ઉદ્ધવ ઠાકરે પર દેવેન્દ્ર ફડણવીસનો સૌથી મોટો પ્રહાર…
મુંબઈ: મહારાષ્ટ્ર દિન નિમિત્તે નાગપુર ખાતે કસ્તુરચંદ પાર્ક ખાતે યોજવામાં આવેલી પરેડમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા હતા અને પરેડની સલામી લીધી હતી. જોકે, આ દરમિયાન તેમણે વિપક્ષ પર પણ આકરા પ્રહાર કર્યા હતા.
ફડણવીસે ખાસ કરીને ઉદ્ધવ ઠાકરેની ટીકા કરી હતી અને કહ્યું હતું કે એક વ્યક્તિ છે તે ખૂબ બડબડ કરે છે અને જે વ્યક્તિ વારંવાર બડબડ કરતી હોય તો તેનો જવાબ આપવો જરૂરી નથી હોતો. સતત બોલબોલ કરતી વ્યક્તિનું સ્થાન ક્યાં હોય છે તે મારે કહેવાની જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે મંગળવારે ઉદ્ધવ ઠાકરેએ ભાજપની ટીકા કરતા જણાવ્યું હતું કે જેમાંથી ભાજપનું નિર્માણ થયું તે જનસંઘે 1950માં શરૂ થયેલા મહારાષ્ટ્ર રાજ્યના નિર્માણ માટે શરૂ થયેલા સંઘર્ષમાં ભાગ લીધો નહોતો.
સંયુક્ત મહારાષ્ટ્રના સ્વતંત્રતા સંગ્રામમાં ભાજપના મૂળ પક્ષ જનસંઘે કોઇ ભાગ લીધો નહોતો. મારા દાદા પ્રબોધનકાર ઠાકરે, પિતા બાળાસાહેબ ઠાકરે અને કાકા શ્રીકાંત ઠાકરે આ સંઘર્ષમાં સૌથી મોખરે હતા. આ ઉપરાંત તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા વખતે વધુમાં વધુ લોકોએ મતદાન કરવા માટે આગળ આવવું જોઇએ, તેમ કહી લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી.
તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચે મંગળવારે આંકડા બહાર પાડ્યા તેનાથી મતદાનની ટકાવારી ઓછી થઇ હોય તેવું નથી જણાતું. એટલે લોકોએ વધુમાં વધુ મતદાન કરવા માટે આગળ આવવું જોઇએ. મત આપવો એ તમારો અધિકાર છે.