નેશનલ

હવે આ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશવા માટે નક્કી કરવામાં આવ્યો ખાસ ડ્રેસ કોડ

ઉજ્જૈન: વિશ્વ પ્રસિદ્ધ બાબા મહાકાલના મંદિરમાં શ્રીના ગર્ભગૃહમાં VIP અને સામાન્ય ભક્તોનો પ્રવેશ પુન: શરૂ કરવા બાબતે શ્રી મહાકાલ મહાલોકના કંટ્રોલરૂમ ખાતે કલેક્ટર અને શ્રી મહાકાલેશ્વર વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ કુમાર પુરુષોત્તમની અધ્યક્ષતામાં શ્રી મહાકાલેશ્વર વ્યવસ્થાપન સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણય અનુસાર જે રીતે VIP ભક્તો ગર્ભગૃહમાં પ્રવેશ કરતી વખતે ભારતીય પોશાક પહેરે છે, એ જ રીતે હવે સામાન્ય ભક્તોએ પણ ગર્ભગૃહમાં પ્રવેશ મેળવવા માટે ભારતીય પોશાક પહેરવો પડશે, ત્યાર બાદ જ તેમને પ્રવેશ આપવામાં આવશે. ગર્ભગૃહમાં પ્રવેશ કરો. મેળવી શકશે.

બેઠક દરમિયાન કલેક્ટર કુમાર પુરૂષોત્તમે આ બાબતે વાત કરતાં જણાવ્યું હતું કે અત્યાર સુધી મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં સામાન્ય ભક્તો માટે પ્રવેશ માટે કોઈ ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો નહોતો. દરમિયાન વીઆઈપી ભક્તો સિવાય હવે સામાન્ય ભક્તોએ પણ જો ગર્ભગૃહમાં પ્રવેશ કરવો હશે તો ભારતીય વસ્ત્રો પરિધાન કરવા પડશે. પુરૂષોને ધોતી-કુર્તા અને સોલા પહેરીને જ પ્રવેશ આપવામાં આવશે, જ્યારે મહિલાઓ માટે સાડી ફરજિયાત કરવામાં આવી છે. આ સિવાય 10 વર્ષ સુધીની છોકરીઓ માત્ર સલવાર પહેરીને જ ગર્ભગૃહમાં પ્રવેશ મેળવી શકશે. જીન્સ, શર્ટ, ટી-શર્ટ, પેન્ટ પહેરીને કોઈ પણ ભક્તને ગર્ભગૃહમાં પ્રવેશવા પર સમિતી દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.


અત્રે ઉલ્લેખનીય છે કે શ્રાવણ મહિનામાં કુલ બે કરોડથી વધુ ભક્તોએ બાબા મહાકાલના દર્શન કર્યા હતા. અઢી મહિના બાદ હવે વિશ્વ પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં ભક્તોને ફરી પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે, જેના માટે એક પ્રક્રિયા તૈયાર કરવામાં આવી રહી છે. આ પહેલાં ભૂતકાળમાં ગર્ભગૃહમાં પ્રવેશ માટેની જે પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી તેમાં હવે ફેરફાર કરવામાં આવ્યા છે. કાર્તિક મંડપમ અને ગણેશ મંડપમથી બાબા મહાકાલના દર્શનાર્થે આવતા ભક્તોને ગર્ભગૃહની મુલાકાત લેવાના કારણે કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો કરવો ન પડે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ટૂંકમાં કહીએ તો આશરે એક અઠવાડિયા બાદ ભક્તોને ગર્ભગૃહમાં જઈને બાબાના દર્શન કરવાની મંજૂરી આપવામાં આવશે.


આ ઉપરાંત આ જ બેઠક દરમિયાન એક બીજો મહત્ત્વનો નિર્ણય એવો પણ લેવામાં આવ્યો હતો કે જે રીતે ઉજ્જૈનના લોકોને આધાર કાર્ડ બતાવીને અવંતિકા દ્વારથી બાબા મહાકાલના વહેલા દર્શન કરાવવામાં આવે છે, એ જ રીતે લગભગ 300થી 400 ભક્તો માટે મફત ભસ્મ આરતી કરવામાં આવે. આ બાબતે સર્વસંમતિના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત ટૂંક સમયમાં ઉજ્જૈનના લોકો દર મંગળવારે મફત ભસ્મ આરતીની સુવિધાનો લાભ લઈ શકશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button