પ્રજ્વલ સેક્સકાંડ, ભાજપની સંસ્કૃતિ બ્રિગેડ ચૂપ કેમ?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
કર્ણાટકમાં લોકસભાની પહેલા તબક્કાની ચૂંટણી પહેલાં જ બહાર આવેલા પ્રજ્વલ રેવન્નાના સેક્સ કૌભાંડે ખળભળાટ મચાવી દીધો છે. દેવેગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાના લગભગ ૩,૦૦૦ જેટલા સેક્સ વીડિયોની આખી પેન ડ્રાઈવ ફરતી થઈ ગઈ પછી. પ્રજ્વલ રેવન્ના તો જર્મની ભાગી ગયો પણ કર્ણાટકમાં કકળાટ મચ્યો છે. પ્રજ્વલના ૨૦૦થી વધુ અશ્ર્લીલ વીડિયો વાઇરલ થતાં કર્ણાટકમાં રાજકીય ગરમી વ્યાપી છે. આ વાયરલ વીડિયોમાં દેખાતી મહિલાઓ નગ્નાવસ્થા કે અર્ધનગ્નાવસ્થામાં છે અને રડતાં રડતાં પોતાને છોડી દેવા માટે વિનંતી કરી રહી છે જ્યારે પ્રજ્વલ બેશરમ બનીને વીડિયો શૂટ કરી રહ્યો છે.
પ્રજ્વલની પાર્ટી જેડીએસ સાથે ભાજપનું જોડાણ છે તેથી ભાજપના નેતા બરાબરના ભેરવાઈ ગયા છે. પ્રજ્વલની વિરુદ્ધ પણ બોલી શકાય તેમ નથી ને બચાવ પણ કરી શકાય તેમ નથી. જેડીએસની હાલત પણ એવી છે પણ તેમનો પ્રજ્વલનો બચાવ કર્યા વિના છૂટકો નથી કેમ કે પ્રજ્વલ જેડીએસના મુખિયા અને ભૂતપૂર્વ વડા પ્રધાન દેવગૌડાનો પૌત્ર છે.
જેડીએસ તો બેઉ બાજુથી ભેરવાયો છે કેમ કે પ્રજ્વલની સાથે તેનો ધારાસભ્ય બાપ એચ.ડી. રેવન્ના પણ હવસખોરીના ખેલમાં ફસાયો છે. બાપ-દીકરા સામે તેમની નોકરાણીએ જાતિય શોષણ કરવાનો કેસ નોંધાવ્યો છે. હાસનના હોલેનરસીપુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી પોલીસ ફરિયાદ પ્રમાણે, રેવન્ના પોતાની પત્નિ બહાર જાય ત્યારે કામવાળીને બોલાવીને બળજબરીથી શરીર સંબધ બાંધતો હતો. રેવન્ના બીજી કામવાળીઓ સાથે પણ અશ્ર્લીલ હરકતો કરતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. પ્રજ્વલ તેના બાપની હવસનો ભોગ બનેલી કામવાળીની દીકરીને વીડિયો કોલ કરીને અશ્લીલ હરકતો કરતો હતો.
લોકસભાની ચૂંટણી માથે છે એટલે જનતા દળ (સેક્યુલર)એ પ્રજ્વલ રેવન્નાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધો છે પણ દેવગૌડા પરિવાર બેશરમીથી રેવન્નાનો બચાવ તો કરી જ રહ્યો છે. કુમારસ્વામીએ એલાન કર્યું છે કે, તપાસ પૂરી ન થાય ત્યાં સુધી પ્રજ્વલ રેવન્નાને સસ્પેન્ડ કરવામાં આવે છે કેમ કે અમે ક્યારેય ખોટું કરનારનો બચાવ કર્યો નથી. કુમારસ્વામીએ સફાઈ ઠોકી છે કે,
આ વિવાદમાં પૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાનું નામ લેવું ખોટું છે અને કૉંગ્રેસ અમારા પરિવારમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહી છે. પ્રજ્વલના પિતા એચડી રેવન્નાએ તો દાવો કર્યો છે કે, પ્રજ્વલને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે અને જે વીડિયો જાહેર કરાયા છે તે ૪-૫ વર્ષ જૂના છે.
કુમારસ્વામી અને રેવન્ના બંને કેટલા હલકા છે તેનો પુરાવો તેમનાં નિવેદનો છે. ભલા માણસ, વીડિયો ૪-૫ વર્ષ જૂના છે તો શું થઈ ગયું? તારો છોકરો દૂધનો ધોયેલો થઈ ગયો? કુમારસ્વામી દેવગૌડાનું નામ ઢસડવું ખોટું છે એવી વાતો કરે છે પણ દેવગૌડા કેમ મોંમાં મગ ઓરીને બેઠા છે એ બોલતા નથી. પ્રજ્વલનાં કરતૂકોની વિગતો પહેલાં પણ બહાર આવેલી છે ને છતાં પ્રજ્વલને દેવગૌડાએ જ ટિકિટ આપી એ જોતાં દેવગૌડા પણ દોષિત છે જ.
