હીરામંડીની ‘મલ્લિકાજાન’નું સંતુલન બગડ્યું, ગઇ વિદેશ

મનીષા કોઈરાલા સંજય લીલા ભણસાલીની મેગ્નમ ઓપસ સિરીઝ “હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર”માં લીડ રોલમાં છે. તે મલ્લિકાજાનનું પાત્ર ભજવી રહી છે. આ રોલ એટલો ઇન્ટેન્સ છે કે મનીષાને આ પાત્ર ભજવવા માટે જેટલી તૈયારી કરવી પડી હતી તેના કરતાં વધુ મહેનત આ રોલમાંથી બહાર આવવા માટે કરવી પડી હતી. મનીષાએ તાજેતરમાં આ વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે આ પાત્રે તેના પર કેટલી ઊંડી છાપ છોડી હતી. તેમાંથી બહાર આવવું તેના માટે મુશ્કેલ બની ગયું હતું. મનીષાને વિદેશ જવું પડ્યું જેથી તે મલ્લિકાજાનના પાત્રને પાછળ છોડી શકે અને તેને ભૂતકાળ બનાવી શકે. તે સ્વિટ્ઝર્લેન્ડ ગઈ હતી અને તેણે ત્યાં થોડા દિવસો વિતાવ્યા અને પાછી આવી હતી. મનીષાના કહેવા પ્રમાણે તેના માટે પોતાને સમજાવવું મુશ્કેલ હતું કે હવે સિરીઝનું શૂટિંગ સમાપ્ત થઈ ગયું છે અને તે અસલી મલ્લિકાજાન નથી.
હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં મનીષાએ કહ્યું હતું કે- હું એ જ પાત્રમાં રહી, મલ્લિકાજાનનું પાત્ર મારી સાથે ચાલુ રહ્યું. મારે આ કહેવું છે. મલ્લિકાજાનનું પાત્ર મારા માટે ઘણું નવું હતું. આ પાત્ર મારી સાથે મારા ઘરે જતું. સિરીઝનું શૂટ પૂરું થયું , પણ હું મલ્લિકાજાનમાંથી બહાર નીકળી શકી નહીં. જ્યારે મારા શૂટિંગનો છેલ્લો દિવસ પૂરો થયો, ત્યારે હું તરત જ સ્વિસ આલ્પ્સ પર જવા રવાના થઇ ગઇ. મેં ત્યાં જઈને ટ્રેકિંગ કર્યું અને આસપાસ ફરી. હું સ્વિટ્ઝર્લેન્ડ ગઈ જેથી હું નોર્મલ બની શકું, મલ્લિકાજાનમાંથી બહાર આવી શકું.
‘હું મારા મિત્રો સાથે હતી, પરંતુ હું નિશ્ચિતપણે કહી શકતી નથી કે મેં તેમની સાથે સામાન્ય રીતે વર્તન કર્યું કે નહીં. મલ્લિકાજાનના પાત્રમાં હું એટલી બધી ખોવાઇ ગઇ હતી કે હું મારો બધો સમય એ પાત્રમાં જ વિતાવતી હતી. હું મલ્લિકાજાન તરીકે જ રહેવા માંડી હતી. એ પાત્રમાંથી બહાર આવવા માટે મારે ખૂબ જ મહેનત કરવી પડી હતી. મારે મારી જાતને મનાવવાનું હતું કે બહુ થયું, એ પ્રકરણ હવે બંધ થઈ ગયું છે. હવે તારી વાસ્તવિક દુનિયામાં પાછી આવ.’
અભિનેત્રી મનીષા કોઈરાલા 28 વર્ષ પછી સંજય લીલા ભણસાલી સાથે કામ કરી રહી છે. હીરામંડી ટ્રેલર લૉન્ચ ઇવેન્ટ દરમિયાન તેણે જણાવ્યું હતું કે તે સંજય લીલા ભણસાલી સાથે કામ કરવા માટે કેટલી બધી ઉત્સુક હતી. તે 28 વર્ષથી આ દિવસની રાહ જોતી હતી કે તેને ફરી ભણસાલી સાથે કામ કરવાની તક મળે. તેની રાહ હવે પૂરી થઈ ગઈ છે. મનીષાએ ભણસાલી સાથે 1996માં ફિલ્મ ‘ખામોશી’માં કામ કર્યું હતું. હિરામંડીમાં સંજય લીલા ભણસાલી સાથે ફરી કામ કરવા પર મનીષાએ કહ્યું હતું કે, ‘મેં 28 વર્ષથી સંજયના કોલની રાહ જોઈ છે અને આવા જિનિયસ સાથે કામ કરવું એ મારા માટે ખૂબ જ ખુશીની અને સન્માનની વાત છે. અમે આ (હીરામંડી) ઘણી મહેનત, પ્રેમ અને સ્નેહથી બનાવી છે. હું આશા રાખું છું કે તમને તે ગમશે.
નોંધનીય છે કે હીરામંડી 1 મેથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે.. આ વેબસિરીઝમાં મનીષા સાથે સોનાક્ષી સિંહા, રિચા ચઢ્ઢા, શર્મિન સેહગલ, સંજીદા શેખ, ફરીદા જલાલ, ફરદીન ખાન અને અધ્યયન સુમન પણ છે.