નેશનલ

ગુજરાત અને મહારાષ્ટ્ર ભલે અલગ રાજ્ય બન્યાં, પણ અંતે એક જ દેશના વાસીઓ છીએ” : રવિશંકર મહારાજ

ગાંધીનગર : આજે પહેલી મે 2024ના રોજ ગુજરાતનો 64મો સ્થાપના દિન છે. આ દિવસે જ 1960માં દ્વિભાષી રાજ્યનું વિભાજન થઇ મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ પડ્યા હતા. આથી રાજ્ય સરકાર દર વર્ષે આ દિવસને ગૌરવ દિવસ તરીકે ઉજવે છે પરંતુ આ વર્ષે લોકસભાની ચૂંટણીની આચાર સંહિતાના કારણે સરકારી ઉજવણી ફિક્કી રહેવાની છે.

ગુજરાત રાજ્યની રચનાની માંગને કેન્દ્ર સરકારે સ્વીકારી હતી. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન સ્વાતંત્ર્યસેનાની, સમાજસેવક અને પ્રખર ગાંધીવાદી રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતુ. ગુજરાત રાજ્યના સ્થાપના દિને સાબરમતી આશ્રમમાં રવિશંકર મહારાજે તેમના લાગણીશીલ ભાવમાં આપેલા ભાષણમાં કહ્યું હતું,

તેઓએ ગામડાના વિકાસ માટેની પ્રાથમિકતા આપવા જણાવી હતી, તેમણે કહ્યું હતું કે ગામડાના વિકાસમાં એ ભારતનો વિકાસ છે. આપણા ગુજરાતનાં ગામડાંઓમાં ખંતીલા અને ખૂબ મહેનતુ ખેડૂતો છે, ધંધારોજગાર ચલાવવામાં અતિશય કુશળ એવા સુંદર કારીગરો છે, વહાણવટું કરવામાં કુશળ એવા રિયાખેડૂતો પણ છે, અને અર્થવ્યહારમાં કુશળ એવા વ્યવહારકુશળ મહાજનો પણ છે. આ બધાની શક્તિને ગુજરાતના હિતમાં ચાહના મળે તો ગુજરાત ભલે નાનું રાજ્ય હોય, ભલે અત્યારે ખાધવાળો પ્રદેશ ગણાતો હોય, તો પણ થોડા વખતમાં સમૃદ્ધ બની શકે એ વિશે મારા મનમાં બિલકુલ શંકા નથી.

તેમણે કહેલું કે “રાષ્ટ્રની સંપત્તિ તેમ જ પેદાશ પણ વધી હશે. પણ એની યોગ્ય વહેંચણી થાય તો જ આપણે સમતા અને શાંતિની દિશામાં પ્રયાણ કર્યું કહેવાય, યોગ્ય વહેંચણી કરવાનો રસ્તો ધનદોલતની લહાણી કરવી એ નથી. પણ આપણે ત્યાંની એક એક સશક્ત વ્યક્તિને એને લાયકનું કામ મળી રહે અને હોંશે એ કામ કરવાનો એનાં દિલમાં ઉત્સાહ પ્રગટે એ કરવાની ખૂબ જરૂર છે.

ભૂમિ એ કદી શોષણનું સાધન ન બનવી જોઈએ. આપણું ગોધન અને પશુધન ખાંડુમાંડું હવે નહીં ચાલે, પણ જોઈને આંખ ઠરે એવું ગોધન હોવું જોઈએ. જે દેશમાં દૂધ – ઘીની નદીઓ વહેતી, એ દેશમાં ચોખ્ખાં ઘી-દૂધ મળવા દુર્લભ થાય એ આપણી કેવી દુર્દશા કહેવાય ! એ સ્થિતિ ટાળવી જ જોઈએ. ગોસંવર્ધન અને ગૌસેવા એ જ એનો સાચો ઈલાજ છે. ગોવધબંધી જેમ અમદાવાદ શહેરે અને સૌરાષ્ટ્રે કરી છે, એમ આખા ગુજરાતમાં થવી જોઈએ. એમ થશે તો મને બહુ ગમશે.

તેમણે માણસની પૈસા પાછળની દોટ વિષે ચિંતા વ્યક્ત કરી હતી અને તેના નિવારણ માટે નેતાઓ, અમલદારો, આગેવાનો વગેરેના જીવનમાં સાદગીની અમલવારી કરવા જણાવ્યું હતું, ” માણસનું મોં સંગ્રહ તરફ અને વધુ સુખોપભોગ તરફ કેમ વધે છે ? આ વૃત્તિ રોકવા માટે ચીનની જેમ આટલાં કપડાં પહેરો, આમ જ કરો, આ જ વર્તો એવા વટહુકમો ભલે બહાર ન પાડીએ, પરંતુ આપણા પ્રધાનો, આપણા આગેવાનો અને આપણા અમલદારો તથા આપણા મુખ્ય કાર્યકરો પોતાના જીવનમાં સાદાઈ અને કરકસરનું તત્ત્વ અપનાવીને પ્રજાને ઉત્તમ પ્રકારનું માર્ગદર્શન આપી શકશે.”

આપણને સ્વરાજ્ય મળ્યાને આજે બાર બાર વર્ષનાં વહાણાં વાયાં એમ છતાં આપણા વહીવટની ભાષા હજી અંગ્રેજી ચાલે છે. લોકોની ભાષામાં ન્યાા્ય ન તોળાય, લોકો સમજી શકે એવી ભાષામાં શિક્ષણ ન અપાય, ત્યાં સુધી લોકોને `આ અમારું’ રાજ્ય છે અને એના ઉત્કર્ષ માટે અમારે પરિશ્રમ ઉઠાવવો જોઈએ એવી ભાવના નહીં જાગે. એટલે ગુજરાતે સૌ પ્રથમ એવી જાહેરાત કરવી જોઈએ કે ગુજરાત રાજ્યનો તમામ વહીવટ ગુજરાતી ભાષામાં ચાલશે, શિક્ષણનું માધ્યમ પહેલેથી છેલ્લે સુધી ગુજરાતી જ રહેશે અને નોકરીઓ માટેની પરીક્ષાઓ પણ ગુજરાતીમાં જ લેવામાં આવશે.

બધા પક્ષોને મારી નમ્ર વિનંતી છે કે તેઓ એટલું સતત જરૂર નજર સમક્ષ રાખે કે આપણા પક્ષ કરતાં પ્રજા બહુ મોટી છે. સમગ્ર રાજ્ય કે દેશના હિત ખાતર પક્ષનું મહત્ત્વ ઓછું આંકવાની પરિપાટી આપણે શરુ કરવા જેવી છે. વિરોધ પક્ષે વિરોધ ખાતર વિરોધ કરવાનો ન હોય અને રાજ્યકર્તા પક્ષે વિરોધ પક્ષની વાત છે માટે એનો વિરોધ કરવાની પ્રથામાંથી બચવા જેવું છે.

ગુજરાત અને મહારાષ્ટ્ર ભલે અલગ અલગ રાજ્ય બન્યાં, પણ છેવટે તો આપણે સૌ એક જ ભારત દેશના વાસીઓ છીએ. સર્વ પ્રાંતો તો લોકો આપણા દેશબંધુઓ છે. સૌની ભાષાઓ એ આપણી જ ભાષા છે. જુદા પડવાનું કે ભેગા રહેવાનું, આપણા સ્વાર્થ અને સુખ માટે નથી, પણ આખા રાષ્ટ્રની ઉન્નતિ અને સેવા કરવા માટે છે. આપણે એક જ નાવમાં બેઠેલા છીએ એ વાત કદી ન ભૂલીએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button