પ્રજ્વલ રેવન્ના અને તેના બાપાના સેક્સ કાંડ મુદ્દે ભાજપ પણ ચૂપ છે અને તેમની ચૂપકીદી ભારતમાં રાજકારણીઓના દંભનો વરવો નમૂનો છે. આપણા નેતા મહિલાઓના સન્માન સહિતના મુદ્દે મોટી મોટી વાતો કરે છે પણ વાસ્તવમાં તેમના માટે આ બધી વાતો રાજકીય ફાયદો લેવાથી વધારે કંઈ નથી. એ લોકો મહિલાઓના સન્માનની કિંમત પણ અપરાધ કરનાર કોણ છે તેના આધારે નક્કી કરે છે.
કૉંગ્રેસે ભૂતકાળમાં ઘણી વાર એવું કર્યું છે ને ભાજપ અત્યારે એ જ કરી રહ્યો છે. રેવન્નાની હવસખોરીનો આખો પટારો ખૂલી ગયો છે ને ભાજપનો નેતા હરામ બરાબર એક શબ્દ બોલવા તૈયાર નથી. ભાજપની સંસ્કૃતિ બ્રિગેડને પ્રજ્વલના સેક્સ કાંડથી સંસ્કૃતિ પર ખરો લાગતો નથી. મુસલમાનો તમારી સંપત્તિ છિનવી લેશે ને હિંદુ બહેન-દીકરીઓનાં મંગળસૂત્ર છિનવી લેશે એવી વાતો કરનારા પ્રજ્વલ રેવન્નાએ હજારો બહેન-દીકરીઓની ઈજ્જત લૂંટી લીધા એ અંગે કશું બોલવા તૈયાર નથી.
રાહુલ ગાંધીએ લોકસભામાં આંખ મારી એવો ખોટો હોબાળો કરી નાંખનારી ભાજપની મહિલાઓના સન્માનની વાતો કરનારી સ્મૃતિબાઈ આણિ મંડળી બિલકુલ ચૂપ છે. પ્રજ્વલ રેવન્નાની હવસનો ભોગ બનેલી મહિલાઓની કોઈ કિંમત જ ના હોય એ રીતે ભાજપની બહેનો વર્તી રહી છે. કૉંગ્રેસ કે બીજા કોઈ પક્ષનો નેતા આવા કાંડમાં પકડાયો હોત તો એ લોકોએ આખું ગામ માથે લીધું હોત પણ અત્યારે એ લોકોના મોંમાંથી કરવા ખાતર પણ પ્રજ્વલ રેવન્નાની ટીકા નથી નીકળી રહી. કારણ? પ્રજ્વલ રેવન્ના અત્યારે ભાજપની પંગતમાં બેઠેલો છે. ભાજપ અને જેડીએસનું કર્ણાટકમાં જોડાણ છે તેથી પ્રજ્વલ રેવન્ના વોશિંગ મશીનમાં નંખાયા વિના જ શુદ્ધ થઈ ગયેલો છે.
કર્ણાટકમાં લોકસભાની ૨૮ બેઠકો છે. તેમાંથી ૧૪ બેઠકોની ચૂંટણી થઈ ગઈ ને ૧૪ બેઠકોની ચૂંટણી બાકી છે. આ ૧૪ બેઠકો પર પોતાનું તપેલું સાવ ના ચડી જાય એટલે ભાજપે કુમારસ્વામીને કહીને પ્રજ્વલને જેડીએસમાંથી સસ્પેન્ડ તો કરાવી દીધો પણ આ નાટક છે. પ્રજ્વલ દેવગૌડાનો પૌત્ર છે તેથી દેવગૌડાનો પરિવાર તેને લાત મારીને બહાર તેડી મૂકે એ વાતમાં માલ નથી. પ્રજ્વલના પાપનો આખો પટારો ખૂલી ગયા પછી પણ કુમારસ્વામી આણિ મંડળી કૉંગ્રેસનું કાવતરું ગણાવીને બચાવ કરતી હોય તો તેમની પાસેથી બીજી શું અપેક્ષા રખાય? ચૂંટણી પતશે એટલે પ્રજ્વલની પાલખી ઉંચકીને ફરવાના જ છે ને પ્રજ્વલ પણ આજે નહીં તો કાલે પાછો આવવાનો જ છે.
ભાજપ માટે તો શરમજનક વાત એ છે કે, ભાજપના જ એક નેતા દેવરાજ ગૌડાએ ભાજપની નેતાગીરીને પ્રજ્વલનાં કરતૂતો વિશે ચેતવેલા. પ્રજ્વલની હજારો સેક્સ સીડી ફરી રહી છે ને તેની હવસખોરીથી પ્રજા ત્રાહિમામ્ છે એવો પત્ર દેવરાજે પ્રદેશ ભાજપ પ્રમુખ બી.વી. વિજયેન્દ્રને લખેલો. વિજયેન્દ્રે આવી ગંભીર વાત તરફ હાઈકમાન્ડનું ધ્યાન દોર્યું જ હોય એ છતાં હાઈકમાન્ડ જેડીએસ સાથે જોડાણ કર્યું તેનો મતલબ શો? એ જ કે, ભાજપને આવી હવસખોરી સામે કોછ છોછ નથી ને પાપ છાપરે ચડીને ના પોકારે ત્યાં સુધી ગમે તેવા પાપીને પણ પડખામાં ભરીને ફરવામાં ભાજપને શરમ નથી આવતી.