંતુ આવા લોકો જુદા પ્રદેશની ભુગોળ, ત્યાંની સંસ્કૃતિ કે ત્યાંનો ખોરાક આત્મસાત કરી શકતા નથી. એને કારણે પ્રવાસનો જે સકારાત્મક માનસિક પ્રભાવ મન પર પડવો જોઈએ એ પડતો નથી.
વળી, એવું પણ નથી કે જે લોકો સતત લેપટોપ કે ડેસ્કટોપ પર પોતાના કામમાં વ્યસ્ત રહે છે એમના કામમાં સારી એવી ભલીવાર હોય! સંશોધન એમ પણ કહે છે કે સતત સ્ક્રીનની સામે રહેવાના કારણે અને વાસ્તવ જગતથી એમનો સંપર્ક તૂટી જવાને લીધે આવા લોકો મનમાં અત્યંત ગૂંચવાતા રહે છે. એમની નિર્ણયશક્તિ અત્યંત નબળી પડી જતી હોય છે તેમજ એમનું વ્યવહારુ જ્ઞાન અત્યંત નબળું પડી જતું હોય છે. આ કારણે એ બધા નાની નાની વાતોમાં ગોથાં ખાવા માંડે છે કે પછી નાદાન લોકોના જેવું વર્તન કરે છે.
આમ સતત વર્ચ્યુઅલ જગતમાં રહેવાને કારણે મન પર જે તણાવ સર્જાય, મનમાં જે ખાલીપો સર્જાય છે. અગાઉ કહ્યું એમ આજે ઓનલાઈન રહેવું એ અસ્તિત્વનો પ્રશ્ર્ન છે. સોશિયલ મીડિયાને છોડી દઈએ તો પણ માણસ એક યા અન્ય પ્રકારે ઓનલાઈન રહેવા કે સ્ક્રીનની સામે બેસવા માટે મજબૂર થયો છે.
અને એટલે જ એક્સપર્ટ્સ કહે છે કે આજના માણસે સ્ક્રીન મેનેજમેન્ટ શીખવું પડશે. આ વિશે એણે અત્યંત સ્પષ્ટ થઈ જવું પડશે કે દિવસમાં કેટલો સમય અને કઈ રીતે સ્ક્રીન પર રહેવું છે આ માટે એણે અમુક ગણતરી કરી લેવી પડશે કે જો વખાના માર્યા એણે અમુક કામ સ્ક્રીન પર કરવાના જ છે તો કેટલી ઝડપે અને કેટલી એકાગ્રતાથી એણે પોતાનું કામ કરવું છે. આજનો માણસ આ મેનેજમેન્ટમાં પાવરધો થઈ ગયો તો આપોઆપ સ્ક્રીન પર એનો સમય વેડફાતો બંધ થઈ જશે અને એ વાસ્તવ જીવનમાં વધુ રસ લેતો થઈ જશે, જેને કારણે તેનું અંગત જીવન અને સામાજિક જીવન અત્યંત સરસ રીતે ચાલશે અને ખાસ તો એની માનસિક સ્થિતિ સારી રહેશે. આમ એક સ્ક્રિન મેનેજમેન્ટ આપણા માટે અનેક સુખનો રસ્તો ખોલી આપશે.