સગીરે પોતે જ પોતાનું કરાવ્યું અપહરણ, પિતા પાસે માંગી 30 લાખ રૂપિયાની ખંડણી
બિહારના મુંગેરમાં બનેલી એક વિચિત્ર ઘટનામાં એક સગીર વયના યુવકે પોતે જ પોતાનું અપહરણ કરી તેનો ઇન્સ્ટાગ્રામ પર વીડિયો અપલોડ કર્યો, ત્યારબાદ તેણે તેના પિતા પાસે 30 લાખ રૂપિયાની ખંડણી માગી. તે પોતે જ અપહરણકર્તાની જેમ પિતા સાથે રૂપિયા બાબતે વાટાઘાટો કરતો અને તેમની વચ્ચે 8 લાખ રૂપિયામાં ડીલ ફાઇનલ થઇ હતી. આ પછી સગીરે પોલીસ સ્ટેશન પહોંચી સરેન્ડર પણ કરી લીધું અને તમામ વિગતો પોલીસને જણાવી દીધી હતી.
મુંગેરના હરદિયાબાદમાં રહેતા સંજયકુમાર ગુપ્તા વ્યવસાયે એલઆઇસી એજન્ટ છે. બુધવારે સાંજે તેઓ કામકાજથી ઘરે આવ્યા ત્યારે પરિવારજનોએ પુત્ર ઘરે ન આવ્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે આસપાસમાં પૂછપરછ કરતા પણ તેનો પતો લાગ્યો ન હતો. થોડા સમય બાદ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમને એક વીડિયો મળ્યો જેમાં હાથ બાંધેલી હાલતમાં પુત્રએ પોતાનું અપહરણ થયું હોવાનું જણાવ્યું હતું. તેમજ અપહરણકર્તા 30 લાખ રૂપિયાની ખંડણી માગી રહ્યા હોવાનું વીડિયોમાં પુત્રએ જણાવ્યું હતું. વીડિયો જોઇને ગભરાઇ ગયેલા પિતાએ 8 લાખ રૂપિયા આપવા તૈયાર થઇ ગયા હતા. અને બીજી બાજુ તેમણે સ્થાનિક પોલીસ સ્ટેશને જઇને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ આખી રાત સગીરના દોસ્તો તેમજ અન્ય લોકો સાથે પૂછપરછ હાથ ધરી હતી.
જો કે આખી ઘટનામાં ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે અપહ્યત સગીરે પોતે પોલીસ સ્ટેશનમાં હાજર થઇને સરેન્ડર કર્યું હતું. તેણે પોલીસને જણાવ્યું હતું કે તેણે તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક મારપીટનો વીડિયો પોસ્ટ કર્યો હતો. જેના લીધે અંગત અદાવતમાં તેના વિસ્તારના કેટલાક યુવકો તેને મારવા માટે શોધી રહ્યા હતા. તેમના ડરને કારણે તે તેના એક પરિચિત વ્યક્તિ પાસે જતો રહ્યો હતો. અને તેમની મદદ લઇને તેણે પોતે પોતાનું અપહરણ કરાવ્યું અને તેનો વીડિયો બનાવી પિતાને મોકલાવ્યો હતો.
જો કે સમગ્ર કેસ હજુ તપાસ હેઠળ છે અને પોલીસે જણાવ્યું છે કે સગીર વારંવાર તેનું નિવેદન બદલી રહ્યો છે. સરેન્ડર બાદ તેને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ પાસે મોકલી દેવાયો છે.