કોવિશિલ્ડનું પ્રોડક્શન સરકારી સંસ્થાને ન આપતા ખાનગી સંસ્થાને શા માટે આપ્યું?: કૉંગ્રેસ
અમદાવાદઃ કોવિશિલ્ડ બનાવતી કંપની એસ્ટ્રાઝેનેકા-ઓક્સફોર્ડ દ્વારા બ્રિટનની કોર્ટમાં થયેલી કબૂલાત બાદ ભારતમાં આ વેક્સિન લેનારા કરોડો લોકોમાં ભય વ્યાપ્યો છે ત્યારે કૉંગ્રેસે આ મામલે કેન્દ્ર સરકારની ટીકા કરી છે. રાજ્યસભાના સાંસદ અને પક્ષના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કેન્દ્ર સરકારને અમુક સવાલો કર્યા હતા અને તેમના પર આક્ષેપો કર્યા હતા.
તેમણે કેન્દ્ર સરકારને સવાલ કરતા જણાવ્યું કે ભારતની સેન્ટ્રલ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ 118 વર્ષ જૂની સંસ્થા છે. તે વેક્સિન બનાવે છે, પ્રોડ્યુસ કરે છે અને કોઈપણ ખાનગી કરતા વધારે માત્રામાં તે પ્રોડક્શન કરવા સક્ષમ છે. બીજા વિશ્વ યુદ્ધ પછી આ સંસ્થામાંથી બનેલી વેક્સિન દુનિયામાં ગઈ હતી અને તેની પ્રશંસા પણ થઈ હતી. પોલિયો, શિતળા, ટીબી વગેરે માટેની વેક્સિન પણ આ સંસ્થાએ બનાવી છે. આ સંસ્થાને કોરોનાની વેકિસનના પ્રોડક્શનનું કામ ન આપતા સરકારે ખાનગી લેબોરેટરીને આપ્યું. આ કંપનીઓ પાસે જરૂરી માળખાગત સુવિધાઓ ન હોવા છતાં કેન્દ્ર સરકારે તેમને આ કામ સોંપ્યું અને સુવિધાઓ વિકસાવવા કરોડો રૂપિયા એડવાન્સમાં આપ્યા હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. સરકાર પાસે પોતાની ગર્વ લેવા જેવી સંસ્થા હોવા છતાં શા માટે ખાનગી સંસ્થાઓને આ કામ સોંપવામાં આવ્યું, તેવો સવાલ તેમણે કર્યો હતો.
તેમણે ભાજપ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે આ ખાનગી કંપનીઓને આ કોન્ટ્રાક્ટ આપવા માટે પક્ષે તેમની પાસેથી સીધી કે આડકતરી રીતે જે કંઈ ભંડોળ લીધું છે તેની જાણકારી જનતાને આપે અને તે ભંડોળ દેશની તિજોરીમાં જમા કરે. આ સાથે તેમણે કોરોનાની વેક્સિન લીધા બાદ જેમના પણ મૃત્યુ થયા છે, તેમને વળતર આપવામાં આવે, તેવી માગણી પણ કરી હતી.
શક્તિસિંહ ગોહિલે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે કોરોનાની મહામારી સમયે ઉતાવળમાં વેક્સિન બનાવવાની જરૂર પડી ત્યારે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશને તમામ દેશોને તાકીદ કરી હતી કે આ વેક્સિન ઝડપથી બની હોય આની અસરો પર તમામ દેશ નજર રાખે. આ સાથે 2023માં સંસ્થાએ ફરી દુનિયાના દેશોને ઈમરજન્સી ગાઈડલાઈન આપી કે તેઓ રસીની અસરે મોનિટર કરે. તેમ છતાં ભારતમાં કોઈ ડેટા કલેક્શન કરવામા આવ્યું નહીં અને લોકોની હેલ્થનું જે મોનિટરિંગ થવું જોઈએ તે થયું નહીં. તેમણે કહ્યું કે અમે રાજ્યસભામાં ઝીરો અવર્સમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો કે અમારા ગુજરાતમાં યુવાનો હૃદયરોગની મરી રહ્યા છે તો કોઈ પગલાં લેવામાં આવે, પણ સરકારે જવાબ આપ્યો નહીં. ગોહિલે ભાજપ સરકારને ઝાટકતા એમ પણ કહ્યું કે દેશભરમાં કોવિશિલ્ડના 205 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા જ્યારે ગુજરાતમાં 10.53 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા અને તેનો શ્રેય ભાજપ સરકાર એમ કહી લેતી હતી કે અમે મફતમાં વેક્સિન આપી છે, પરંતુ તે મફત ન હતી દેશની તિજોરીમાંથી નાણા ખર્ચી આપવામાં આવી હતી, તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.
આ આક્ષેપો બાદ ભાજપના ડૉક્ટર્સ સેલે પત્રકાર પરિષદની જાહેરાત કરી હતી. તો જોતા રહો મુંબઈ સમાચાર અને જાણો કે તેમણે શું આપી પ્રતિક્રિયા