આજે છે મહારાષ્ટ્ર દિન, જાણો ઇતિહાસ અને મહત્વ
મુંબઇઃ મહારાષ્ટ્ર મહાન સંતોની ભૂમિ છે. જ્યાં સંત જ્ઞાનેશ્વર મહારાજથી લઈને તુકોબા સુધી, છત્રપતિ શિવાજી મહારાજથી લઈને સંભાજી મહારાજ સુધી, મહાત્મા ફુલેથી લઈને ડૉ. બાબાસાહેબ આંબેડકર સુધી અનેક મહાન સંતોએ અહીંની પાવન ભૂમિ પર જન્મ લીધો છે. પણ શું તમે જાણો છો કે મહારાષ્ટ્ર રાજ્યની રચના કેવી રીતે થઈ હતી? આપણું મહારાષ્ટ્ર રાજ્ય કેવી રીતે બન્યું? તો ચાલો આ દિવસના ઇતિહાસ અને મહત્વને જાણીએ.
લગભગ 64 વર્ષ પહેલા 1960માં મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના થઈ હતી. મહારાષ્ટ્રની સાથે ગુજરાત રાજ્યની સ્થાપના પણ 1 મેના રોજ કરવામાં આવી હતી. 150 વર્ષ સુધી બ્રિટિશ શાસનમાં રહ્યા બાદ 1947માં ભારત આઝાદ થયું. ત્યારપછી ભારતમાં અંગ્રેજ શાસનનો અંત આવ્યો. દેશને આઝાદી મળી, પરંતુ રાજ્યોની રચના હજુ બાકી હતી. 1956માં સંસદે રાજ્ય પુનર્ગઠન અધિનિયમ પસાર કર્યો, જેના કારણે ભારતીય રાજ્યોની સીમાઓનું ફરીથી આકલન કરવામાં આવ્યું. આ કાયદાના આધારે, કન્નડ ભાષી લોકોને મૈસુર રાજ્ય એટલે કે કર્ણાટક રાજ્ય આપવામાં આવ્યું હતું. તેલુગુભાષી લોકોને આંધ્રપ્રદેશ રાજ્ય મળ્યું. મલયાલમ ભાષી લોકોને કેરળ રાજ્ય મળ્યું અને તમિલ ભાષી લોકોને તમિલનાડુ રાજ્ય મળ્યું. મરાઠી અને ગુજરાતી લોકોને પોતાનું અલગ રાજ્ય મળ્યું નહોતું. મહારાષ્ટ્રીયન અને ગુજરાતી લોકો પણ પોતાનું અલગ રાજ્ય ઇચ્છતા હતા.
પરિણામે બોમ્બે પુનર્ગઠન અધિનિયમ હેઠળ 1960 માં મહારાષ્ટ્ર અને ગુજરાત નામના બે રાજ્યોની રચના કરવામાં આવી હતી. જોકે, આ બે રાજ્યની રચના બાદ પણ વિવાદ ચાલુ રહ્યો. મહારાષ્ટ્ર અને ગુજરાત બંને મુંબઇનો પોતાના રાજ્યમાં સમાવેશ કરવાની માગણી કરતા હતા. મહારાષ્ટ્રીયન મુંબઈને તેમના રાજ્યના ભાગ તરીકે ઇચ્છતા હતા. કારણ કે- ત્યાંના મોટાભાગના લોકો મરાઠી બોલતા હતા. તેથી, ગુજરાત રાજ્યના લોકોનું માનવું હતું કે મુંબઈની પ્રગતિમાં ગુજરાતના લોકોનો મોટો ફાળો છે. તેથી, તેમને લાગ્યું કે મુંબઈનો તેમના રાજ્યમાં સમાવેશ કરવો જોઈએ. કેટલાકનો અભિપ્રાય હતો કે મુંબઈને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જાહેર કરવું જોઈએ. જોકે, યુનાઈટેડ મહારાષ્ટ્ર મૂવમેન્ટે આનો સખત વિરોધ કર્યો હતો અને મુંબઈને મહારાષ્ટ્ર રાજ્યની રાજધાની બનાવવાની માગણી સાથે કૂચનું આયોજન કર્યું. આ કૂચ પર પોલીસ ગોળીબારના કારણે 106 જેટલા કાર્યકરો માર્યા ગયા હતા. મુંબઈ શહેરની મધ્યમાં આવેલ હુતાત્મા ચોક આ સંઘર્ષનું પ્રતીક છે. અંતે, મુંબઈનો મહારાષ્ટ્ર રાજ્યમાં સમાવેશ કરવામાં આવ્યો. આજે મુંબઈ શહેરમાં રહેતો દરેક નાગરિક પોતાને મુંબઇગરો કહે છે. મુંબઈમાં વિવિધ જાતિ, ધર્મ, સંપ્રદાયના લોકો વસે છે, પરંતુ જ્યારે તેઓ પોતાની જાતને મુંબઈગરા કહે છે, ત્યારે આ બધા ભેદ ભૂલાઇ જાય છે.
તો મિત્રો યાદ રાખજો કે ઘણા સંઘર્ષ અને કુરબાની બાદ મહારાષ્ટ્ર રાજ્ય બન્યુ છે અને મુંબઇ તેની રાજધાની બની છે.